Comments

ભારતમાં સ્ત્રી-પુરુષ વચ્ચેની ખાઇ ઘટી રહી છે ત્યારે…

જેઓ સાઠથી સિત્તેર વરસના કે અધિક ઉંમરના છે અને જેઓની યાદદાસ્ત સાબૂત છે તેઓને પૂછશો તો કહેશે કે અગાઉ ભારતીય સમાજમાં સ્ત્રીઓની જે સ્થિતિ હતી તેમાં અસાધારણ પરિવર્તનો આવ્યાં છે. તેમાંય છેલ્લાં ત્રીસ વરસમાં તો સ્થિતિ એટલી બદલાઇ છે કે સ્ત્રી અને પુરુષોમાં કોઇ  ખાસ ભેદ જ નજરે ચડતો નથી. દોઢેક વરસ અગાઉ કોરોના સંકટમાં સુરતની એક યુવતી, જે અમરેલી જિલ્લાના ગીર ગામડાની એક ખેડૂતની દીકરી હતી તે સુરતથી લોકડાઉન પૂર્વે, સુરતથી એક બહેનપણી સાથે એકટિવા સ્કુટર પર સવાર થઇ નીકળી પડી. રાત્રે પણ હાઇ વે પર પ્રવાસ કરવો પડયો. સત્તર અઢાર કલાક પ્રવાસમાં લાગ્યા. બીજા દિવસે પોતાના વતન પહોંચી ગઇ. આજથી વીસ ત્રીસ વરસ અગાઉ આવું સ્વપ્ન પણ ન આવતું. એ દીકરીઓને રસ્તામાં કયાંય કોઇએ પરેશાન ન કરી. આ શું કરી રહી છો? એવો સવાલ પણ ન કર્યો. આટલો સલામત સ્કુટર પ્રવાસ અમેરિકામાં શકય નથી. ભારતમાં સ્ત્રી-પુરુષો વચ્ચે ભેદભાવની ખાઇ ક્રમશ: પણ ઝડપથી ઘટી રહી છે તો પણ વર્લ્ડ ઇકોનોમી ફોરમનો તાજો સર્વે કહે છે કે ભારતમાં સ્ત્રીઓની દશા સારી નથી. ફોરમ કહેશે કે અગાઉ હાલના કરતાં વધુ સારી હતી શું?

વર્લ્ડ ઇકોનોમી ફોરમે વરસ 2022 નો જેન્ડર ગેપ ઇન્ડેકસ રિપોર્ટ પ્રસિધ્ધ કર્યો છે તેમાં કુલ 146 દેશોનો સર્વે થયો હતો અને ભારતને લગભગ છેલ્લી શ્રેણીમાં 135 ક્રમ અપાયો છે. એ હકીકત છે કે ભારત સ્ત્રી સ્વતંત્રતાની બાબતમાં યુરોપ-અમેરિકા જેટલું આગળ નથી અથવા એટલું ઉંછાંછળું નથી. વળી આ પ્રકારનાં પરિવર્તનો અચાનક રાતોરાત આવી જતાં નથી. તે માટે દાયકાઓ અને સદીઓની રાહ જોવી પડી. છતાં વર્લ્ડ ઇકોનોમી ફોરમનો રિપોર્ટ ભારતને જે ક્રમ આપે છે એટલી ખરાબ સ્થિતિ ભારતની સ્ત્રીઓની નથી. પશ્ચિમના અને પૂર્વના પાયાના વિચારોમાં જ કેટલોક પાયાનો ફેરફાર છે. ત્યાંનો સમાજ એ જ બાબત પર નિર્ભર છે કે મને ફાયદો થાય છે કે કેમ? મારું પેટ ભરાય છે?

મને સુખ સગવડો મળે છે કે કેમ? આ ‘હું’ અને ‘મારા’થી માપદંડો નક્કી ત્યાં થાય જયાં સમાજ અત્યંત સ્વાર્થી હોય. અપવાદોને બાદ કરતાં મોટા ભાગના ભારતીય સમાજની તાસીર રહી છે કે અરધામાંથી અરધું કુટુંબીઓ અને સમાજને જમાડીને પણ લોકો આનંદ મેળવે છે. માટે પશ્ચિમના માપદંડો પ્રમાણે ભારતીય સમાજ નાપાસ થાય. પણ જો ભારતીય માપદંડો પ્રમાણે પશ્ચિમના સમાજને મૂલવવામાં આવે તો અમેરિકનો અને યુરોપીઅનો પણ અવશ્ય નાપાસ થાય. આ મૂલવણી, આ ચોકસાઇ કે કસોટી કરવાની તક ભારતીયોને મળતી નથી અને ભારતીયો એવી લમણાઝીંકમાં પડતા નથી. પણ અમેરિકામાં રબ્બરના ફુગ્ગા અને શાળાએ જતા કુમળા બાળક વચ્ચે કોઇ તફાવત નથી.

ડાહ્યા લોકો કારણ વગર જેટલા ફુગ્ગા ન ફોડે એટલાં બાળકો ત્યાં અકારણ બંદૂકબાજીમાં મારી નાખવામાં આવે છે. દુનિયાના ગરીબ અને ઘણા અમીર દેશો પાસે આ સમસ્યાનો ઉપાય છે પણ તવંગર શ્રેષ્ઠ અમેરિકા પાસે નથી. આ માટેનો કોઇ ઇન્ડેકસ તૈયાર થશે કે? ઇન્ડેકસ ભારતની સ્થિતિનો આયનો બતાવે છે તો તેનો પણ સાભાર સ્વીકાર કરી સ્થિતિ સુધારવાનો ક્રમ જાળવી રાખવો જોઇએ. આ ગીચોગીચ વસતિથી ભરેલા દેશમાં ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓની સ્થિતિ સારી નથી. જેટલું પછાત રાજય એટલી સ્થિતિ વધુ ખરાબ. પણ એવા ગરીબ પ્રદેશમાંથી પણ એક સ્ત્રી દેશની રાષ્ટ્રપતિ બની શકે છે. અમેરિકાએ 250 વરસ જેટલી જૂની લોકશાહીમાં હજી એ કરવાનું બાકી રહે છે.

કહે છે કે આ ગયા વરસે ભારતમાં સ્ત્રી અને પુરુષો વચ્ચેની ખાઇ વધુ રહી. ચાર માપદંડોના આધારે તેનું પ્રમાણ નક્કી થાય. સ્ત્રીઓ અને પુરુષોને મળતી આર્થિક ઉપાર્જન અને આર્થિક વહેવારની તકો, શિક્ષણ, આરોગ્ય અને રાજકીય સશકિતકરણ. રાજકીય સશકિતકરણમાં ભારતનો ક્રમ આગળ છે. જગતમાં 48 (અડતાલીસ)મો ક્રમ છે. પરંતુ આરોગ્ય અને જન્મ બાદ જીવતા રહેવાના પ્રમાણમાં ઘણો ફરક જોવા મળે છે. એ ખરું છે કે સદીઓથી ભારતમાં સ્ત્રીઓની અવગણના થઇ છે, અતિશય શોષણ થયું છે, શિક્ષણ અપાયું નથી.

હજી દીકરીને બદલે દીકરાને જન્મ આપવાથી માંડીને અન્ય બાબતોમાં પ્રાધાન્ય અપાય છે. ગ્રામીણ પ્રદેશો અને ગામડાથી શહેરોમાં રહેવા આવેલાં લોકોમાં આ વૃત્તિ સાવ લુપ્ત થઇ નથી. પરંતુ આપણે સાક્ષી છીએ કે દેશમાં સ્ત્રી સ્વાતંત્ર્યની સ્થિતિ ઝડપથી સુધરી રહી છે તો આંકડો કેમ સુધરતો નથી? જો કે આ વરસના પ્રારંભમાં ભારતમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે સરકાર દ્વારા પ્રગટ કરાયો હતો તેમાં આરોગ્ય બાબતમાં સ્ત્રીઓ અને પુરુષોમાં ભેદભાવ જોવા મળે છે તે સ્વીકારવામાં આવ્યું હતું અને વર્લ્ડ ઇકોનોમી ફોરમ પણ આરોગ્ય બાબતમાં ભારત સરકારના સર્વેને જ અનુમોદન આપી રહ્યો છે.

તેનાથી એક બીજી હકીકત આડકતરી રીતે ફલિત થાય છે કે મોદી સરકારના સર્વે અને રિપોર્ટ જુઠા હોય છે તે પ્રચાર એક કુપ્રચાર છે. ભારત સરકારના સર્વેમાં જણાવાયું છે કે 2015 થી 2022 સુધીમાં છ વરસમાં ભારતીય મહિલાઓના જીવનમાં ખૂબ જ પ્રગતિશીલ સુધારા થયા છે. મિલકતોની માલિકી, બેન્ક ખાતાઓ ધરાવવા, ઘર અને જમીન બાબતેના નિર્ણયો, ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનના વપરાશનું પ્રમાણ, બાળ વિવાહનું ઘટી રહેલું પ્રમાણ વગેરે બાબતો જણાવે છે કે સ્ત્રીઓના જીવનમાં ખરેખર પ્રગતિશીલ સુધારા થઇ રહ્યા છે. આપણી મહત્ત્વની પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામો આપણી બહેન દીકરીઓ જ લઇ આવે છે. તેમાં તેઓની સખત મહેનતની સાથે મા-બાપનું પ્રોત્સાહન પણ મહત્ત્વનું હોય છે.

પણ આટલેથી અટકવાનું નથી. બંને સરવે પ્રમાણે ભારતમાં દુર્બળ સ્ત્રીઓનું પ્રમાણ વધીને સત્તાવન (57) ટકા પર પહોંચ્યું છે તે સો સ્થૂળ સ્ત્રીઓના પ્રમાણમાં ચોવીસ (24) ટકાનો વધારો થયો છે. દેશની 25 ટકા સ્ત્રીઓને ડાયાબિટિસ છે અને ચાલીસ ટકા બહેનોને લોહીનું ઊંચું દબાણ રહે છે. જો કે ભારત સરકારના રિપોર્ટ પ્રમાણે દેશમાં એક હજાર પુરુષો દીઠ 1020 (એક હજાર વીસ) સ્ત્રીઓ છે. આ નિષ્કર્ષ થોડો હજમ થતો નથી. કોઇ રિપોર્ટ કંઇ પણ કહે. જરૂર એ છે કે કોઇ પણ ટીકાનો પોઝિટિવ રીતે સ્વીકાર કરી પરિસ્થિતિને સુધારવા માટે લાગી પડવાની. દુ:ખ ત્યારે થાય કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના લગભગ તમામ રિપોર્ટમાં ભારતને છેલ્લેની હરોળમાં ક્રમાંક શા માટે મળે છે? શું લિબરલનું કોઇ કાવતરું છે? તેલંગાણાના મુખ્ય મંત્રી કહે છે તેમ જો કાવતરાથી અતિવૃષ્ટિ થઇ શકતી હોય તો આંકડામાં ઘટ કે વૃધ્ધિ તો રમત વાત છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top