SURAT

લંડન જવાની આગલી રાત્રે પિતાએ ગુસ્સામાં એકના એક પુત્રના પેટમાં ચાકુ મારી દીધું, સુરતની ઘટનામાં…

સુરત: રાણી તળાવ વિસ્તારમાં રૂપિયાને લગતા ઝગડામાં એનઆરઆઈ પુત્રની હત્યા કરનાર પિતાને કોર્ટે સાપરાધ મનુષ્યવધના ગુના હેઠળ કસૂરવાર ઠેરવીને વૃદ્ધ આરોપીને ચાર વર્ષની કેદની સજા અને એક હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

  • ગુસ્સામાં આવી એનઆરઆઈ પુત્રના હત્યાકેસમાં પિતાને સાપરાધ મનુષ્યવધના ગુનામાં 4 વરસની કેદ
  • કોર્ટે નોંધ્યું કે પિતાનો પુત્રની હત્યા કરવાનો કોઈ ઇરાદો ન હોય, ગુસ્સામાં પુત્રનું મોત નિપજાવ્યું હોવાથી આ હત્યા નહીં, સાપરાધ મનુષ્યવધનો કેસ છે
    ઈમરાને ઘરનું રિનોવેશન કરી કાયાપલટ કરી નાંખી હતી તેના માટે પિતા અબ્દુલ મણિયાર પાસેથી 1.80 લાખ ઉછીના લીધા હતા તે લંડન જવાની આગલી રાત સુધી પરત નહીં કરી શકતા ઝઘડો થયો હતો
  • રાણી તળાવ વિસ્તારના ચકચારી કેસનો ચૂકાદો: લંડન જવાની આગલી રાત્રે જ એનઆરઆઈ પુત્રને પિતાએ શાકભાજી કાપવાનું ચાકુ મારી દેતાં એકનો એક દીકરો મૃત્યુ પામ્યો હતો

કેસની વિગત છે કે લાલગેટ વિસ્તારમાં રાણી તળાવમાં રહેતા અબ્દુલ હમીદ મણિયારનો એકનો એક પુત્ર ઈમરાન પરિવાર સાથે લંડનમાં રહેતો હતો. NRI ઇમરાન 2020ની શરૂઆતમાં પરિવાર સાથે સુરત આવ્યો હતો. સુરત આવ્યા બાદ ઇમરાને ઘરનું રિનોવેશન કરવાનું નક્કી કર્યું. તે માટે પિતા પાસેથી 1.80 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. ઇમરાન લંડન પરત ફરવાનો સમય આવ્યો ત્યારે તેણે તેના પિતાના પૈસા પરત કર્યા ન હતા, જેના કારણે પિતા અને પુત્ર વચ્ચે ઝગડો થયો હતો. ઈમરાનની 25 એપ્રિલ 2020ના રોજ ફ્લાઈટ હતી, તે પહેલા 24 એપ્રિલે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો અને પિતાએ અબ્દુલ હમીદે પુત્ર ઈમરાન પર છરી વડે હુમલો કરતાં સારવાર દરમિયાન ઇમરાનનું મોત નિપજ્યું હતું.

આ ચકચારી અને ખૂબ જ સંવેદનશીલ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટે નોંધ્યું હતું કે એક પિતા માટે તેના યુવાન પુત્રની કબર જોવા કરતાં વધુ દુઃખદાયક શું હોઈ શકે. આરોપીના દર્દ અને પસ્તાવોને જોતા એવું માની શકાય છે કે પિતાનો પુત્રની હત્યા કરવાનો કોઈ ઈરાદો નહીં હોય. આ ઘટના ગુસ્સામાં બની હતી. ગુસ્સો એ એવી વસ્તુ છે જે એવા કાર્યો કરવા માટે ઉશ્કેરે છે, જે વ્યક્તિ કરવા માંગતી નથી. આ કેસમાં આરોપીની ઉંમર 68 વર્ષની છે અને સાક્ષીઓ અને પુરાવા દર્શાવે છે કે આરોપી ઉગ્ર સ્વભાવનો હતો. આ પહેલા મૃતક અને આરોપી વચ્ચે ક્યારેય કોઈ ઝઘડો થયો નથી. કેસની હકીકતો અને સંજોગોને ધ્યાનમાં રાખીને, તે હત્યાનો નહીં પરંતુ સાપરાધ મનુષ્ય વધનો કેસ છે.

આરોપી અબ્દુલ હમીદ મણિયાર પર તેના પુત્ર ઈમરાન મણિયારની હત્યાનો આરોપ હતો. લાલગેટ પોલીસે આરોપીઓ સામે હત્યા અને મારપીટની કલમો હેઠળ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આખરી સુનાવણી બાદ કોર્ટે આરોપી અબ્દુલ હમીદને હત્યા નહીં પણ દોષિત માનવ હત્યાનો દોષી ઠેરવ્યો હતો અને તેને ચાર વર્ષની કેદ અને એક હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

Most Popular

To Top