Columns

અરીસામાં ભૂત?!

1971ની સાલ. પૂર્વ લંડનમાં એક મધ્યમ વર્ગના કુટુંબના મકાનમાં 61 વર્ષની એલ્સા એક દિવસ દોડતી દોડતી નીચે આવી. ‘જોન! જોન! ઉપર અરીસામાં ભૂત લાગે છે!’ ‘હોય કંઇ? તારો ભ્રમ છે.’ ‘ના, મારો ભ્રમ નથી. મારા ચહેરાને બદલે બીજા જ કોઇનો ચહેરો દેખાય છે! કોઇ 10 વર્ષની છોકરીનો ચહેરો દેખાય છે!’ જોન ઉપલે માળે ગયો અને અરીસામાં જોયું તો તેને પોતાનો જ ચહેરો દેખાયો. ન્યૂયોર્કમાં 1901ના દિને આ કિસ્સો બન્યો હતો. 71 વર્ષના રોબર્ટને અરીસામાં પોતાના ચહેરાને બદલે બીજા કોઈનો ચહેરો દેખાયો હતો.

આવા બનાવ બનતા જ રહે છે. અરીસામાં ભૂત હતું? ના. આ એક બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળતો રોગ છે અને તે સ્મૃતિભ્રંશ સાથે સંકળાયેલો છે. મતલબ કે મગજની યાદશક્તિ ઘટી જાય ત્યારે વ્યકિતને પોતાનો ચહેરો પણ યાદ નથી રહેતો અને અરીસામાં તેમને ભળતી જ વ્યકિતના ચહેરા દેખાય છે. આ રોગ મોટે ભાગે 70 વર્ષની ઉંમર પછી થાય પણ ચોક્કસ નિયમ નથી.

‘મિરર ડે – સેલ્ફ મિસ આઇડેન્ટીફિકેશન’ના નામે ઓળખાતા આ રોગમાં વ્યકિતને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતાં તે બીજી વ્યકિતનું અથવા પોતાના ભૂતકાળનું કે ભવિષ્યકાળનું સ્વરૂપ હોય તેવું કે કોઇ સગાનું હોય તેવું પ્રતિબિંબ દેખાય. આ લક્ષણ મગજના સ્મૃતિભ્રંશ સાથે સંબંધ ધરાવે છે. મગજની વ્યવસ્થામાં ક્રમશ: ખામી આવતી જાય છે કે તેની યાદશકિત ઘટતી જાય છે. વિચાર કરવામાં ખામી સર્જાતી જાય છે.

માથામાં ઇજા થવાથી, લકવો થવાથી કે જ્ઞાનતંતુની કોઇ બીમારીથી મગજના જમણા ગોળાર્ધને નુકસાન થાય ત્યારે યાદશકિત લગભગ ચાલી જાય અને દર્દી ભ્રમણાઓનો શિકાર બનતો જાય છે. તેની તર્કશકિત ક્રમશ: ઘટતી જાય છે અને તે પોતાના ચહેરાને પણ યાદ રાખવામાં અસમર્થ બનતો જાય છે. તેને ‘ડીલ્યુઝનલ મિસ આઇડેન્ટીફિકેશન સિન્ડ્રમ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ‘અલ્ઝાઇમર્સ’ના રોગીઓમાં પણ કેટલીક વાર આવા લક્ષણ જોવા મળી શકે. અન્ય કેટલાક માનસિક રોગોમાં પણ તે જોવા મળી શકે.

મૂળ વાત એ છે કે દર્દીને સમજશકિતનો, ઓળખવાનો અભાવ આવે ત્યાં આ રોગ દેખાઇ શકે એમ મનોચિકિત્સકો કહે છે અને પરાકાષ્ટા ત્યાં આવે કે દર્દી પોતાનો જ ચહેરો ઓળખવાની શકિત ગુમાવી બેસે. મગજના જમણા ગોળાર્ધના આગલા ભાગમાં વ્યકિતને પોતાનું પ્રતિબિંબ ઓળખવાની શકિત હોય છે અને ત્યાં ખામી સર્જાય તો આ રોગ થઇ શકે એવું તબીબી તારણ છે. આવા દર્દીઓની સારવાર માટે સઘન તબીબી અભ્યાસ થઇ રહ્યો છે અને ઉપચાર પદ્ધતિ અપનાવાઇ રહી છે, પણ આવા દર્દીની ભ્રમણાનો અભ્યાસ કરવા માટે સંમોહન વિદ્યા એટલે કે હિપ્નોટિઝમનો ઉપયોગ કરવામાં આવે છે. અંધશ્રધ્ધાળુઓ આવા સમયે ભૂવાઓની સહાય લે છે, જ્યારે વિજ્ઞાનમાં માનનારા મનોવિજ્ઞાનીઓની મદદ લે.

Most Popular

To Top