Dakshin Gujarat

એનામાં અડધી રાત્રે ઘરમાં ઘૂસેલા લુંરારુઓએ સ્કૂલ ક્લાર્કની હત્યા કરી લૂંટ મચાવી, નાની દિકરી જાગતી હતી પણ..

પલસાણા: (Palsana) પલસાણાના એના ગામે (Village) સામી દિવાળીએ લુંટારુઓએ તરખાટ મચાવ્યો હતો. ગામની શિવાલિક બંગ્લોઝ સોસાયટીમાં રહેતા એના કેળવણીમંડળના ક્લાર્કની હત્યા (Murder) કરી લુંટારુઓ રૂ.2.50 લાખની લૂંટ (Loot) કરી નાસી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે સુરત ગ્રામ્ય પોલીસ દોડતી થઈ ગઈ હતી.

એના કેળવણી મંડળ સંચાલિત સરદાર પટેલ વિદ્યાલયમાં ક્લાર્ક તરીકે છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવતા રાકેશભાઈ ઈશ્વરભાઈ નાયક (ઉં.વ.50) છ મહિનાથી એના ગામની શિવાલિક બંગ્લોઝ સોસાયટીમાં પરિવારના સભ્યો પત્ની, બે પુત્રી, એક પુત્ર અને માતા સાથે રહેતા હતા. તેઓ મૂળ ચોર્યાસીના બોણંદ ગામના વતની હતા. બુધવારે રાત્રે જમી પરવારીને સાડા અગિયાર વાગ્યે સૂઈ ગયા હતા. રાકેશભાઈ તેમનાં પત્ની શ્વેતા, નાની પુત્રી હીર અને પુત્ર હવ્ય સાથે પહેલા માળે બેડરૂમમાં અને મોટી પુત્રી સૂચિ અને માતા વસુબેન નીચેના રૂમમાં સૂતેલા હતા.

પત્ની શ્વેતા આપેલી ફરિયાદ અનુસાર ગુરુવારે મળસકે અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં નાની દીકરી લગભગ 10 વર્ષની હિરે ઊંઘમાંથી જગાડી ચોર છે અને પપ્પાને કંઈ કરી દીધું હોવાનું જણાવ્યું હતું. આથી શ્વેતાએ તાત્કાલિક પતિને જગાડવાની કોશિશ કરતાં તેઓ ઊઠ્યા ન હતા. આથી શ્વેતાએ નીચે સૂતેલા તેના સાસુ અને દીકરીને જગાડી બૂમાબૂમ કરી આજુબાજુના લોકોને જાણ કરી હતી.

તપાસ કરતાં રાકેશભાઈનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું અને તેમના હાથમાં પહેરેલી સોનાની લકી, બે સોનાની વીંટી અને એક રુદ્રાક્ષની માળા ગાયબ હતી તેમજ એક બેગમાં મૂકેલું લેપટોપ ગાયબ હતું. ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ ઉપરાંત સુરત જિલ્લા એલસીબી અને એસઓજી સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને નાકાબંધી કરી હતી. હાલમાં પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

લુંટારુઓએ સૂઈ જા કહેતાં નાની દીકરી મોં ઓઢી સૂઈ ગઈ હતી
લુંટારુઓ ઘરમાં પ્રવેશીને ક્લોરોફોર્મ જેવો સ્પ્રે લાવીને પરિવારને ઊંઘમાં નાંખ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જ્યારે રાકેશભાઈને નાક અને મોં દબાવી તેની હત્યા કરવામાં આવી હતી. ત્યારે રાકેશભાઈની નાની દીકરી હિર જાગી ગઈ હતી. લુંટારુઓએ સૂઈ જા તેમ કહેતાં નાની દીકરી મોં ઓઢી સૂઈ ગઈ હતી. હિરના કહેવા પ્રમાણે ઘરમાં બે વ્યક્તિ હતી અને એકે બ્લેક ટી શર્ટ પહેરી હોવાનું જાણવા મળે છે

લુંટારુઓ પાછળથી ગ્રીલ કૂદી આવ્યા હોવાનું અનુમાન
એના સ્કૂલના ક્લાર્કની હત્યાના બનાવમાં જિલ્લા પોલીસ વડા પણ દોડી આવ્યા હતા અને લુંટારુઓ પાછળથી ગ્રીલ કૂદી આવ્યા હોવાનું કહેવાય છે. રાકેશભાઈનો મોબાઈલ પણ નજીકના ખેતરમાંથી મળ્યો હતો. પલસાણા તાલુકામાં લૂંટ વિથ મર્ડરનો બનાવ બનતાં લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.

Most Popular

To Top