SURAT

વરાછાના હીરાના વેપારીને સમાજના લોકોએ જ છેતર્યો

સુરત (Surat): વરાછાના હીરા બજારમાં (Varacha Diamond Market) વેપાર કરતા એક વેપારીને તેના જ સમાજના લોકોએ છેતર્યો (Cheating) હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વરાછા મીનીબજારમાં હીરાનો ધંધો કરતા વેપારી સહિત ત્રણ પાસેથી કુલ રૂપીયા 56.42 લાખની કિંમતનો તૈયાર હીરાનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહીં ચુકવી છેતરપિંડી કરનાર ટોળકી સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

  • વરાછાના હીરાના વેપારી સહિત 3 સાથે 56.42 લાખની છેતરપિંડી
  • મારી સાથે ધંધો કરશો તો સારો નફો મળશે તેવી લાલચ આપી હતી
  • મુકેશ સાનેપરાએ વરાછા પોલીસમાં ફરિયાદ આપી

વરાછા પોલીસના જણાવ્યા મુજબ મૂળ અમરેલીના લાઠીના અને હાલ શહેરમાં વરાછા ભાતની વાડી મીરાનગર સોસાયટીમાં રહેતા મુકેશ કરમશીભાઈ સાનેપરા (ઉ.વ.50) મીનીબજાર પાસે ચોકલી બજારમાં ટેબલ રાખી હિરાનો વેપાર ધંધો કરે છે. મુકેશભાઈએ ગતરોજ વિજય મનુ વસાણીયા (રહે,શાલીગ્રામ સ્ટેટસ ઉત્રાણ મોટા વરાછા), રાકેશ રતીલાલ ફલીપરા (રહે, શુભમ એવન્યુ અબ્રામા રોડ મોટા વરાછા), અર્પણ અને કાનાણીકાકા સામે રૂપિયા 56,42,305 ના હીરા ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે વિજય વસાણીયા અને તેના પરિવાર સાથે છેલ્લા વીસ વર્ષથી પારીવારીક સંબંધો હતા અને એક સમાજના હોવાથી અવાર નવાર સમાજીક પ્રસંગોમાં મુલાકાત થઈ હતી. વિજયએ પોતે મીનીબજારમાં હિરા ખરીદ વેચાણનું કામકાજ કરે છે તમે મારી સાથે ધંધો કરશો તો સારો નફો મળશે, માર્કેટમાં ઘણા વેપારીઓ સાથે ઓળખાણ કહી વિશ્વાસમાં લઈ શરુઆતમાં હીરાનો માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ ચુકવી આપ્યુ હતું.

ત્યારબાદ ગત તા 2 માર્ચ 2019થી 24 એપ્રિલ 2019 સુધીમાં રૂપિયા 45,52,036ના મત્તાના 295.96 કેરેટના હીરાનો માલ ખરીદ્યો હતો. માર્કેટના ધારા ધોરણ મુજબ કાચી ચીઠ્ઠી બનાવી તેમાં સહી પણ કરી હતી. 45 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાનું નકકી કર્યા બાદ પણ નહી ચુકવતા મુકેશભાઈએ પેમેન્ટી ઉઘરાણી કરતા ખોટા વાયદાઓ આપ્યા હતા. જોકે મુકેશભાઈને એવી ખબર પડી કે વિજયે તેના હીરાનો માલ રાકેશ બફલીપરાને આપ્યો છે. માર્કેટમાં તપાસ કરતા એવુ બહાર આવ્યું હતું કે આરોપીઓએ પરેશ સાવલીયા નામના વેપારી પાસેથી રૂપિયા 3,79,124નો હાર્દિક વિઠ્ઠાણી પાસેથી રૂપિયા 7,11,145 મળી કુલ રૂપિયા 56,42,305ના મતાનો તૈયાર હીરાનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી છેતરિપંડી કરી હતી. તેથી મુકેશ સાનેપરાએ ત્રણેય વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ આપી છે.

Most Popular

To Top