Comments

પૂર, દુકાળ, વાવાઝોડાં અને જંગલની આગથી વિશ્વની અડધી વસતી ખતરામાં છે

પર્યાવરણને લગતા સમાચારોને ગંભીરતાથી ન લેવાની આપણને આદત પડી ગઈ છે. પણ તાજેતરમાં યુરોપના તાપમાન અંગેના સમાચારોએ સૌને ચોંકાવી દીધા. યુરોપના મોટા ભાગના દેશો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. બ્રિટનના ઇતિહાસમાં પહેલી વાર ગરમીનો પારો ૪૦ ડીગ્રીને પાર કરી ગયો. સ્પેનમાં તો ગરમીનો પારો ૪૩ ડીગ્રી પહોંચી ગયો. ગરમીથી યુરોપના અનેક દેશોમાં રસ્તા પર ડામર પણ પીગળી ગયો. ગરમીને કારણે ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ, અમેરિકા સહિત આશરે ૧૦ દેશોનાં જંગલોમાં દાવાનળ ફાટી નીકળ્યો. યુરોપમાં છેલ્લા મહિનામાં જ ગરમીથી સાડા ત્રણ હજારથી વધુ લોકોનાં મોત થઈ ગયાં. અમેરિકાની ૧૭ ટકા વસતી ગરમીની લપેટમાં છે. ચીનમાં પણ શાંઘાઇ સહિત અનેક શહેરો ભીષણ ગરમીનો માર સહન કરી રહ્યાં છે.

દુનિયાના ઘણા ભાગો અત્યારે હવામાનના પ્રહાર સહન કરી રહ્યા છે. બ્રિટનમાં તો એક તરફ રાજકીય અસ્થિરતા છે તો બીજી બાજુ હીટ વેવથી લોકો પરેશાન છે, જેના લીધે નેશનલ ઈમરજન્સી જાહેર કરાઇ છે. ગયા વરસે પણ આ અરસામાં અમેરિકા, કેનેડા અને સાઈબેરિયા જેવા કાતિલ ઠંડી માટે જાણીતા વિસ્તારોમાં અચાનક જ ગરમ પવન ફૂંકાવા લાગ્યો હતો. કેનેડાના જે વિસ્તારોમાં જૂનમાં સામાન્ય રીતે ૧૬ ડીગ્રી સેલ્સિયસ તાપમાન રહે છે ત્યાં તાપમાન ૪૯.૬ ડીગ્રી ઉપર પહોંચી ગયું હતું. વૈજ્ઞાનિકો આ સ્થિતિ માટે હીટ ડોમ અસરને કારણભૂત માને છે, જે માનવીય ગતિવિધિઓને લીધે પેદા થતાં ગ્રીનહાઉસ ગેસને કારણે સર્જાય છે. ગ્રીનહાઉસ ગેસને કારણે થતું ક્લાઇમેટ ચેન્જ આપણને વિનાશના માર્ગે લઈ જઇ રહ્યું છે.

પર્યાવરણ એટલે ‘આસપાસનું આવરણ’. માનવ સહિત તમામ જીવસૃષ્ટિ જેના ઉપર આધાર રાખે છે તેવા સંપૂર્ણ જૈવિક અને અજૈવિક પરિબળો સાથેની સંપૂર્ણ કુદરતી પ્રક્રિયા અને તેના દ્વારા નીપજતા સંકુલને પર્યાવરણ તરીકે ઓળખાવી શકાય. માનવજીવનનું અસ્તિત્વ પર્યાવરણની ગેરહાજરીમાં કલ્પી શકાતું નથી. માનવીને પર્યાવરણની સતત જરૂર પડે છે, તેથી પર્યાવરણનું પ્રદૂષણ એ માનવી માટે ગંભીર સમસ્યા સર્જે છે.

શુદ્ધ હવા ધીમે ધીમે દુર્લભ બનતી જાય છે. હવે ધૂમ્રપાન નહીં, પરંતુ વાયુ પ્રદૂષણ દર વરસે વિશ્વભરમાં વધુ લોકોને મારે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અંદાજ મુજબ અંદાજે ૭૦ લાખ લોકો દર વરસે ધૂમ્રપાનને કારણે મૃત્યુ પામે છે, જ્યારે અંદાજે ૭૦ થી ૮૮ લાખ લોકો વાયુપ્રદૂષણને કારણે મૃત્યુના ખપ્પરમાં હોમાય છે. મતલબ સાફ છે – પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી આપણું આયુષ્ય પહેલાં મનાતું હતું એના કરતાં ખૂબ વધારે ટુંકાઈ જાય છે. ગ્લોબલ વોર્મિંગ અસર આર્થિક ગતિવિધિઓ અને અર્થતંત્ર પર પણ થાય છે.

પશ્ચિમ યુરોપમાં સતત ભીષણ ગરમી પડી રહી છે અને ૨૦૬૦ ના દસકા સુધી તેમાં ઘટાડો થાય એવું લાગતું નથી. યુએનના વર્લ્ડ મીટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશને કાર્બન ડાયોક્સાઈડનું વધુ ઉત્સર્જન કરતાં તમામ દેશોને ચેતવણી આપી છે. આ સંસ્થાના વડા પેટેરી તાલસે કહ્યું છે કે હવે વિશ્વે જાગી જવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે કહ્યું છે કે જંગલની આગ અને હીટ વેવને લીધે માનવતા જ સામુહિક આપઘાતની અણીએ પહોંચી ગઈ છે. કલાઇમેટ સંકટ પર ૪૦ દેશોની બેઠકમાં ગ્યુટરેસે કહ્યું કે પૂર, દુકાળ, વાવાઝોડાં અને જંગલની આગથી અડધી માનવતા ખતરામાં છે. કોઈ પણ દેશ તેનો સામનો કરવા સક્ષમ નથી તેમ છતાં આપણે ફોસિલ ફ્યુએલની લત છોડી રહ્યા નથી.

આપણી પાસે સુધરવા માટે ખૂબ ઓછો સમય છે. જો મક્કમતાપૂર્વક પર્યાવરણ સંરક્ષણનાં પગલાં નહીં લેવાય, નિર્ણયો નહીં લેવાય તો પછી ધરતીને ઉજ્જડ થતી રોકવાનો કોઈ ઉપાય નહીં રહે. આ બધી પરિસ્થિતિ ઊભી થવાનું કારણ વિકાસના નામે માણસે કુદરતી સંપત્તિનો બેફામ ઉપયોગ કર્યો તે છે. આજે ચારે તરફથી કુદરત આપણને ટપલીઓ મારી રહી છે. ગાંધીજીએ કહ્યું છે કે ‘ધેર ઈઝ ઇનફ ઓન ધીસ અર્થ ટુ મીટ વીથ એવરીબડીસ નીડ, બટ નોટ ધ ગ્રીડ’. માણસજાત સુધરશે ખરી?
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top