Dakshin Gujarat

સોનગઢમાં,વ્યારા અને ડોલવણમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો, આમલી ડેમના ચાર દરવાજા ખુલ્લા કરાયા

વ્યારા: તાપી (Tapi) જિલ્લામાં મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં સોનગઢ (Songadh) તાલુકામાં સૌથી વધુ 5.76 ઇંચ, જ્યારે વ્યારા (Vyara) અને ડોલવણ (Dolwan) તાલુકામાં 5.56 ઇંચ વરસાદ (Rain) ખાબક્યો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ નિઝર તાલુકામાં માત્ર 1 મીમી અને કુકરમુંડામાં માત્ર 3 મીમી નોંધાયો છે. વ્યારામાં બપોરે 12થી 2 વાગેનાં અરસામાં 2 ઇંચ વરસાદ પડતાં ચારેકોર પાણી ભરાયા હતા. જ્યારે ડોલવણ તાલુકામાં સવારે 6 થી 8 વાગેના અરસામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ડોસવાડા ડેમની સપાટી સાંજે 6 વાગે 324 ફૂટ નોંધાઈ હતી. જેમાં 84143 ક્યુસેક પાણીની આવક સામે 800 ક્યુસેક પાણી છોડાયું હતું. જ્યારે ડોસવાડા ડેમ 2 ફૂટ છલકાતાં 5944.50 ક્યુસેક પાણી ડીસ્ચાર્જ થયું હતું. તાપી જિલ્લાના કુલ 81 રસ્તા બંધ થઈ ગયા હતા. જેમાં વ્યારાના 25, ડોલવણના 18, વાલોડના 6, સોનગઢના 28, ઉચ્છલના 2 રસ્તાનો સમાવેશ થાય છે. તાપી જિલ્લાનાં રાજ્યના બે ધોરી માર્ગ બંધ થઈ ગયા હતા. ભારે વરસાદને કારણે આ વિસ્તારમાં વાહન વ્યવહારના લગભગ ઠપ્પ થઈ ગયાની સ્થિતિ નિર્માણ થઈ હતી. જ્યારે પંચાયતના 79 રસ્તા બંધ થઈ જતા અનેક ગ્રામીણ વિસ્તારોનો સંપર્ક તૂટ્યો હતો.

માંડવી તાલુકામાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ, આમલી ડેમના ચાર દરવાજા ખુલ્લા કરાયા
માંડવી : માંડવી તાલુકામાં 112 મીમી વરસાદ થયો હતો. જેને કારણે અનેક વિસ્તારો જળ તરબોળ થયા હતા. ત્યારે માંડવીના આમલી ડેમની પાણીની કુલ સપાટી 115.80 મીટર છે. રૂલ લેવલ 113.00 મીટર છે. જે સવારથી સાંજ સુધીમાં પાણીની આવક 111.70 મીટર પહોંચતાં ચાર દરવાજા ખુલ્લા કરતાં 3563 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અને અસરગ્રસ્ત ગામો મોરીઠા, સાલૈયા, ગોડસંબા, કરવલી, કાછિયા બોરી, કસાલ, અમલસાડી, કરવલી વગેરે ગામોને એલર્ટ કરાયાં હતાં. લાખી ડેમની પૂર્ણ સપાટી 74.10 મીટર છે. જે 73.10 પર પહોંચતાં 70 ટકા ડેમ ભરાયો હતો.

જે સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત ગામો કલમકુવા, બેડધા, ભાતખાઈ, સરકુઈ ગામોને એલર્ટ કરાયાં હતાં. જ્યારે કેવડી નાની સિંચાઈ યોજનાની મહત્તમ સપાટી FRL 74.22 મીટર (243.50 ફૂટ) સાંજે 6 વાગ્યા સુધી 72.54 મીટર (238.ફૂટ) પહોંચતાં 77.35 ટકા (વોર્નિંગ સ્ટેજ) જથ્થો પાણી ભરાતાં મોરણ ખાડીના કિનારાનાં અસરગ્રસ્ત ગામો જેતપુર, ગાંગપુર, પીપલવાડા વગેરે ગામોને પણ એલર્ટ કર્યાં હતાં. અને ઈસર ડેમની 106.60 મીટરની મહત્તમ સપાટી છે. જે 104.20 મીટર પહોંચતાં 46.75 % જેટલો ભરાયો છે. માંડવી કાકરાપાર વિયર પરથી 25175 ક્યુસેક પાણી ઈનફ્લો થયો હતો. કાકરાપાર વિયરની સપાટી 164.20 હોવાથી 2.30 ફૂટ ઉપરથી પાણી તાપી નદીમાં વહી રહ્યું હતું.

વરસાદ પડતાં અનેક માર્ગો બંધ
માંડવી : માંડવી તાલુકામાં તથા ઉપરવાસમાં વરસતા ભારે વરસાદના કારણે તાલુકામાં લો-લેવલ પુલ, નાળા ઉપર પાણી ફરી વળતાં અનેક માર્ગો બંધ થયા હતા. જે માંડવી તાલુકામાં આવેલા મોરીઠા-કાલીબેલ-તલૈયા તિતોઈ-રેગામા, દેવગઢ- લુહારવાડ,અંધારવાડી, કોલખડી, લાડકૂવા,ગોડધા-લુહારવાડ,ગોડસંબા-કરવલી, ઉશ્કેર-મુંઝલાવ-બૌધાન વગેરે ગામોના તકેદારીના ભાગરૂપે પોલીસ જવાન તથા જીઆરડી, હોમગાર્ડ જવાનો ખડેપગે રહ્યા હતા.

Most Popular

To Top