National

રિલ્સ બનાવી રાતોરાત ફેમસ થવાના ચક્કરમાં મુંબઈ, કાનપુર સહિત અન્ય શહેરોમાં 72 કલાકમાં 8નાં મોત

નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર થોડી લાઈક્સ (Likes) મેળવવા અને રાતોરાત ફેમસ (Famous) થવાના ચક્કરમાં આજના યુવાધનને કશું ભાન જ નથી રહ્યું તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. પોતાના જીવનની પરવા કર્યા વગર અને મા બાપની ચિંતા કર્યા વગર યુવક યુવતીઓ એવા પગલા ભરી રહ્યાં છે જે ચેતવણીરુપ છે. રાતોરાત ફેમસ થવાના ચક્કરમાં ઘણીવાર માણસે પોતાનું જીવન પણ ગુમાવ્યું છે ત્યારે છેલ્લાં 72 કલાકમાં 8 લોકોએ આવા જ કારણોસર પોતાની જીવ ગુમાવી પડી હતી.

યુવાધન સાથે ધણીવાર ઉંમર લાયક દંપતિ પણ આવી જ ભૂલ કરી બેસે છે. જેનું તાજેતરનું ઉદાહરણ મુંબઈથી સામે આવ્યું છે. મુંબઈના બાંન્દ્ર બીચ પર પરિવાર સાથે મજા માણવા ગયેલ દંપતિમાંથી મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પત્ની જ્યોતિ સોનાર (32) અને બે બાળકો સાથે પિકનિક માટે ગયેલા મુકેશ સોનાર (35) મુંબઈના બાંદ્રા બીચ પર દરિયાના મોજામાં ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં મુકેશ કોઈ રીતે બચી ગયો હતો પરંતુ તેની પત્ની જ્યોતિનું ડૂબી જવાથી મોત થયું હતું. દંપતિ ફોટોગ્રાફ લેવા માટે દરિયામાં વચ્ચે રાખવામાં આવેલા પથ્થર પર બેસી ગયા. આ દરમિયાન એક મોટું મોજું આવ્યું અને બંનેને ખેંચીને લઈ ગયું હતું. પત્નીને બચાવવા મુકેશે તેની સાડી જોરથી પકડી હતી પરંતુ પાણીના કારણે સાડીનો છેડો તેના હાથમાંથી સરકી ગયો હતો અને તેની પત્ની દરિયામાં વહી ગઈ હતી.

ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતી વખતે બે છોકરાઓ ડૂબી ગયા
નાનીના ચાલીસમામાં ગયેલા યુપીના 2 છોકરાઓ નદીમાં ડૂબી ગયા હતા જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. બંને ઈટાવાના ઈકદિલ વિસ્તારમાં સિંગર નદીમાં ઈન્સ્ટાગ્રામ રીલ બનાવી રહ્યા હતા. છોકરાઓના મામા, દિલ્હીના બદરપુરના રહેવાસી શમી ખાને જણાવ્યું કે મોટો છોકરો રેહાન 17 વર્ષનો હતો. જ્યારે નાનો ચંદ 13 વર્ષનો હતો. આ સમયે નદીના જળસ્તરમાં વધારો થયો છે. પરંતુ તેની પરવા કર્યા વિના બંનેએ ઇન્સ્ટાગ્રામ માટે નહાવાનો વીડિયો શૂટ કરવાનું શરૂ કર્યું. નહાતી વખતે અચાનક રેહાનનો પગ લપસી ગયો અને તે ડૂબવા લાગ્યો. ચાંદે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને નદીમાં ડૂબી ગયા. તે સમયે તેની સાથે અન્ય ચાર છોકરાઓ હતા પરંતુ તેમને કોઈ બચાવી શક્યું ન હતું.

કાનપુરમાં 1 યુવક તણાયો
કાનપુરમાં અંશ નામનો યુવકને ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવતો હોય ત્યારે એકાએક તે પાંડુ નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. તેના 4 સાથીઓ તેની સામે ઉભા રહીને માત્ર બૂમો પાડતા રહ્યા હતાં. પાંચેય છોકરાઓ પાંડુ નદીના કિનારે રીલ બનાવવા ગયા હતા દરમિયાન અંશે કપડાં ઉતારીને નદીના પ્રવાહમાં ઝંપલાવ્યું હતું. બાકીના 4 છોકરાઓ સામે અંશે દાવો કર્યો કે તે સ્વિમિંગ જાણતો હતો. પરંતુ નદીમાં કૂદી પડ્યા બાદ તે મળી આવ્યો ન હતો.

ચંદ્રપુરમાં સેલ્ફી લેતી વખતે તળાવમાં ડૂબી જવાથી 4 યુવકોના કરૂણ મોત
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં સેલ્ફી લેતી વખતે તળાવમાં ડૂબી જવાથી 4 યુવકોના કરૂણ મોત થયા છે. ઘટના ચંદ્રપુર જિલ્લાના નાગભીડ તહસીલના ખોડજરી તળાવની છે. વારોરા તહસીલના શેગાંવના 8 યુવકો વરસાદની મજા માણવા ખોડજરી તળાવમાં ગયા હતા. તેમાંથી એક યુવક તળાવના કિનારે સેલ્ફી લેવા લાગ્યો અને પગ લપસવાને કારણે તળાવમાં પડી ગયો. તેને બચાવવા માટે તેના 3 મિત્રો એક પછી એક તળાવમાં ભૂસ્કો માર્યો હતો પરંતુ તે ત્રણેય પણ તળાવમાં ડૂબવા લાગતા મોતને ભેટ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને ડિઝાસ્ટર રિલીફ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ સ્થાનિક માછીમારોની મદદથી મૃતદેહની શોધખોળ ચાલુ છે. મૃતકોમાં મનીષ શ્રીરામે (26), ધીરજ ઝાડે (27), સંકેત મોડક (25), ચેતન મંદાડે (17)નો સમાવેશ થાય છે.

Most Popular

To Top