SURAT

કોટ વિસ્તારના સુરતીઓને સાયકલ શીખવાડવામાં 89 વર્ષથી દલાલ સાયકલ સ્ટોર્સનો સિંહફાળો

એક જમાનો હતો જ્યારે સાયકલ લોકોનું સ્ટેટ્સ સિમ્બોલ ગણાતી. પણ પછી સ્કૂટર, મોટરસાયકલ, કારનો જમાનો આવતા સાયકલ સાઇડલાઈન થતી ગઈ. જોકે, પછી લોકો હેલ્થ ફિટનેસને લઈને કોન્શ્યસ થતા 2015થી પુનઃ સાયકલની ડીમાંડ વધી. તમને યાદ હોય તો દૂધવાળા પહેલા સાયકલ પર દૂધના કેન લટકાવી દૂધ સપ્લાય કરતા. ટપાલી પણ સાયકલ પર ટપાલના થેલા લટકાવી લોકો સુધી ટપાલ પહોંચાડતા. ભારતમાં સાયકલના ઇતિહાસની વાત કરીએ તો આઝાદી પછી કેટલાય વર્ષો સુધી સાયકલને વાહનવ્યવહારનું મુખ્ય સાધન માનવામાં આવતું.

1960થી 1990 સુધી ભારતમાં લગભગ દરેક ઘરમાં સાયકલ જોવા મળતી. સુરતની વાત કરીએ તો વર્ષો પહેલા કોટ વિસ્તારના ઘણા લોકોને સાયકલ ચલાવતા શીખવાડવામાં દલાલ સાયકલ સ્ટોર્સનો મહત્વનો ફાળો રહ્યો છે. આ પેઢીની સ્થાપના થઇ ત્યારે તેના સ્થાપક સાયકલ લોકોને ભાડે ચલાવવા આપતા. સાયકલમાં હવા ભરવા અને રીપેરીંગ કરવા તથા પંક્ચર કાઢી આપવાનું કામ કરતા. 89 વર્ષ પહેલાં આ પેઢીની સ્થાપના થઇ ત્યારે સાયકલનો ટ્રેન્ડ કેવો હતો? તેઓ શા માટે સાયકલ ભાડે આપતા? હવે સાયકલની ડીમાંડ કેવી છે? તે આપણે આ દુકાનના બીજી અને ત્રીજી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

વંશવેલો
રતિલાલ જેકીશનદાસ દલાલ
વસંતલાલ રતિલાલ દલાલ
રૂપેશ વસંતલાલ દલાલ

રત્ન કલાકારો ઘરે લંચ માટે ભાડેથી સાયકલ લઈ જતા: વસંતલાલ દલાલ
આ દુકાનના બીજી પેઢીનાં સંચાલક વસંતલાલ દલાલે જણાવ્યું કે, હું 10 વર્ષનો હતો ત્યારે દુકાનમાં બેસવાનું શરૂ કર્યું હતું. મારા ફાધર રતિલાલ દલાલ સાયકલ રીપેરીંગ, હવા ભરવા અને પંક્ચર કાઢવાનું જ કામ કરતા. મેં સાયકલ ભાડે આપવાનું શરૂ કર્યું હતું. એ વખતે મહિધરપુરામા કાજીની વાડી, ખાનસાહેબનો ડેલો, પીપડા શેરી, જદાખાડી, સૈયદપુરા નાગોરીવાડમાં હીરાની ફેકટરીઓ હતી. અહીં હીરા ઘસવાનું કામ કરતા રત્ન કલાકારો બપોરના એક વાગે લંચ ટાઈમ થાય એટલે અમારી દુકાનમાંથી સાયકલ કલાક માટે ભાડેથી ઘરે લઈ જતા. લંચ કરીને ફેકટરી પર પાછા ફરતી વેળા સાયકલ પાછી આપી જતા. જોકે, પછી તો હીરાની ફેકટરીઓ વરાછા સાઈડ જતા રત્ન કલાકારોનું આવવું બંધ થયું.

અલૂણાના જાગરણમાં સાયકલ લેવા એડવાન્સ બુકીંગ કરાવતા: રૂપેશ દલાલ
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક રૂપેશભાઈ દલાલે જણાવ્યું કે, 1970-75ના સમયથી અલુણાના જાગરણમાં સાયકલ ભાડેથી લેવા મહિધરપુરાના બાળકો એડવાન્સમાં બુકીંગ કરાવતા. ત્યારે આખી નાઇટનું ભાડું 5 રૂપિયા લેવાતું. નાના બાળકો નાની સાયકલ લઈને તે ચલાવતા શીખતાં. રાતે 8 કે 8.30 વાગે સાયકલ લઈ જતા અને બીજા દિવસે સવારે 8.30 વાગે દુકાને મૂકી જતા. બાળકો 4-5 ફ્રેન્ડ્સના ગ્રુપમાં ચાલતા આવતા અને સાયકલ લઈ જતા. મહિધરપુરા વિસ્તારના 90 ટકા લોકો અમારે ત્યાંથી ભાડે સાયકલ ચલાવવાનું શીખવા લઈ જતા. આજે પણ વયસ્ક ઉંમરના લોકો અમારી દુકાને તેમના પૌત્ર-પૌત્રી માટે સાયકલ ખરીદવા આવે ત્યારે પોતાની જૂની યાદોને વાગોળતા કહે છે કે, અમે દલાલ સ્ટોર્સની ભાડાની સાયકલ પર સાયકલ ચાલાવતાં શીખ્યા હતા.

1990થી 2005માં સાયકલને જૂના જમાનાની ગણાતી
1990 પછીનો સમય એવો હતો કે જ્યારે સ્કૂટી, મોપેડનો જમાનો આવ્યો. યુવા વર્ગમાં આ નવા વ્હિકલ પ્રત્યેનું એટ્રેકશન વધ્યું અને સાયકલ પ્રત્યેનો ક્રેઝ ઘટ્યો એ સાથે સાયકલ જુના જમાનાની ગણાવા લાગી. એ સમયે મજૂર વર્ગ સાયકલનો ઉપયોગ કરવા લાગ્યા હતા. માલસામાન એક જગ્યાથી બીજી જગ્યા પર લઈ જવા માટે લેબર વર્ગ સાયકલનો ઉપયોગ કરતો.

સાયકલ ભાડે આપવાથી લઈને તેને વેચવા તરફ પ્રયાણ
વસંતલાલ દલાલે જણાવ્યું કે, 1960-65ના સમયમાં એક આનામાં એક કલાક માટે સાયકલ ભાડે આપતા. પછી ભાડું વધીને 25 પૈસા એક કલાકના થયા હતાં જ્યારે આખી નાઇટના 5 રૂપિયા ભાડું લેવાતું. પછી 1995-96ના સમયમાં ભાડેથી સાયકલ લેવાનું બંધ થયું. તેનું કારણે એ હતું કે, મહિધરપુરા એરિયામાં ડાયમંડના કારખાના ઘટયા આ ઉપરાંત લોકોની ખરીદ શક્તિ વધતા લોકોએ સાયકલ ભાડે લેવાનું બંધ કર્યું હતું. વળી, સાયકલ લઈ ગયા બાદ કેટલાક સાયકલ પાછી આપવા નહીં આવતા એટલે અમે પણ ભાડે આપવાનું બંધ કર્યું અને સાયકલ વેચવાનું શરૂ કર્યું.

જિયાણામાં વોકર અને ટ્રાયસિકલ આપવાનું ચલણ
વસંતલાલ દલાલે જણાવ્યું કે, જ્યારે દીકરી ડિલિવરી માટે પોતાના પિયર આવે ત્યાર બાદ બાળકના જન્મ બાદ દીકરીને સાસરે મોકલતી વખતે માતા-પિતા જિયાણું આપે છે. જેમાં નવા જન્મેલા બાળક માટે વોકર અને ટ્રાયસિકલ આપવાનો ટ્રેન્ડ છે. પહેલા લોકો બાળકને ચાલતા શીખવાડવા ચાલન ગાડીનો ઉપયોગ કરતા. પછી ગોળ વોકરનો જમાનો આવ્યો. બાળકને બહાર ફરવા લઈ જવા માટે ટ્રાયસિકલનો ઉપયોગ થાય છે ટ્રાયસિકલને કારણે બાળકને ઉંચકવાની જરૂર નથી પડતી.

એક સમયે સાયકલ 75 રૂપિયામાં મળતી હવે 50 હજાર રૂ. સુધીની થઈ છે
એક સમયે મેડ ઇન ઇંગ્લેન્ડ સાયકલ 75 રૂપિયામાં વેચાતી. જ્યારે 40 વર્ષ પહેલા સાયકલ 350-400 રૃપિયામાં મળતી. પણ હવે સાયકલની ડીમાંડ વધતા તે 5 હજાર- સાડા પાંચ હજારથી વધુની કિંમતની મળે છે. વળી, ઇ-સાયકલની કિંમત 30 હજારથી 50 હજાર સુધીની છે. આ દુકાન દ્વારા બગડેલી સાયકલ હોમ ડીલીવરીની સુવિધા આપી કસ્ટમરના ઘરેથી સાયકલ દુકાન સુધી લાવવાનું કામ દુકાન દ્વારા જ થાય છે. એટલે રીપેરીંગ માટે આ પેઢીની વિશ્વસનીયતા લોકોમાં હજી પણ અકબંધ છે.

પહેલાં રાતના સાયકલ ચલાવવા ડાયનામા લાઈટ જરૂરી હતી
પહેલા સ્ટ્રીટ લાઈટો પ્રમાણમાં ઓછી હતી. એટલે રાતના સાયકલ ચલાવવા ડાયનામા લાઈટ જરૂરી રહેતી જોકે, હવે સાયકલમાં ડાયનામા લાઈટ નથી રહી. આવી સાયકલ પણ એક સમયે ટ્રેન્ડમાં હતી. આ પેઢી દ્વારા બાળકનો સાયકલ ભાડે અપાતી ત્યારે સાયકલ જો બગડી જાયતો બાળકો ડરના માર્યા સાયકલ દુકાન બહાર ફેંકીને પૈસા આપી ભાગી જતા.

સ્પોર્ટ્સ સાયકલનો ક્રેઝ વધ્યો
પહેલા સાયકલ જરૂરિયાતનું સાધન હતું. એ વખતે સાદી સાયકલ વેચાતી પણ તે લોકોમાં સ્ટેટ્સ સિમ્બોલ ગણાતી. સમય બદલાયો એની સાથે હવે સાયકલ ફેશનનું સિમ્બોલ બની ગઈ છે. હવે સાયકલ ગિયરવાળી હોય છે અને તેના ટાયર પતલા પણ અને જાડા પણ હોય છે. હવેના લોકો હેલ્થ પ્રત્યે કોન્શ્યસ બન્યા હોવાથી તેઓ ફિટનેસ માટે સાયકલ ચલાવવાનું પણ પ્રીફર કરવા લાગ્યા છે. તેઓમાં વાયર-બ્રેકવાળી સાયકલનો ક્રેઝ વધ્યો છે.

પૈંડાં મારવાની કડાકૂટમાંથી ઇ-સાયકલ મુક્તિ આપે છે
રૂપેશ દલાલે જણાવ્યું કે હવે બેટરી વાળી ઇ-સાયકલ યંગસ્ટર્સમાં પ્રિય બની છે. એક લાખની કિંમતના વાહન લેવા પોષાય નહીં અને લાયસન્સ પણ નહીં લેવું પડે એટલે યંગસ્ટર્સ ઇ-સાયકલ તરફ વળ્યા છે. આ સાયકલની ખાસિયત એ છે કે પેડલ મારવાની જરૂર નથી પડતી એટલે દૂર સુધી જવું હોય તો પણ કમ્ફર્ટેબલ રહે વળી, જો બેટરી ઉતરી જાય તો પેડલ મારીને સાયકલ ચલાવી શકાય.

Most Popular

To Top