Editorial

ભારત સરકાર શીખે, અમેરિકન સરકારની તમામ વેબસાઈટનો હિન્દી, ગુજરાતી, પંજાબીમાં અનુવાદ કરાશે

ભારત દેશ એવો પ્રાંત છે કે જ્યાં અનેક ભાષાઓ બોલવામાં આવે છે. તેમાં પણ મુખ્ય ભાષાઓની પણ પેટાભાષાઓ છે. તેમાં પણ જે તે વિસ્તાર પ્રમાણે જે તે ભાષાનો ઉપયોગ થાય છે. ઉત્તર ભારતમાં મહદઅંશે હિન્દી ભાષાનો પ્રયોગ થાય છે તો દક્ષિણ ભારતમાં અલગ-અલગ ભાષાનો ઉપયોગ થાય છે. દક્ષિણ ભારતના રહીશો હિન્દી ભાષાને સ્વીકારવા માટે તૈયાર જ નથી. તેઓ માત્ર પોતાની માતૃભાષા અને અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરવાની હિમાયત કરે છે. તાજેતરમાં જ ભાષા અંગે વિવાદ પણ થયો હતો. હિન્દીને રાષ્ટ્રભાષા ગણવી કે કેમ? તે મુદ્દે પણ સામસામા નિવેદનો થયા હતા.

સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાની માતૃભાષામાં જ બોલવા માટે ટેવાયેલો હોય છે. પરંતુ ભારતમાં અનેક પરિવારો એવા છે કે જેની માતૃભાષા અલગ છે પરંતુ તેઓ અંગ્રેજીમાં જ વાતચીત કરવા માટે ટેવાયેલા છે. ભારતમાં દરેક સરકારી વિભાગ દ્વારા પણ ક્યાં તો અંગ્રેજી કે ક્યાં તો હિન્દી ભાષામાં માહિતી આપવામાં આવે છે. જે તે પ્રદેશમાં જે તે પ્રદેશની ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, ભારતે અમેરિકા પાસેથી એ શીખવાની જરૂરીયાત છે કે જો જરૂરીયાત જણાય તો જે તે વ્યક્તિને તેની માતૃભાષામાં સંદેશો મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

તાજેતરમાં અમેરિકામાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે અમેરિકામાં સરકારી વેબસાઈટનું હિન્દી, ગુજરાતી તેમજ પંજાબી ભાષામાં અનુવાદ કરવામાં આવશે. તમામ વ્યક્તિ સુધી જે તે માહિતી કે સૂચનાઓને પહોંચાડી શકાય તે માટે અમેરિકાના રાષ્ટ્રપતિ કમિશને વ્હાઈટ હાઉસ અને અન્ય ફેડરલ એજન્સીઓની વેબસાઈટ્સને એશિયન- અમેરિકનો તથા પેસિફિક ક્ષેત્રના લોકો દ્વારા બોલાતી ભાષાઓમાં અનુવાદ કરવાની ભલામણ કરી છે. આ ભાષાઓમાં હિન્દી, ગુજરાતી અને પંજાબી ભાષાઓનો સમાવેશ થાય છે. એશિયન અમેરિકન્સ, નેટિવ હવાઈયન્સ અને પેસેફિક આઈલેન્ડર્સ અંગેના રાષ્ટ્રપતિના એડવાઈઝરી કિમિશને આ ભાષાઓ સામેલ કરવા અંગેની ભલામણોને તાજેતરમાં મંજૂરી પણ આપી દેવામાં આવી હતી.

આ અંગે મળેલી કમિશનની બેઠકમાં એવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, ફેડરલ એજન્સીઓએ તેમની વેબસાઈટ પર મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ સામગ્રી અને અરજી એશિયન અમેરિકન અને નેટિવ હવાઈન્સ અને પેસેફિક આઈલેન્ડર્સ દ્વારા બોલાતી ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવી જોઈએ. આની પાછળનું કારણ એવું છે કે, ઈમરજન્સી ચેતવણીઓ દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી છે. જે લોકો અમેરિકામાં રહે છે પરંતુ અંગ્રેજી ભાષાના એટલા જાણકાર નથી તેમના માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે તે વ્યક્તિને તેની માતૃભાષામાં માહિતી પહોંચાડવામાં આવતી હોવાથી ઈમરજન્સી અને આપત્તિ  વિરોધી કામગીરી, નીતિ ઘડતર, પ્રતિભાવ વ્યવસ્થાપન અને અન્ય યોજનાઓ તેમના સુધી પહોંચી શકે છે.  આ તમામ ભલામણોને મંજૂરી માટે રાષ્ટ્રપતિ જો બાઈડનને મોકલવામાં આવી છે. આગામી દિવસોમાં બાઈડન દ્વારા તેને મંજૂરી આપવામાં આવશે.

અમેરિકા દ્વારા જે તે વ્યક્તિને તેની ભાષામાં માહિતી આપવાની સાથે બીજી તરફ ભારતમાં એવી સ્થિતિ છે કે કેન્દ્ર સરકારની તમામ માહિતી ક્યાં તો અંગ્રેજીમાં છે, ક્યાં તો હિન્દીમાં છે. આ કારણે દેશનો મોટાભાગનો વર્ગ કેન્દ્ર સરકારની યોજના અને તેના લાભથી વંચિત રહી જાય છે. લોકોના હિન્દી કે અંગ્રેજી ભાષા પ્રત્યેના અજ્ઞાનને કારણે વચેટિયા દ્વારા તેનો લાભ લેવામાં આવે છે. જે તે રાજ્યની યોજનાઓ જે તે રાજ્યની ભાષામાં રજૂ કરવામાં આવે છે. સરકારી વેબસાઈટ પણ જે તે રાજ્યમાં જે તે પ્રદેશની ભાષામાં રજૂ કરાય છે પરંતુ કેન્દ્ર સરકારની વેબસાઈટમાં જે તે પ્રદેશની ભાષાનો ઉપયોગ કરાતો નથી.

ભારત સરકારે આ વેબસાઈટને પણ જે તે પ્રદેશના લોકો પોતાની ભાષામાં જોઈ શકે તેવી વ્યવસ્થા કરાવવી જોઈએ. અમેરિકાની એક ખાસિયત એ છે કે તે પોતાના નાગરિકોનો ખૂબ ખ્યાલ રાખે છે. કોરોનામાં પ્રત્યેક નાગરિકને અપાયેલી સહાય હોય કે પછી નાગરિક પ્રત્યેનું કર્તવ્ય હોય, અમેરિકાની સરકાર દ્વારા પોતાની ફરજ પુરી કરવામાં આવે છે અને આ કારણે જ અમેરિકા આજે મહાસત્તા છે. ભારતે પણ જો મહાસત્તા બનવું હોય તો અમેરિકાની જેમ દરેક મોરચે તેણે હકારાત્મક અભિગમ અપનાવવો પડશે તે નક્કી છે.

Most Popular

To Top