Madhya Gujarat

સોજિત્રામાં ડ્રગ્સ સાથે ચાર પકડાયાં

આણંદ : આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા સોજિત્રા પંથકમાં પેટ્રોલીંગ દરમિયાન રોકેલી ગાડીમાંથી પ્રતિબંધીત એમડીએમએ પાર્ટી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ સંદર્ભે પોલીસે ગાડીમાં સવાર રાજકોટના ચાર શખસની અટક કરી તેમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન. પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન બાતમી મળી હતી કે, સોજિત્રાના મલાતજથી ડભોઉ જવાના રસ્તેથી પસાર થઈ રહેલી ગાડી નં.જીજે 03 એલબી 0034માં ચારેક જેટલા શખસ એમડીએમએ, મેથા એમફેટામાઇન, એમ્ફેટામાઇન ડેરીવેટીવ્સ ડ્રગ્સ લઇને આવવાના છે.

આ બાતમી આધારે એસઓજીએ મલાતજથી ડભોઉ જવાના રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ગાડી આવતા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ગાડીને કોર્ડન કરી રોકી હતી. આ ગાડીની તલાસી લેતા તેમાં ચાર શખસ પાસેથી અલગ અલગ પ્રમાણમાં એમડીએમએ પાર્ટી ડ્રગ્સ 19.680 ગ્રામ જેટલું મળી આવ્યું છે. જેની કિંમત રૂ.1,96,800 જેટલી થવા જાય છે. આ ગાડીમાં સવાર ચાર શખસની પુછપરછ કરતાં તે તુષાર ઉર્ફે ભુરો જીવરાજ સાંગાણી, રોહન શૈલેષ વસોયા, મોહિત ઉર્ફે ટકો હંસરાજ પરસાણા અને રોહન સુરેશ રૈયાણી (તમામ રહે. રાજકોટ) હોવાનું જણાવ્યું હતું.

આ અંગે સોજિત્રા પોલીસ મથકે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જ્યારે સમગ્ર કેસમાં ડ્રગ્સ, મોબાઇલ, કાર સહિત કુલ રૂ.5.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે પકડી પાડેલું ડ્રગ્સ કોને આપવાનું હતું ? કોણે મોકલ્યું હતું ? તે રિમાન્ડ દરમિયાન બહાર આવશે.
પાર્ટીના શોખીન માલેતુજારો ડ્રગ્સનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતાં હોય છે
આણંદ એસઓજીએ સોજિત્રા પાસે પકડી પાડેલા એમડીએમએ ડ્રગ્સ પાર્ટીમાં વધુ ઉપયોગ થાય છે. જોકે, તેની કિંમત વધુ હોવાથી માલેતુજારો તેનો ઉપયોગ કરતાં હોય છે. તેઓ ખાસ પ્રસંગે પાર્ટી યોજી ડ્રગ્સ લેતાં હોય છે.

Most Popular

To Top