Gujarat

અમદાવાદ એરપોર્ટ પરથી 4.21 કરોડનું 8 કિલો સોનું જપ્ત, ડ્યુટી ફ્રી શોપના કર્મચારીની સંડોવણી સામે આવી

અમદાવાદ : છેલ્લા ઘણા લાંબા સમયથી ફરી એક વખત અમદાવાદ (Ahmedabad) ઇન્ટરનેશનલ એરપોર્ટ (International airport) પરથી સોનાની (Gold) દાણચોરીનું (Smuggling) પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે‌ ત્યારે જ DRI ના અધિકારીઓએ એરપોર્ટ પરથી રૂપિયા 4.21 કરોડનું દાણચોરીનું આઠ કિલો સોનુ ઝડપી લીધું છે. દુબઈથી સોનુ લઈને આવનાર કેરિયર આ દાણચોરીનું સોનુ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની ડ્યુટી ફ્રી શોપના કર્મચારીને આપવાનો હતો. અધિકારીઓએ ડ્યુટી ફ્રી શોપના કર્મચારીની પૂછપરછ કરતા તેણે પણ આ બાબતની કબુલાત કરી હતી. છેલ્લા ઘણા લાંબા સમયથી અમદાવાદ એરપોર્ટ પર સ્થાનિક પોલીસ દ્વારા પણ આવા તત્વોને ઝડપી લેવા માટેની કવાયત ચાલી રહી છે.

  • સોનું અમદાવાદ એરપોર્ટ ખાતેની ડ્યુટી ફ્રી શોપના કર્મચારીને આપવાનું હતું
  • દાણચોરીમાં ફરી એક વખત સ્ટાફની સંડોવણી બહાર આવી

DRIના અધિકારીઓને બાતમી મળી હતી કે દુબઈથી એક મુસાફર આઠ કિલો સોનું લઈને અમદાવાદ આવી રહ્યો છે. જેને કારણે અધિકારીઓ એલર્ટ બની ગયા હતા અને એરપોર્ટ પર વોચ ગોઠવી દેવામાં આવી હતી. દુબઈથી આવેલી ફ્લાઈટમાંથી ઉતરેલા મુસાફરે ગ્રીન ચેનલ મારફત બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે જ અધિકારીઓએ તેને ઝડપી લીધો હતો અને તેની તપાસ કરતાં તેની પાસેથી આઠ કિલો સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. રૂપિયા 4.21 કરોડ નું 8 કિલો સોનું અધિકારીઓએ કબજે લઈ મુસાફરની પૂછપરછ કરતા તેણે એવી કબુલાત કરી હતી કે આ સોનાનો જથ્થો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની ડ્યુટી ફ્રી શોપના કર્મચારીને આપી દેવાનું હતું.

DRIના અધિકારીઓએ તરત જ એરપોર્ટ પરના ડ્યુટી ફ્રી શોપના કર્મચારીની પૂછપરછ કરી હતી જેમાં તેણે આ કન્સાઇનમેન્ટ સ્વીકારવાનું હોવાની કબુલાત પણ કરી લીધી હતી. અધિકારીઓએ તેને પણ ઝડપી લઇ વધુ પૂછપરછ કરતાં તેણે અગાઉ પણ દાણચોરીનું સોનુ સ્વીકારી ચોક્કસ વ્યક્તિઓને પહોંચાડે હોવાની કબુલાત કરી હતી. આ સમગ્ર પ્રકરણમાં અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરના કર્મચારીઓ અથવા આવા જુદી જુદી શોપ પર કામ કરતા લોકો દાણચોરીના ષડયંત્રમાં સંડોવાયેલા હોવાને કારણે જ અમદાવાદ એરપોર્ટ પર દેશમાં સૌથી વધુ સોનાની દાણ ચોરી થઈ રહી છે. નોંધનીય છે કે તાજેતરમાં DRIએ રૂ. 2.6 કરોડની કિંમતનું 4 કિલો દાણચોરી નું સોનું જપ્ત કર્યું હતું અને સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો જેમાં એરપોર્ટ પ્રવાસ અધિકારી અને સ્ટાફનો સમાવેશ થતો હતો.

Most Popular

To Top