Gujarat

ડબલ એન્જિનની સરકાર એ બીજેપીનો ઘમંડ છે : પી. ચિદમ્બરમ

અમદાવાદ : ગુજરાતનું (Gujarat) શાસન ગાંધીનગરથી (Gandhinagar) નહીં, દિલ્હીથી (Delhi) ચાલે છે. ગુજરાતનું શાસન નિયુક્ત કરાયેલા મુખ્યમંત્રી દ્વારા નહીં, પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી દ્વારા ચલાવવામાં આવે છે. ગુજરાત દિલ્હીનું તાબેદાર રાજ્ય છે. ડબલ એન્જિનવાળી સરકારનો ઘમંડ એ ફક્તને ફક્ત બીજેપી સરકારનો ઘમંડ જ છે. ગુજરાત એક જ બળદગાડું છે જે રાજ્યના વિશાળ વર્ગને, ખાસ કરીને અનુસૂચિત જનજાતિ, મહિલાઓ, યુવાનો અને ગરીબોને પાછળ છોડીને દિશાહિન માર્ગ પર દોડી રહ્યું છે. ગુજરાતમાં ઊંચો વિકાસ, સમૃદ્ધિ અને સામાજિક સમરસતાના ભ્રમ પાછળ એવી કદરૂપી હકીકતો છે જે ચાલાકીથી છુપાવવામાં આવી રહી છે, તેવું પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમએ જણાવ્યું હતું.

પી. ચિદમ્બરમે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતની તમામ જનતા તે પરિસ્થિતિને સારી રીતે જાણે છે. ગુજરાતના કેટલાક નિર્વિવાદ તથ્યો દર્શાવવા માગું છુ, ગુજરાત રાજ્ય જીડીપીનો વિકાસ દર 2017-18 થી ઘટી રહ્યો છે. 2017-18માં 10.7 ટકા, 2018-19માં 8.9 ટકા, 2019-20 7.3 ટકા, 2020-21માં 1.9 ટકા રહ્યો હતો. તેવી જ રીતે 2011 સુધીની પ્રથમ પાંચ વાઇબ્રન્ટ ગુજરાત સમિતિના આંકડો જોઈએ તો, રોકાણો કરેલા દાવાઓ અને ખરેખર આવેલા રોકાણમાં ખુબ મોટું અંતર છે. માત્ર માટી મોટી વાતો અને આંકડાની માયાજાળ બતાવવામાં આવે છે.

2022માં ગુજરાત રાજ્યના માથે કુલ રૂપિયા 4.02,785 કરોડની જવાબદારીઓ છે
2020-21માં રાજ્યનું કુલ દેવું રૂ 2,98,810 કરોડનું હતું જે રાજ્યની જીડીપીના 18.04 ટકા હતું. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, 2022માં ગુજરાત રાજ્યના માથે કુલ રૂપિયા 4.02,785 કરોડની જવાબદારીઓ છે. ગુજરાતના સામાજિક-આર્થિક આનુસાંગિક આંકડા એકબીજા સાથે વણાયેલી છે અને તેમાં કેટલીક ચિંતાજનક બાબતો છે.

રાજ્ય સરકાર વતી કોઈએ પણ મોરબી દુર્ઘટના માટે માફી માંગી નથી
પી. ચિદમ્બરમએ કહ્યું હતું કે, હું મોરબી બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાના પીડિતોના પરિવારો પ્રત્યે અને વધુમાં, માનવસર્જિત આ ભયંકર દુર્ઘટનાના પરિણામે શોકમાં ડૂબેલા સમગ્ર ગુજરાતના લોકો પ્રત્યે મારી નિષ્ઠાપૂર્વક અને હૃદયપૂર્વકની સંવેદનાઓ રજૂ કરવા ઈચ્છું છું. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. મને આશા છે કે હાઈકોર્ટ આ પ્રશ્નો અને અન્ય પ્રશ્નો પણ ઉઠાવશે અને જવાબો મેળવશે. સૌથી ચોંકાવનારી ઘટના એ છે કે રાજ્ય સરકાર વતી કોઈએ પણ આ દુર્ઘટના માટે માફી માંગી નથી. જવાબદારી સ્વીકારીને કોઈએ રાજીનામું આપ્યું નથી. આટલી ભયાનક દુર્ઘટના પછી કોઈ માફી નહીં અને કોઈ રાજીનામું નહીં ગુજરાતની જનતા માટે વધુ શરમજનક છે.

Most Popular

To Top