SURAT

સતત ચોથા દિવસે શહેરના પાંડેસરા ઔદ્યોગિક વિસ્તારોમાં વેક્સિન નહીં મળી!

સુરત: સતત ચોથા દિવસે શહેર (surat)ના ઔદ્યોગિક વિસ્તારો (industrial area)માં વેક્સિનનો જથ્થો નહીં પહોંચતા વેક્સિનેશનની કામગીરી સાત ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાં અટકી પડી છે. વેક્સિન નહીં મળતા જ્યાં સૌથી વધુ કામદારોને રસી આપવામાં આવતી હતી તે સચિન જીઆઇડીસીના રોટરી ક્લબ હોસ્પિટલ અને ફાયર સ્ટેશનના વેક્સિન સેન્ટરની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. આજે એક માત્ર પાંડેસરા જીઆઇડીસી (gidc)માં પાંડેસરા વિવર્સ સોસાયટી સંચાલિત વેક્સિનેશન સેન્ટરને 850 વેક્સિનનો જથ્થો મોકલવામાં આવ્યો હતો.

દરમિયાન આજે સચિન જીઆઇડીસી ઇન્ડસ્ટ્રિયલ કોવિડ-19 હેલ્થ સેન્ટરના (health center)ના સંચાલકો મયૂર ગોળવાલા અને નિલેશ ગામીના નેતૃત્વમાં ઉદ્યોગકારોના પ્રતિનિધિમંડળે સુડા ભવન ખાતે જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલ અને ડીડીઓ હિતેશ કોયાને આવેદનપત્ર આપી જીઆઇડીસીના રોટરી ક્લબના સેન્ટરને વેક્સિન આપવા માંગ કરી હતી. અહીં 1 એપ્રિલથી અત્યાર સુધી 2500 લોકોને વેક્સિન આપવામાં આવી છે. જ્યારે ફાયર સ્ટેશનના સેન્ટર થકી ઉદ્યોગકારો અને કામદારો મળી 7000 લોકોને વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જીઆઇડીસીમાં 2250 એકમમાં 2.50 લાખથી વધુ કામદારો કામ કરતા હોવાથી વેક્સિન લેવા માટે રોજ રોટરી ક્લબના સેન્ટર બહાર લાંબી કતાર લાગે છે. રજૂઆતને પગલે ડીડીઓ હિતેશ કોયાએ આવતીકાલે વેક્સિનનો જે લોટ આવશે તેમાંથી કેટલીક વેક્સિન રોટરી ક્લબને ફાળવવામા આવશે અધિકારીઓ દ્વારા રવિવારે વેક્સિનેશન સેન્ટર ચાલુ રાખવા પણ જણાવવામાં આવ્યુ છે.

પાંડેસરા જીઆઇડીસીમાં 18થી 44 વર્ષની વયના 850 લોકોને વેક્સિન આપવામાં આવી

પાંડેસરા વિવર્સ સોસાયટીના પ્રમુખ આશિષ ગુજરાતી અને પિયુષ પટેલે જણાવ્યું હતું સુરત મહાનગર પાલિકા દ્વારા આજે પાંડેસરા વિવર્સ સોસાયટીના વેક્સિનેશન સેન્ટરને 850 વેક્સિનનો લોટ આપવામાં આવ્યો હતો. જેમાં 18થી 44 વર્ષના જે લોકોએ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કર્યુ હતું તે તમામને આજે વેક્સિન આપવામાં આવી હતી.

રિંગરોડ પર માર્કેટ વિસ્તારમાં બે વેક્સિનેશન સેન્ટર શરૂ કરાવવા ફોસ્ટાની માંગ

રાજ્યના ગૃહ સચિવના પરિપત્રના પગલે રિંગરોડની કાપડ માર્કેટો 12મી મેં સુધી બંધ છે ત્યારે વેપારીઓ અને કામદારો માટે માર્કેટ વિસ્તારમાં બે વેક્સિનેશન સેન્ટર શરૂ કરી મેગા વેક્સિન અભિયાન ચલાવવા ફોસ્ટાએ પાલિકા કમિશનર બંછાનિધિ પાનીને રજૂઆત કરી છે. આ વેક્સિનેશન અભિયાનમાં 18થી 44 વર્ષના માર્કેટના વેપારી, મેન્ટેનેસ ઓફિસના મેનેજર, સ્ટાફ કામદાર અને સિક્યુરિટી સ્ટાફને વેક્સિન આપવા માંગ કરવામાં આવી છે. જેથી 13મી મેએ માર્કેટ ઉઘડે તે પહેલા માર્કેટ સાથે સંકળાયેલા લોકોએ વેક્સિન લઇ લીધી હોય.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top