Health

ઈમર્જન્સી મેડિસિન ફિઝિશ્યન

‘જેક ઓફ ઓલ ટ્રેડસ્’ આવી કંઇક કહેવતથી ઘણા લોકો એમને ઓળખે છે અને સમય સાથે નહીં પરંતુ સમય સામેની રેસમાં જે લડે છે, જી હા, ધી રેસ અગેન્સ્ટ ટાઇમમાં જેઓ બાજી મારી જાય છે એવા અને રાઉંડ ધ કલોક ખડે પગે ઊભા ઊભા જ જેઓ કામ કરે છે તેઓ ઈમર્જન્સી ફિઝિશ્યન. આમ તો તેઓને દરેક દર્દી અને હોસ્પિટલના તબીબ જેટલી સલામ કરે એટલી ઓછી કેમ કે શરૂઆતના ગોલ્ડન અવરમાં દર્દીને બચાવીને જે સૌથી મોટું કાર્ય ઈમર્જન્સી રૂમમાં કરે એ ઈમર્જન્સી ફિઝિશ્યન છે.

પાછળના એક અંકમાં જ્યારે ફેમિલી મેડિસિન અને ઈન્ટરનલ મેડિસિન અંગે વાત કરી ત્યારે આપણે ઇમરજન્સી મેડિસિનનો પણ ઉલ્લેખ કરેલ. આ ડૉક્ટરો એટલે કે ઇમરજન્સી મેડિસિન સ્પેશ્યાલિસ્ટ તબીબો ઈમર્જન્સી રૂમ (ER) ફિઝિશ્યન તરીકે ઓળખાય છે અને વિકાસશીલ દેશોમાં આ શાખાનું ચલણ ખૂબ ઓછું છે જે હવે વિકસી રહ્યું છે. વિકસિત દેશોમાં આ શાખા અને આ પદવી જૂની છે. ત્યાં તમામ પ્રોટોકોલ અને નિયમો મુજબ ઇમર્જન્સી ફિઝિશ્યન દરેક હોસ્પિટલમાં હોય જ છે.

વિકાસશીલ દેશોમાં ઇમર્જન્સી ફિઝિશ્યનની જગ્યાએ MBBS, કેઝ્યુઆલિટી મેડિકલ ઓફિસર CMO કે RMO તો ક્યારેક જરૂર પડ્યે ઇન્ટરનલ મેડિસિન કે કાર્ડિયોલોજીના વિશેષ તબીબો ઇમર્જન્સી સંભાળી લેતા હોય છે. લગભગ છેલ્લાં 7-8 વર્ષથી આપણે ત્યાં આ બદલાવાનું શરૂ થયું છે. હવે આપણી પાસે ઇમર્જન્સી ફિઝિશ્યન પણ લગભગ બધી જ હોસ્પિટલમાં ઉપલબ્ધ થવાના શરૂ થયા છે. મોટા શહેરોની બધી કોર્પોરેટ હોસ્પિટલ પાસે આ નિષ્ણાત હોય જ છે. ધીમે ધીમે આ શાખાની સીટો વધારવામાં આવી રહી છે અને તે માટેના અમુક કોર્સિસ શરૂ કરવામાં આવ્યા છે.

આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે ઇમર્જન્સી રૂમ એટલે ખરેખર શું? આ તબીબો ખરેખર શું કામ કરે છે? તો જ્યારે કટોકટીના સમયે (એટલે મેડિકલ ઈમર્જન્સી હોય, કંઈ અર્જન્ટ હોય) દર્દીને હોસ્પિટલમાં જે રૂમમાં સીધા દાખલ કરવામાં આવે છે એને ઇમર્જન્સી રૂમ કહેતા હોય છે. અહીં દર્દીની તરત જ જરૂરી સારવાર શરૂ થઈ જાય છે. આ કટોકટીના સમયે કોઈ પણ બીમારી હોય કે ઇજા હોય, CPR આપવાનું હોય કે પછી હાર્ટએટેક આવ્યો હોય કે સ્ટ્રોક હોય કે દાઝી જવું કે પછી અમુક કિસ્સાઓમાં ઝેર પી જનારા દર્દી હોય અને તરત ને તરત સારવાર આપવાની હોય ત્યારે દર્દીની જિંદગીની દોડ સમયની સાથે નહીં પરંતુ સમયની સામે હોય છે. સમયને પછાડવાનો હોય છે ત્યારે એ ગોલ્ડન અવરમાં આ તબીબો સૌથી વધુ સારી રીતે તેમની કુશળતા વાપરી દર્દીનો જીવ બચાવી લેતા હોય છે. ઇમર્જન્સી મેડિસિન સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોને જશ ખૂબ જ ઓછો પ્રાપ્ત થાય છે કેમ કે જેવું દર્દી સ્ટેબલ થાય કે તરત એને જે-તે વિભાગના વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ સંપૂર્ણ સારવાર જે-તે શાખાના વિશેષ નિષ્ણાતની દેખરેખ હેઠળ આગળ વધારવામાં આવે છે.

શું ક્રિટિકલ કેર, ઇન્ટેન્સિવ કેર અને ઈમર્જન્સી ફિઝિશ્યન એક જ છે?

ના. આપણને ક્યારેક એવી પણ મુંઝવણ થાય કે શું ઇમરજન્સીમાં કામ કરનારા તબીબ જ ICU માં પણ કાર્યરત હોય છે? અમુક કિસ્સામાં એવું બને કે જે ઇમરજન્સી ફિઝિશ્યન છે એ આપણા ભારતમાં કે વિકાસશીલ દેશોમાં ICUમાં પણ ફરજ બજાવતા હોય એ સ્વાભાવિક છે. પરંતુ મોટેભાગે ICUમાં ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ કે ઇન્ટેન્સિવ કેર સ્પેશ્યાલિસ્ટ (ઇન્ટેન્સિવિસ્ટ) ફરજ બજાવતા હોય છે. તો વળી જ્યારે આપણી પાસે ઇમરજન્સી મેડિસિન સ્પેશ્યાલિસ્ટ નહોતા ત્યારે એનેસ્થેસ્યોલોજીસ્ટ, એક ઇન્ટેન્સિવિસ્ટ તરીકે કે ઇન્ટરનલ મેડિસિન ફિઝિશ્યન, એક ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ તરીકે આ જવાબદારી બખૂબી સંભાળી લેતા હતા. ઇન્ટેન્સિવિસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ માટે તબીબો MD કર્યા બાદ આગળ 1 થી 3 વર્ષ સુધી અભ્યાસ કરતા હોય છે. તો વળી, ઈમર્જન્સી ફિઝિશ્યન બનવા માટે MBBS બાદ 3 વર્ષનો MD ડિગ્રી કોર્સ કરતા હોય છે.

આ તબીબોનું કાર્યક્ષેત્ર શું છે?

ઇમર્જન્સી મેડિસિન શાખામાં ત્વરિત, કટોકટીમાં કઈ રીતે દર્દીઓનો જીવ બચાવી લેવો, શું સારવાર કરવી, શું તકેદારી રાખવી, શું પ્રક્રિયાઓ હાથ ધરવી, એવા વિવિધ વિષયો પર બારીકાઈપૂર્વક, સચોટપણે જ્ઞાન અને ખાસ તાલીમ આપવામાં આવે છે. આ તબીબો ભાગ્યે જ OPDમાં કે પછી બહાર પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસમાં જોવા મળે છે. તેઓ સતત ડ્યુટી અવર્સ એટલે કે તેમની ફરજના કલાકો મુજબ સેવા આપતા હોય છે, તેઓની જિંદગી એટલી બધી વિકટ અને કઠીન હોય છે કે, એમની પાસે આવનારી તમામ વ્યક્તિ પુષ્કળ દર્દમાં જ હોય છે, એમની પાસે આવનાર વ્યક્તિ બેભાન હોય શકે કે એમની પાસે આવનાર વ્યક્તિના સગાંસંબંધીઓ અત્યંત પેનિક હોય કે રડતા હોય ત્યારે કઈ રીતે દર્દીને સારું કરવું, કઈ રીતે એક દર્દીને મૃત થતાં બચાવવું એ માટે મજબૂત મનઃસ્થિતિ, પ્રેઝન્સ ઓફ માઇન્ડ ધરાવે છે.

આ તબીબોને ભાગ્યે જ બેસવા મળતું હોય છે. એ પછી ER હોય કે એમ્બ્યુલન્સનો કોલ હોય કે મોબાઈલ ICUનો કોલ, તેઓ સતત હાજર હોય છે. એર એમ્બ્યુલન્સ જેવી સેવાઓ દરમ્યાન આ તબીબોની ખાસ જરૂર રહે છે. રસ્તામાં પણ દર્દીને કંઈક થાય તો જેતે શાખાના નિષ્ણાત તબીબો જેમ કે કાર્ડિયોલોજિસ્ટ કે ન્યtરોલોજીસ્ટ વગેરેની ગેરહાજરીમાં, તેઓના અભિપ્રાય વિના, દર્દીની ત્વરિત સારવાર શરૂ કરવાથી લઈ વિવિધ વિકટ પરિસ્થિતિ આ ઈમર્જન્સી મેડિસિન સ્પેશ્યાલિસ્ટ સંભાળી લે છે. ફર્સ્ટ લાઇન તબીબ તરીકે તેઓ પ્રાથમિક રીતે ફક્ત પુખ્ત જ નહીં બાળરોગના દર્દીઓને રિસુસિટેશન અને સ્ટેબિલાઇઝેશન શરૂ કરવા અને તીવ્ર – એક્યુટ તબક્કામાં બીમારીઓ અથવા ઇજાઓનું નિદાન અને સારવાર માટે જરૂરી પ્રારંભિક તપાસ અને જરૂરી નિર્ણયો કરવા માટે, તાત્કાલિક એ બીમારીને ઓળખવા, એનું પરીક્ષણ, મૂલ્યાંકન અને સ્ટેબલ એટલે કે દર્દીને સ્થિર કરવા જવાબદાર છે. તેઓ તમામ એક્યુટ બીમારીના નિદાન અને રિસુસિટેશનમાં નિષ્ણાત કુશળતા ધરાવે છે. એટલે હવેથી જ્યારે પણ ઈમર્જન્સીમાં જાઓ (આશા રાખું જરૂર ન પડે) અને પછી ડિસ્ચાર્જ ગમે ત્યારે મળે ત્યારે ફક્ત તમારા સારવાર આપતા તબીબને જ નહીં પણ જેઓએ પહેલી પળે તમારી સારવાર કરી અને જિંદગી બચાવવા મોટું યોગદાન આપ્યું એવા ઈમર્જન્સી ફિઝિશ્યનને પણ ધન્યવાદ વ્યક્ત કરવાનું ચૂકશો નહીં.

Most Popular

To Top