Dakshin Gujarat

હથુરણ નહેરમાં મોટા ભાઈનો પગ લપસી જતા બચાવવા પડેલો નાનો ભાઈ પણ ડૂબી ગયો

હથોડા: હથુરણ (Hathuran) ગામની સીમમાંથી પસાર થતી મહુવેજ મેઇન કેનાલમાં (Canal) પાણી ભરવા ગયેલા બે ભાઈ પૈકી મોટા ભાઈનો પગ લપસતાં ડૂબવા (Drown) લાગતાં તેને બચાવવા નાના ભાઈએ નહેરમાં ઝંપલાવતાં એકસાથે બંને ભાઈ (Brother) ડૂબી ગયા હતા.

  • મહુવેજ મેઇન કેનાલમાં પાણી ભરતી વેળા મોટો ભાઈ પગ લપસતાં ડૂબી રહ્યો હતો

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હથુરણની સીમમાં આવેલી ડિવાઇન વિલા નામની સોસાયટીમાં ૧૫૯ નંબરના મકાનમાં રહેતા બંદીરામ માતાદીન અગ્રવાલ પોતાના ત્રણ પુત્રો અને પત્ની સહિત અત્રે રહી રિક્ષા ફેરવી ગુજરાન ચલાવે છે. તેમના ત્રણ પુત્રો પૈકી બે પુત્રો આકાશ (ઉં.વ.21) અને વિકાસ (ઉં.વ.૧૯) શુક્રવારે સવારે ૧૧ વાગ્યાના અરસામાં પોતાની સોસાયટીની પાછળથી પસાર થતી મહુવેજ મેઇન નહેરમાં ડોલ લઈ પાણી ભરવા ગયા હતા. ત્યારે મોટાભાઈ આકાશનો પગ લપસી જતાં તે નહેરના પાણીમાં ખેંચાવા લાગ્યો હતો. તેને નહેરના પાણીમાં ખેંચાતો જોઈ બચાવવા માટે નાનો ભાઈ વિકાસ નહેરમાં કૂદી પડ્યો હતો. પરંતુ નહેરના ધસમસતા વહેણમાં બંને ભાઈ ડૂબી ગયા હતા. આ બનાવ અંગે સોસાયટીમાં જાણ થતાં સ્થાનિક લોકો તેમજ કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંનેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ભાળ નહીં મળતાં ફાઇટરને બોલાવી બંને ભાઈની શોધખોળ શરૂ કરી છે.

બારડોલીની મીંઢોળા નદીમાં નાહવા ગયેલા બાળકનું ડૂબી જવાથી મોત
બારડોલી : બારડોલીના તલાવડી વિસ્તારમાં રહેતા આસીફભાઈ ઉમરભાઈ શેખ (ઉ.વ.30) ભંગારનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની સગુપ્તાબેન અને બે છોકરા અયાન (ઉ.વર્ષ 12) અને અનસ (ઉ.વર 6) તેમજ છોકરી આફિયા (ઉ.વર્ષ 3) છે. ગુરુવારના રોજ તેમનો પરિવાર બારડોલીના મીંઢોળા નદી કિનારે આવેલી ચાંદપીરની દરગાહ પર માથું ટેકવવા ગયો હતો. તે સમયે છોકરાઓ નદીમાં નહાવા માટે ઉતાર્યા હતા. તે સમયે મોટો પુત્ર અયાન શેખ નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. પરિવારજનોએ બૂમાબૂમ કરતાં અન્ય છોકરાનો બહાર નીકળી ગયા હતા. જ્યારે અયાન પાણીમાં ડૂબી જતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને તેને પાણીમાંથી બહાર કાઢી બારડોલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે માતા સગુપ્તાબેને બારડોલી પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top