Gujarat

કોંગ્રેસ કાર્યાલય ખાતે ‘પરિવર્તનનો સમય’ કાઉન્ટ ડાઉન કરતી ઘડિયાળ લગાવાઇ

અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) તારીખ જાહેર થતાંની સાથે જ તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ચૂંટણી પ્રચાર અભિયાન તેજ કરી દીધા છે. કોંગ્રેસ (Congress) પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસ દ્વારા આજે તેના અમદાવાદ ખાતેના મુખ્ય કાર્યાલય કોંગ્રેસ ભવન ખાતે ગુજરાતમાં પરિવર્તન દર્શાવતી ભાજપનું કાઉનડાઉન કરતી ઘડિયાળ લગાવવામાં આવી છે.

ભાજપની છેલ્લી ઘડી આવી ગઈ હોવાનું જણાવી ઘડિયાળ બંધ થતાં જ ભાજપની સરકાર નહીં રહે, તેવો કોંગ્રેસે દાવો પણ કર્યો છે. આજે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ ભવનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ, કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રદેશ સંગઠન પ્રભારી રઘુ શર્મા, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત અનેક અગ્રણીઓએ પરિવર્તનનો સમય દર્શાવતી ઘડિયાળનું અનાવરણ કર્યું હતું. કોંગ્રેસ ભવન પર લગાવવામાં આવેલી આ ઘડિયાળ દ્વારા ગુજરાતમાં પરિવર્તનનો સમય આવી ગયો છે, અને ભાજપની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે, તેવું દર્શાવવામાં આવી રહ્યું છે. આઠ ડિસેમ્બર સુધી બાકી રહેલા દિવસો અને સમય દર્શાવતી આ ઘડિયાળ બંધ થશે, તે દિવસે ભાજપની સરકાર નહીં હોય. જે દિવસે ભાજપની સરકાર નહીં હોય તે દિવસે ઘડિયાળના તમામ આંકડાઓ શૂન્ય બની જશે. આમ કોંગ્રેસ દ્વારા પરિવર્તનની ઘડિયાળ સાથે પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે.

Most Popular

To Top