Kalol

વેજલપુર ઉર્દુ શાળા પાસે ગંદકીનો કંટાળો, તંત્ર સામે ગ્રામજનોમાં રોષ

શાળા નજીક કચરાના ઢગલા, બાળકોને દુર્ગંધ વચ્ચે પસાર થવાની મજબૂરી
રજૂઆતો છતાં સફાઈ નહીં—ગ્રાન્ટના ઉપયોગ પર ઉઠ્યા સવાલો

કાલોલ, તા. 05/05/2026
પંચમહાલ જિલ્લાના વેજલપુર ગામમાં સ્વચ્છતા અંગેની સ્થિતિ ચિંતાજનક બની છે. વેજલપુર ઉર્દુ શાળા નજીક જાહેર માર્ગો પર કચરાના ઢગલા જોવા મળતા શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ શાળા નજીક ગંદકી ફેલાઈ રહી છે, જેમાં રખડતા પશુઓ અને ડુક્કરો કચરામાં ચારો કરે છે, જેના કારણે દુર્ગંધ અને અસ્વચ્છતા વધતી જાય છે. શાળામાં જતા નાના બાળકોને દરરોજ આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે, જેના કારણે આરોગ્ય અંગે ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે સફાઈ માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટ હોવા છતાં યોગ્ય રીતે ઉપયોગ થતો નથી. અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
સ્થાનિકોમાં હવે આ મુદ્દે અસંતોષ વધી રહ્યો છે અને તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવાની માંગ ઉઠી છે. જો સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ગ્રામજનો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી રહ્યા છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top