Charchapatra

અપેક્ષિત

શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો પાસે અપેક્ષિત જોવા મળે. ખાસ કરીને બોર્ડની પરીક્ષાઓ માટે અપેક્ષિતનો વધુ ઉપયોગ કરવાથી, સફળતા મળે એવી માન્યતા છે. વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓ વિષયવાર ગાઈડ-માર્ગદર્શિકાનો ઉપયોગ કરે પણ પરીક્ષા સમયે, અપેક્ષિતની બોલબાલા છે. નમૂનાના પ્રશ્નો, જવાબ સાથે અને ખાસ કરીને હેતુલક્ષી પ્રશ્નો, ઉત્તર માટે અપેક્ષિતનો ઉપયોગ કરાતો હોય છે.

અપેક્ષિત-Expectedને શકયતા તરીકે ગણવામાં આવે. બોર્ડના પ્રશ્નપત્રોમાં એ પ્રશ્નો આવશે એવી ધારણા, વકી, સંભવ, આશાઓ સેવવામાં આવતી હોય છે. જો કે પ્રશ્નપત્ર દરેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવે પણ પ્રશ્નોની પસંદગીમાં વધુ હોશિયાર શિક્ષકો ક્યારેક વિદ્યાર્થીઓને પરસેવો પાડી દે તેમ પણ બની શકે. અનપેક્ષિત-અપેક્ષિત ન હોય એવું વણમાંગ્યું, ન ઈચ્છેલું-નકામું પૂછ્યું હોય તો આશા ઠગારી નીવડે. આશાવંત, અભિલાષી વિદ્યાર્થીઓ નારાજ થઈ શકે છે. જીવનમાં પણ કેટલીક બાબતો અપેક્ષિત હોય છે. આમ પણ કેટલીક વાર નોકરીમાં અપેક્ષિત પગાર પૂછવામાં આવતો હોય એ સૌની જાણમાં છે. દરેક વ્યક્તિની અપેક્ષાઓ, જરૂરિયાત અલગ અલગ હોય.

ઉદાહરણ તરીકે કોઈ કાર્યક્રમમાં ગયા હોય ત્યાં વક્તવ્ય, વ્યવસ્થા, ભોજન વગેરેથી સંતોષ ન થાય, આશા રખાયેલું ન મળે તો અમે આશા રાખી હતી તે ન હતું, એમ કહીએ છીએ. અપેક્ષાની જાણે ઉપેક્ષા થઈ હોય તેવું! આમ પણ માનવજીવનમાં મૂલ્યો અપેક્ષિત હોય છે. વ્યક્તિ જીવનઘડતરમાં ચારિત્ર્ય ગુણો જેવા કે, સદાચાર, કદર,સત્ય, પ્રામાણિકતા, ક્ષમા, શિસ્તપાલન, સમયસૂચકતા, સેવા, સહયોગ, પરોપકાર જેવા કેટકેટલા ગુણો અપેક્ષિત હોય છે. સાંપ્રત સમયમાં દરેક ગામ, શહેર અને દેશમાં દરેક સ્થાને સ્વચ્છતા અપેક્ષિત છે. જીવનવિકાસમાં આવશ્યક ગુણો અપેક્ષિત છે, જેનું સુપરે પાલન કરીએ તો ય ઘણું!
નવસારી           – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top