Editorial

નોકરિયાતો સમયસર રિટર્ન નહીં ભરે તો 5000 દંડ પણ કરોડોની રોકડ તો નેતાઓ પાસે મળે છે

જુલાઇની અંતિમ તારીખ સુધીમાં આઇટી રિટર્ન ભરવા માટે સામાન્ય પ્રજાના મોબાઇલ ઉપર સતત મેસેજ આવી રહ્યાં હતાં. એવી પણ ધમકી મળી છે કે, જો 31 તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ નહીં કરો તો 5000 રૂપિયા પેનલ્ટી કરવામાં આવશે. આ એક રીતસરની ધમકી જ છે. શું દેશનું નાણામંત્રાલય એવુ માને છે કે, નોકરી કરીને ઘરે માંડ 15 થી 25000 કમાતા લોકો ટેક્સ ચોરી કરે છે. જો નાણા મંત્રાલયના અધિકારીઓમાં એટલી જ તાકાત હોય તો નેતાઓને ત્યાં દરોડા પાડતા તેમના હાથ શા માટે ધ્રુજી રહ્યાં છે? ત્યા દરોડા પાડો એટલે ખબર પડી જશે કે ખરેખર દેશના મધ્યમ વર્ગને આઇટી રિટર્નના નામે દબડાવવાની જરૂર નથી.

જરૂર છે જે નેતાઓ પાસે લાખો કરોડોની રોકડ મળે છે તેની સામે કાર્યવાહી કરવાની. શનિવારે જ ઝારખંડના ત્રણ કોંગ્રેસી ધારાસભ્યો સહિત 5 લોકો પાસેથી 50 લાખ રૂપિયા રોકડા મળ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચ લોકોને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ 5 લોકોમાં ઝારખંડ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો, એક ડ્રાઈવર અને એક સહાયક સામેલ છે. આ ત્રણ ધારાસભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલું જ નહીં તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. ઝારખંડ કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ આ વિશે કહ્યું કે, અમારી ગઠબંધન સરકારને તોડવા માટે ચલાવવામાં આવેલ ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ ગયું છે. કોંગ્રેસ નેતાએ આ સમગ્ર ઘટના માટે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને જવાબદાર ઠેરવ્યા છે.

અવિનાશ પાંડેએ કહ્યું કે, આસામના મુખ્યમંત્રીએ છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં પડાવ નાખ્યો હતો. તેમણે કયા ધારાસભ્યો સાથે વાત કરી તેના ફોન રેકોર્ડિંગ સહિતનો તમામ રેકોર્ડ અમારી પાસે છે સમય આવશે ત્યારે તેને બધાની સામે લાવવામાં આવશે. કદાચ તેમનો આક્ષેપ સાચો છે કે ખોટો તે તો તપાસમાં જ બહાર આવશે પરંતુ ધારાસભ્યોની ખરીદવાની પ્રવૃત્તિ થઇ રહી છે અને તેના માટે મોટી રોકડ રકમની આપલે થાય છે આ વાતથી રાષ્ટ્રીય કે પ્રાદેશિક કોઇ પક્ષ ઇનકાર કરી શકે તેમ નથી. તેના પહેલાની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના પૂર્વ શિક્ષણમંત્રી પાર્થ ચેટરજી અને તેમની નજીકની અર્પિતાને સંડોવતા શિક્ષણ કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અર્પિતાના ફલેટમાંથી કરોડોની રોકડ પકડાઇ છે તે તો પાશેરામાં પહેલી પૂણી છે. આ સમગ્ર કૌભાંડ 5 હજાર કરોડનું હોવાની ઇડીને શંકા છે. આ કૌભાંડના તાર અન્ય નેતાઓ અને અમલદારો સાથે પણ જોડાયેલા છે. આજકાલ અર્પિતાની બે લકઝરીયસ કાર ગૂમ થવાનું ચર્ચામાં છે.

આ કાર પાર્થ ચેટરજી તરફથી ભેટમાં મળી હોવાનું માનવામાં આવે છે. આ બંને કાર ખરીદવામાં આવી પરંતુ તેની ડિલીવરી થાય એ પહેલા જ કૌભાંડ બહાર આવી ગયું હતું.  ઇડીએ એવો પણ દાવો કર્યો છે કે પાર્થ અને અર્પિતા કારમાં બેસીને પાર્ટી કરતા હતા. ઘરેથી બંને જુદી જુદી કારમાં નિકળતા હતા પરંતુ એ પછી પાર્થ એકાંત જોઇને અર્પિતાની કારમાં આવી જતો હતો. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ શિક્ષક ભર્તી કૌભાંડ ખૂબ સમયથી ચાલતું હતું. આ ગોટાળાની શરુઆત 2014થી થઇ હતી. જેમાં જેની લાયકાત કે મેરિટ ન હતા તેમને પણ પૈસાના જોરે નોકરી પર રાખવામાં આવ્યા હતા.

છ ધોરણ સુધી ભણેલા હોય એમને પણ શિક્ષક બનાવી દેવાયા હતા. જેમણે સ્પર્ધાત્મક પરીક્ષા આપી ન હતી તેમને પણ નોકરી મળી ગઇ હતી. પાર્થ ચેટરજીના પૂર્વ બોડીગાર્ડના પરિવારના 13 લોકોને પશ્ચિમ બંગાળના શિક્ષણ વિભાગમાં નોકરી મળી હતી. આમાંની જ એક મહિલા માત્ર 6 ધોરણ સુધી ભણેલી છે. અર્પિતાની ભલામણથી પણ ઘણા સગા સંબંધીઓને સરકારી નોકરીએ રાખવામાં આવ્યા હતા. જો કે લાંચ આપીને કૌભાંડથી નોકરીએ લાગનારા સુધી તપાસ પહોંચશે ત્યારે વધુ રહસ્યો બહાર આવવાની શકયતા છે.

મમતા સરકારના શિક્ષણ વિભાગમાં ભર્તી કૌભાંડની રકમ અને રેલો હજુ વધતા જશે.આ પહેલા અર્પિતના ફ્લેટમાંથી ઈડી 50 કરોડની મત્તા જપ્ત કરી ચુકી છે અને અર્પિતાએ કહ્યુ હતુ કે, આ પૈસા પાર્થ ચેટરજીના છે.પૈસા ક્યાંથી આવ્યા તે અંગે મને નથી ખબર તેવુ અર્પિતાનુ કહેવુ છે.અર્પિતાનુ કહેવુ હતુ કે, પાર્થ ચેટરજીના માણસો આવતા હતા અને ફ્લેટમાં પૈસા મુકીને જતા રહેતા હતા. ટૂંકમાં આ બે કિસ્સા તો પાશેરમાં પૂણી બરાબર છે. આ તો માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા ચાર નેતાની વાત છે. એટલે આ વાત કહેવાનો તાત્પર્ય એ છે કે, જેઓ તેમના ખાતામાં બચત કરી નથી શકતા તેવા મધ્યમવર્ગને ઇનકમ ટેકસ રિટર્નના નામે દબડાવવામાં આવે છે જ્યારે નેતાઓને ત્યાં જતા અધિકારીઓ રીતસરના થથરે છે.

Most Popular

To Top