Dakshin Gujarat

અડધો નવેમ્બર વીતી જવા છતાં આંબા પર મંજરી નહીં દેખાતા ખેડૂતોની ચિંતા વધી

નવસારી : નવસારી (Navsari) જિલ્લો બાગાયતી જિલ્લો છે. ખાસ કરીને કેરી (Mango) અને ચીકુનો પાક અહીંના ખેડૂતો માટે રોકડિયા પાક છે. વરસાદની (Monsoon) સિઝન પણ ઓક્ટોબર સુધી પડતો રહ્યો હોવાને કારણે ચીકુની સિઝન મોડી થઇ છે, ને શિયાળો પણ મોડો થતાં હજુ સુધી આંબા પર મંજરી નહીં દેખાતા ખેડૂતો (Farmers) ચિંતામાં મુકાયા છે.
નવસારી જિલ્લામાં કેરી રોકડિયા પાક તરીકે ખેતીનો મુખ્ય પાક બની ગયો છે. ચીકુ પણ અહીં ખેડૂતોનો મુખ્ય પાકમાંનો એક છે. પરંતુ ચોમાસું ઓક્ટોબર સુધી ચાલતું રહ્યું છે, તેને કારણે ચીકુ મોડા બેસતા થાય છે.

ઉનાળામાં ખાસ ભાવ મળતો નહીં હોવાને કારણે ચીકુ પકવતા ખેડૂતો ચિંતામાં રહેતા હોય છે. એ ઉપરાંત હવે દર મહિને ચીકુ પાડવા માટે મજુરો પણ ખાસ મળતા નથી, તેથી ઘણા ખેડૂતો હવે કેરી તરફ વળ્યા છે. પરંતુ છેલ્લા ત્રણચાર વર્ષોથી શિયાળાની ઠંડી અડધો નવેમ્બર પૂરો થઇ ગયા બાદ શરૂ થાય છે, તેને કારણે આંબા પર મંજરી મોડી આવે છે. આમ કેરીની સિઝન લંબાતી રહે છે. સામાન્ય રીતે જુન બેસી જાય ત્યારે ખરેખર પરિપક્વ કેરી બજારમાં આવે છે. એ કારણે કેરીની સિઝન આર્થિક રીતે ખાસ ફાયદો કરાવે એવી રહેતી નથી. આ વર્ષે પણ બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે, ત્યારે નવેમ્બર અડધો પૂરો થઇ જવા છતાં આંબા પર મંજરી બેઠી નથી. આ વર્ષે પણ એમ લાગે છે કે કેરીની સિઝન મોડી જ શરૂ થશે. મંજરી મોડી આવવાને કારણે કેરીની સિઝન મોડી શરૂ થશે.

નર મંજરી વધુ બેસવાની પણ ચિંતા
છેલ્લા કેટલાક વર્ષોથી આંબા પર મંજરી લચી પડતી હોય એટલી દેખાય છે. વાસ્તવમાં આંબા પર નર ફ્લાવરિંગ વધુ હોવાને કારણે મહ્દઅંશે આંબા પર મંજરી વધુ દેખાય, પરંતુ કેરી ઓછી બેસતી હોય છે. આ નવી સમસ્યાથી પણ ખેડૂત પરેશાન થઇ રહ્યો છે. આ દિશામાં પણ સંશોધન જરૂરી છે.

Most Popular

To Top