Comments

શિક્ષણ, શિક્ષકો અને ચૂંટણી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને કારણે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અસર થશે તેવી આગાહી સાચી પડી ચૂકી છે. મોટા ભાગની યુનિવર્સિટીઓએ દિવાળી પહેલાં ચાલેલા શૈક્ષણિક સેમેસ્ટરની દિવાળી પછી લેવાની પરીક્ષાઓ હાલ મોકૂફ રાખી છે. હવે તે દસમી ડિસેમ્બર પછી થશે! એટલે આપણી કોલેજોમાં વિદ્યાર્થીઓ હવે પરીક્ષાની રાહ જોતા બેઠા છે! દુનિયામાં કયાંય આવું નથી. અમેરિકામાં, જાપાનમાં, ઇંગ્લેન્ડમાં નેધરલેન્ડમાં…. કે રાજયમાં ચૂંટણીઓ હોય તે કારણથી યુનિવર્સિટીઓ થોડાક વિદ્યાર્થી નેતાઓને ખુશ રાખવા પરીક્ષાઓ જ યોજવાનું મોકૂફ રાખે.

પ્રજા તરીકે આપણે કેટલા ઉદાસીન છીએ કે પૂછતા જ નથી, કે ભઇ રાજયમાં ચૂંટણી છે તો સફાઇકર્મીઓ રોજ સફાઇ કરે છે. શાકભાજીવાળા રોજ શાકભાજી વેચે છે, બજારો ધમધોકાર ચાલે છે. કડિયા, સુથાર, કથાકારો, ફિલ્મકારો સૌ પોતપોતાનું કામ નિયમિતપણે કરે છે તો માત્ર યુનિવર્સિટીઓને પરીક્ષા યોજી દેવામાં અને નિયત સમયે શિક્ષણકાર્ય શરૂ કરી દેવામાં વાંધો શું છે? વળી જેઓ સેલ્ફ ફાયનાન્સ શાળા કોલેજોની અને શિક્ષણના ખાનગીકરણની વકીલાત કરે છે તેમને પૂછો કે ગ્રાન્ટેડ યુનિવર્સિટીમાં આવેલી સેલ્ફ ફાયનાન્સ કોલેજો પરીક્ષા લઇ શકે છે? તેઓ પણ રાહ જોઇને જ બેસી રહ્યા છે ને? હાલ કોલેજોમાં સન્નાટો છે. ઘણી કોલેજોએ પરીક્ષા નથી થઇ તો શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો છે પણ વિદ્યાર્થીઓ જ આવતા નથી કારણ આગળના સેમેસ્ટરની પરીક્ષા નથી થઇ તો નવું ભણવું નથી! જેમ બીજા દેશોમાં રાજકીય ચૂંટણીઓને કારણે શિક્ષણ અસર પામતું નથી તેમ બીજા દેશોમાં ચૂંટણીકાર્યનો તમામ બોજો શિક્ષકોને માથે પણ નથી!

આમ તો સરકાર તેમના અધિકારીશ્રીઓ અને ઉચ્ચ મધ્યમ વર્ગના મોટા ભાગના નાગરિકો સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ શાળા – કોલેજોના શિક્ષકો કર્મચારીઓ માટે સારો અભિપ્રાય ધરાવતા નથી. શિક્ષકો ટયુશનિયા છે, ગુલ્લીબાજ છે અભ્યાસુ નથી, ચિવટવાળા નથી, ભણાવતા જ નથી…. વગેરે વગેરે આરોપો મેળવે છે. પણ દેશભરમાં સ્થાનિક સ્વરાજય હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય. ચૂંટણીની જવાબદારીપૂર્વકની કામગીરી આ શિક્ષકો જ કરે છે. ‘આઉટ સોર્સિંગ’ અને કોન્ટ્રાકટ સિસ્ટમને પ્રેમ કરતી સરકારો ચૂંટણી કામગીરીનું આઉટ સોર્સિંગ કરાવતી નથી. આજે પણ ચૂંટણીપંચ ના છૂટકે જ ખાનગી સંસ્થાના કર્મચારીઓને ચૂંટણી કામગીરીમાં સામેલ કરે છે. સૌને ખબર છે ચિંતા અને ચિવટપૂર્વક આ કામ ‘શિક્ષકો’ જ કરશે અને ચૂંટણી કામગીરીમાં ચૂંટણી બુથના સંચાલનની જમીન ઉપરની કામગીરી શિક્ષકો કરતા હોવા છતાં શિક્ષકોએ સત્તાધારીપક્ષ સામે નારાજગી હોય ત્યારે પોતાના સ્થાન, સ્થિતિ, પદનો ગેરલાભ લીધો નથી! રણ નદી કે પર્વતના દુર્ગમ સ્થાનો, શિયાળો – ઉનાળો, રજાઓ, વેકેશન કશું પણ પરવા કર્યા સિવાય શિક્ષકો આ કામગીરી બજાવે છે.

જો કે હવે સમય આવી ગયો છે કે ચૂંટણી પંચ ચૂંટણીની સતત ચાલતી કામગીરી અને વારાફરતી યોજાતી ચૂંટણીઓને કારણે કેટલોક સ્ટાફ કાયમી ધોરણે જ ભરતી કરે અને શિક્ષકોને તેમના મુખ્ય કામ ‘શિક્ષણ’ પર ધ્યાન આપવા દે. પહેલાં દર પાંચ વર્ષે આવતી ચૂંટણીમાં ચૂંટણીપંચ ચૂંટણીના છ મહિના – ત્રણ મહિના પહેલાં કામગીરી કરતું. હવે ચૂંટણી પંચ મતદાન જાગૃતિ મતદાર નોંધણી જેવી કામગીરી સતત કરતું રહે છે. ‘બુધ લેવલ ઓફીસર’ની પેસ્ટ ઊભી કરી ત્યારથી મતદાર યાદીઓ વધારે ચોકકસ થવા લાગી છે.

દરેક ગામનો પ્રાથમિક શાળાનો શિક્ષક આ બૂથ લેવલ ઓફીસર છે. જે સમયે સમયે મતદાર યાદીઓ અપડેટ કરવામાં મદદ કરે છે. ફોટાવાળી મતદાર ઓળખ કાપલી દરેકના ઘરે ચોકકસ રીતે પહોંચાડે છે. છેલ્લાં વર્ષોમાં મતદાન કરતા 60% કરતાં વધારે આવ્યું છે. તેના પાયામાં આપણાં પ્રાથમિક શિક્ષકોએ ‘બુથ લેવલ ઓફીસર’ તરીકે કરેલી સચોટ કામગીરી છે. પણ ચૂંટણી ન હોય ત્યારે પણ આ બી.એલ.ઓ.ની કામગીરી ચાલુ રહે છે. સરકાર અને ચૂંટણી પંચે આ બી.એલ.ઓ.ની અલગથી નિમણૂક કરવાની જરૂર છે. આમ કરવાથી શિક્ષકો નિરાંતે ભણાવી શકશે! બાકી આ ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી પતશે એટલે એકાદ મહિનામાં બાકી રહેલી તાલુકા – ગ્રામ પંચાયતો તથા સરપંચની ચૂંટણી આવશે. માર્ચ એપ્રિલમાં તે બધું પૂરું થશે અને વળી બે – ત્રણ મહિનાના વિરામ પછી 24’ માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે આગોતરા આયોજન શરૂ થશે!

ચૂંટણી આવે ત્યારે છાપા ચેનલો અને રાજકીય નેતાઓનાં ભાષણોમાં અનેક પ્રશ્નો, પડકારો, વચનોની ચર્ચા થતી હોય છે. પણ કયાંય ચૂંટણીને કારણે અસર પામતા શિક્ષણ અને શિક્ષકોની ચર્ચા થતી નથી. ખરેખર આ બાબત ગંભીરપણે ચર્ચાવી જરૂરી છે કે એક વિકસિત અને સમજદાર રાષ્ટ્ર તરીકે શું આપણે શિક્ષણને ચૂંટણીઓની અસરથી મુકત રાખી શકીએ! જો શિક્ષણને મુકત રાખવું હોય તો શિક્ષકોને મુકત રાખવા પડશે! આજે ખરેખર તો શિક્ષણ વિભાગની ફરજ છે કે તે યુનિવર્સિટીઓને પૂછે કે તમે સેમેસ્ટરની પરીક્ષાઓ મોકૂફ કેમ રાખી? જો ડિસેમ્બર – જાન્યુઆરીમાં પરીક્ષાઓ લેશો તો આગળનું સેમેસ્ટર કયારે ભણાવશો? અને તેની પરીક્ષા કયારે લેશો!

આમ તો એક સેમેસ્ટર એટલે છ મહિનાનું શૈક્ષણિક સત્ર જયાં ઓછામાં ઓછું ચાર મહિના શૈક્ષણિક કાર્ય ચાલવું જ જોઇએ! આગળના સેમેસ્ટરની પરીક્ષા પતે પછી ચાર મહિના પછી જ બીજા સેમેસ્ટરની પરીક્ષા થઇ શકે! હવે આપણા ગુજરાતમાં જો જો જાન્યુઆરીમાં માંડ શૈક્ષણિક કાર્ય શરૂ થશે અને એપ્રિલ મે માં તો યુનિવર્સિટી પરીક્ષાઓ લઇ લેશે! આપણે વારંવાર લખીએ છીએ કે ગુજરાતના શિક્ષણમાં શું ચાલે છે તે માટે આપણાં અગ્રણી અખબારો, ચેનલો, આગેવાન વકતાઓ, લેખકો, પ્રતિષ્ઠિત નાગરિકોએ કદી વિચારવાનું જ નહીં? તેમણે બોલવાનું જ નહીં? પૂછવાનું જ નહીં?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top