Madhya Gujarat

આણંદમાં અષાઢ અનારાધાર રહ્યો

આણંદ: આણંદ જિલ્લામાં ગત વર્ષ કરતાં આ વરસે વરસાદની હેલી જોવા મળી રહી છે, જુલાઇ મહિનામાં છેલ્લા પખવાડિયાથી સતત વરસાદ ચાલુ છે. આ દિવસો અષાઢ મહિનાના હોવાથી અનારાધાર વરસાદ રહ્યો હતો. સમયસર અને માફકસરનો વરસાદ હોવાથી ખેડૂતો પણ ખુશ છે અને ડાંગર સહિતના પાકની રોપણી કરવા લાગી ગયાં છે. જેના કારણે ગત વર્ષ કરતાં સાડા પાંચ હજાર હેક્ટરમાં વધુ વાવેતર થયું છે. આણંદ જિલ્લામાં અષાઢી બીજથી અમીછાંટણાથી શરૂ થયેલો વરસાદ અષાઢી અમાસ સુધી સતત ચાલુ રહ્યો છે. ગયા વરસે આ ગાળામાં પડેલા વરસાદ કરતાં આ વરસે બે ગણો વરસાદ પડ્યો છે.

અષાઢ મહિનો અનારાધાર રહ્યો છે અને વરસાદની હેલીથી શહેરી વિસ્તારમાં જળબંબાકાર છે. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ કાચા રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. જોકે, આ સ્થિતિમાં પણ ખેડૂતોના ચહેરા પર ચમક જોવા મળી રહી છે. ખેતરમાં પાણીની ક્યારી ભરેલી હોવાથી સિંચાઇ વિભાગ પર નિર્ભર રહેવું પડ્યું નથી. તેમાંય ડાંગરનો પાક વરસાદના પાણીમાં સારો થતો હોવાથી ખેડૂતો આ વરસે વધુ ઉતારાની આશાએ ફટાફટ રોપણી કરવા લાગ્યાં છે. ગયા વરસે આ ગાળામાં થયેલી રોપણી કરતાં આ વરસે સાડા પાંચ હજાર હેક્ટરમાં વધુ રોપણી થઇ છે. તેમાંય માફકસર અને સમયસરના વરસાદના કારણે ડાંગર અને શાકભાજીનું વાવેતર વધ્યું છે. બીજા નંબરે ઘાસચારો, શાકભાજી અને બાજરીનો સમાવેશ થાય છે.

આણંદમાં હજુ પણ પાંચ દિવસ વરસાદનો વર્તારો કરાયો
આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન આણંદ જિલ્લામાં હવામાન ભેજવાળુ તથા આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેવાની સંભાવના છે અને અમુક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25થી 27 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 81 થી 93 ટકા રહેવાની શક્યતા છે. પવનની સરેરાશ ઝડપ 14થી 21 કિલોમીટર પ્રતિકલાક તેમજ દક્ષિણ – પશ્ચિમ તરફથી પવન ફુંકાશે.

ક્યા પાકનું કેટલું વાવેતર થયું ?
તાલુકો ડાંગર બાજરી કપાસ શાકભાજી ઘાસચારો
આણંદ 4,822 214 205 3,065 2,141
આંકલાવ 686 19 68 2,068 1,501
બોરસદ 12,517 514 446 1,550 1,855
ખંભાત 10,202 1,252 18 150 726
પેટલાદ 7,227 931 62 480 766
સોજિત્રા 12,237 105 0 96 148
તારાપુર 10,673 56 130 78 240
ઉમરેઠ 5,462 14 97 1,210 1315
કુલ 63,826 3,105 1,026 8,697 8,692

આણંદમાં સરેરાશ 60 ટકાથી વધુ વરસાદ નોંધાયો
તાલુકો કુલ સરેરાશ ગત વર્ષનો
વરસાદ (ટકા) વરસાદ

ખંભાત 534 મિમી 69.35 373 મિમી
તારાપુર 572 મિમી 85.63 308 મિમી
બોરસદ 724 મિમી 89.27 365 મિમી
આંકલાવ 446 મિમી 55.06 330 મિમી
આણંદ 719 મિમી 84.09 591 મિમી
ઉમરેઠ 284 મિમી 43.23 146 મિમી
સોજિત્રા 533 મિમી 73.21 338 મિમી
પેટલાદ 619 મિમી 76.51 399 મિમી

આણંદ જિલ્લામાં વરસાદ ડાંગર માટે ફાયદાકારક રહ્યો છે
આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલે જણાવ્યું હતું કે, આ વરસે માફકસરનો વરસાદ રહ્યો છે. જે ડાંગર માટે ફાયદાકારક છે. હાલ એક લાખ હેક્ટર સુધી વાવેતર થયું છે. ડાંગર માટે ચોમાસાનું પાણી લાભકારક હોવાથી ખેડૂતો રોપણીના કામમાં લાગી ગયાં છે. હાલ સતત વરસાદથી ક્યારા વરસાદી પાણીથી ભરાયેલા છે. આ ઉપરાંત સમયસરના વરસાદના કારણે ગત વર્ષ કરતાં સાડા પાંચ હજાર હેક્ટર જમીનમાં વધુ વાવેતર આ વરસે થયું છે.

Most Popular

To Top