Columns

ગેરેજ … તમારી ડ્રીમ કારનું દર કે આશિયાનું?

આ પૃથ્વી ઉપર રહેવા માટે જેમ ચકલીને માળો, ઉંદરને દર, ઘોડાને તબેલો હોય છે તેમ માણસને ઘર હોય છે. તે જ રીતે તમારી ડ્રીમ કારને (દરેકને પોતાનો છોકરો વ્હાલો એમ પોતાની કાર ડ્રીમ કાર) તાપ, વરસાદ અને ધૂળથી બચાવવા માટે ઘરમાં એક પેટાઘર હોય છે જેને ગેરેજ કહેવાય છે. તમે મુકેશ અંબાણી તો છો નહિ કે તમારું મકાન ‘એન્ટીલિયા’જેવું બનાવો અને તેમાં ત્રણ માળ તો ફક્ત તેમની લક્ઝુરિયસ કારોને રાખવા માટે ફાળવો. તમારે તો આંગણામાં મળેલી ફાજલ કવર્ડ કે અન કવર્ડ જગ્યામાં ગાડી, સ્કૂટર રાખવા પડે છે. દરેક નવા ફ્લેટ્સમાં પાર્કિંગ માટે સેલર છે પણ જૂના ફ્લેટ્સમાં પાર્કિંગ સુવિધા નહિ હોવાથી ત્યાં રહેતા લોકો કમ્પાઉન્ડની બહાર આવેલા મ્યુનિસિપાલિટીના રસ્તા ઉપર પાર્ક કરીને રોડ ટેક્સ અને મ્યુનિસિપલ ટેક્સ વસૂલ કરે છે.

દરેક બંગલામાં એક આંગણાનો ખૂણો વ્હીકલ પાર્કિંગ અથવા ગેરેજ માટે હોય છે. આમ તો કાર સર્વિસમાં આપવાની અને કોઈ એક્સિડન્ટ પછી તેને રીપેરીંગ કરવાની જગ્યાને પણ ગેરેજ કહેવાય છે એટલે ગાડી પાર્ક કરવાની ઘરની જગ્યાને ગેરેજ કેમ કહે છે તે ચર્ચાનો વિષય છે. કદાચ એટલે પણ હોય કે ત્યાં નાનુંમોટું રીપેર વર્ક કરી શકે અથવા કારને લગતી અસેસરીસ અને રીપેરીંગના બેઝિક સાધનો રાખી શકે, ત્યાં જૂના ટાયરો અને કારનું પ્લાસ્ટિક કવર પણ ખૂણામાં સ્ટોર રૂમની જેમ પડ્યું હોય છે.

ગેરેજમાં એક ખૂણામાં બગીચા માટેના માળીકામના સાધનો, પાણી છાંટવાની પાઈપ અને લોનમૂવર પણ પડ્યા હોય છે. પતિ-પત્ની બંનેની ગાડીઓ જુદી હોય છે પણ ગેરેજનું શટર ખોલબંધ કરવાની જવાબદારી સપ્તપદીના આઠમા અણલિખિત પદની જેમ માત્ર પતિના હાથમાં હોય છે. પત્ની જેવી કાર ઘર પાસે ઊભી રાખે અને તમે સ્ત્રીદાક્ષિણ્ય દાખવી જેવું તેનું કારડોર ખોલી આપો એટલે તે ઠસ્સાથી ઊતરીને કારની ચાવી તમે સ્લીપમાં ઊભા હો તે રીતે કેચ કરવા ફેંકીને ઘરનું બારણું ખોલવા જાય છે. પતિશ્રી જોન્ટી રોડસની જેમ ચાવીના ગુચ્છાનો કેચ કરીને પહેલાં ગાડી વ્યવસ્થિત પાર્ક કરે છે અને ત્યાર બાદ કારડોરથી લઈને ગેરેજ શટર સુધીનાં બધાં બારણાં રીવર્સ ઓર્ડરમાં બંધ કરે છે. આપણા દેશમાં ગેરેજનું શટર કારમાં બેઠા બેઠા રીમોટથી જ ખોલબંધ થઇ શકે તેવી ટેકનોલોજી પ્રચલિત નથી. અત્યારે તો પતિએ જ ગેરેજનું શટર ખોલબંધ કરવાની જવાબદારી લઈને યુનિવર્સલ રીમોટ બનવું પડે છે. અમેરિકા યુરોપમાં ઇલેક્ટ્રોનિક રીમોટ કંટ્રોલવાળી વ્યવસ્થા દરેક ઘેર ઘેર અને ગેરેજ ગેરેજમાં હોય છે. અમદાવાદમાં તમે ગરાજ સેલ વિષે સાંભળ્યું છે? કે તેવાં પાટિયાં કોઈ મકાનના ઝાંપે લટકતાં જોયાં છે? ‘ગરાજ સેલ’ એ આપણા અમેરિકામાં સેટલ થયેલા ભાઈબહેનોનો પસ્તી પધરાવવાનો યુનિક જુગાડ છે.

ત્યાં ઇન્ડિયા જેવી પ્યાલા- બરણીવાળી બહેનો કે ભંગારની લારીવાળા ભાઈઓની ‘સર્વિસ@હોમ’ જેવી લકઝરી હોતી નથી. ત્યાં ગેરેજ ગાડીઓ રાખવા માટે જ નહીં પણ વીક એન્ડમાં ઘરની નહિ વપરાતી વસ્તુઓના ગરાજ સેલ માટે પણ હોય છે. બાબાબેબી મોટા થઇ જાય એટલે તેમના હીમેનો, બાર્બીઓ, બીજાં રમકડાં, પુસ્તકો, કપડાં કે કિચનનાં જૂનાં સાધનો કે જૂના ફર્નિચરના વેચાણ તે બધી વસ્તુઓના પ્રાઈસ ટેગ સાથે ગેરેજની બહાર ‘સેલ’ તરીકે પ્રદર્શિત થાય છે, કોમ્યુનિટીના લોકો આવતાજતા જુએ અને તેમના કામની વસ્તુઓ હોય તો મૂળ કિંમતના દસમા ભાવે ખરીદીને લઇ જાય છે. તેમના સોશ્યલ વ્હોટસએપ ગૃપમાં પણ આનો ફોટા સાથે પ્રચાર કરે છે. ગરાજ સેલમાં ખાસ તો તેમનું જૂનું ફર્નિચર ના વેચાય તો એમનેમ રસ્તા પાસે મૂકે છે. આપણા NRI થવા તાજા અમેરિકા ગયેલા બાબાબેબીઓ જે આમ તો ભણવા પહોંચ્યા છે તેમને (FOB = Fresh of The Boat) કહેવાય છે. આ બધા ત્યાં હલ્લો બોલાવે છે, તેમના શેરીંગ ભાડાના ઘર માટે આ ફર્નિચર મફતમાં લાવે છે.

‘ગરાજે આમ’ એટલે કે ઘર ઘરના ગરાજમાં અને ‘ગરાજે ખાસ’ એટલે કે મોલ અથવા જાહેરસ્થળોએ બનાવાતા પાર્કિંગ પ્લેસમાં ઘણો તફાવત હોય છે. ‘ગરાજે આમ’ એક મકાનમાલિકની પઝેસીવ વ્યવસ્થા છે. જ્યાં ગાડીને સંભાળીને છાયામાં રાખે છે. રોજ સવારે પોતે નહાય તે પહેલાં કારને સાફસૂફ કરીને નવડાવે- ધોવડાવે છે, ‘ગરાજે ખાસ’ જગ્યાએ સમાજવાદી માહોલ હોય છે. પૈસા આપીને કાર પાર્ક થાય છે. નેનોની બાજુમાં ઓડી કે મર્સીડીસ એક લાઈનમાં હોય છે, મારી 2006ની અમેરિકા ટ્રીપમાં ડિઝનીલેન્ડનું માસીવ પાર્કિંગ મારી લાઈફનું જોયેલું પહેલું લાખ ગાડીઓ એક છત નીચે સમાવતું કોમ્યુનીટી ગેરેજ હશે. તમારી પાર્ક કરેલી કારની નિશાની રૂપે તમારે પિલર નંબરનો ફોટો પાડી રાખવો પડે.

અમેરિકા કે યુરોપના દેશોમાં ઘણી સાયન્ટીફીક શોધખોળ જૂના ગેરેજમાં જ થઇ છે. 1870માં બેલ વડે ટેલિફોનની શોધ ઓન્ટેરીઓ કેનેડાના તેના પિતાના મકાનના ગેરેજમાં, દુનિયાની પહેલી ફોર્ડ કાર તેના દાદાના ઘરના ગેરેજમાં 1896માં અને વોલ્ટ ડિઝનીએ તેના એનીમેટેડ ક્લાસિક્સ ‘સ્નો વ્હાઈટ એન્ડ સેવન ડવાર્ફસ’ લોસ એન્જલસમાં તેના કાકા રોબર્ટના ગેરેજમાં બનાવ્યા હતા. તે તેમનું ફર્સ્ટ ડીઝની સ્ટુડીઓ હતું. લેરી પેઈજ અને સરજી બ્રિન વડે શોધાયેલું સર્ચ એન્જિન “ગુગલ” 1998માં કેલીફોર્નીઆના મેન્કોપાર્કના ગેરેજમાં જનમ્યું હતું. બીજા જાણીતા ઉપકરણો જેવા કે પેસમેકર, સ્પીકર ફોન, અમેઝોન, ટેડી બેર અને તેના જેવા બીજા 25 સંશોધનોની દુનિયામાં પહેલી મુંહદિખાઈ આવા જ કોક ગેરેજમાં થએલી હોય છે. ગેરેજને તમારા ઘરની જેમ જ ચોકખું રાખજો. તમારા સ્કૂટર, કાર તમને રસ્તા વચ્ચે હેરાન નહિ કરે.

Most Popular

To Top