SURAT

દુરન્તો એક્સપ્રેસ 30 સપ્ટેમ્બરથી સુરત રેલવે સ્ટેશન પર ઉભી રહેશે: આ શહેરોની સીધી કનેક્ટિવિટી મળશે

સુરત : રેલવેના અધિકારીઓ સુરત માટેનો દ્વેષ ભાવ છોડી રહ્યા નથી. (Durontto Express) દૂરન્તો એકસ્પ્રેસ એર્નાકુલમ-નિઝામુદ્દીનની ઘોષણા પછી પણ નિયત તારીખે આ ટ્રેન શરૂ થવા પામી નથી. દરમિયાન આ ગંભીર મામલે આખરે રેલવે મંત્રી દર્શના જરદોશે દરમિયાનગીરી કરતાં રેલવે અધિકારીઓ દ્વારા તાબડતોડ આ ટ્રેનની તારીખ ઘોષિત કરવામાં આવી છે. તેમાં દૂરંતો એક્સપ્રેસ 02283 એર્નાકુલમથી તા.28ના રોજ રાત્રિના 3 વાગ્યે સુરત પહોંચશે. હવે આ વીકલી ટ્રેન તે 2284 નિઝામુદ્દીનથી સુરત ખાતે સવારે 11:25એ પહોંચશે. સુરતને આ ટ્રેન છ મહિના માટે પ્રાયોગિક ધોરણે જ ફાળવવામાં આવી હોવાની વાત રેલવે દ્વારા કરવામાં આવી છે. આવતી તા.30 સપ્ટેમ્બરે આ ટ્રેન એર્નાકુલમથી સુરત આવશે. જ્યારે 2જી ઓક્ટોબરે આ ટ્રેન નિઝામુદ્દીનથી સુરત ખાતે આવી પહોંચશે.

રેલવે વિભાગ દ્વારા દિલ્હીથી કોચી વચ્ચે દોડતી નિઝામુદ્દીન એર્નાકુલમ દુરન્ટો એક્સપ્રેસને (duronto Express train) સુરતનું સ્ટોપ આપવાની જાહેરાત કરાઈ હતી ત્યારે તા. 26 સપ્ટેમ્બરથી આ સુપરફાસ્ટ ટ્રેન સુરતના રેલવે સ્ટેશન પર ઉભી રાખવાનું એનાઉસમેન્ટ થયું હતું. પરંતુ રવિવારે જ્યારે આ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર આવી ત્યારે માત્ર 10 મિનીટ માટે ટેકનીકલ હોલ્ડ કર્યો હતો. પેસેન્જરોને ટ્રેનમાં ચઢવા દેવામાં આવ્યા નહોતા, જેના લીધે ભારે વિવાદ થયો હતો.

દેશના રાજ્યકક્ષાના રેલમંત્રી દર્શના જરદોશ સુરતના સાંસદ છે (RailStateMinister Darshna Jardosh) અને ખુદ દર્શના જરદોશે જ દુરન્ટો એક્સપ્રેસના સ્ટોપેજ વિશે જાહેરાત કરી હતી, ત્યારે આ સમગ્ર મામલામાં ભાજપ પર માછલા ધોવાયા હતા. સમગ્ર મામલાની હકીકત જાણવા દર્શના જરદોશે જાતે જ રેલવે તંત્ર પાસે જવાબ માંગ્યો હતો. સુરત સાથે હંમેશા ઓરમાયું વર્તન કરતા રેલવેતંત્રની પોલ ઉઘાડી પડી હતી. ટ્રેનને સ્ટોપેજ નહીં આપવા વિશે અધિકારીઓએ લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે દર્શના જરદોશે તેઓને ખખડાવી નાંખ્યા હતા.

હવે ફરી એકવાર રેલતંત્ર દ્વારા 30 સપ્ટેમ્બરથી દુરન્ટો એક્સપ્રેસને સુરતનું સ્ટોપેજ આપવા માટે જાહેરાત કરવામાં આવી છે. આગામી તા. 30 સપ્ટેમ્બરથી 6 મહિના માટે વીકલી સ્ટોપેજ નક્કી કરાયું છે. આ ટ્રેન એર્નાકુલમથી ઉપડી મેંગ્લોર, મડગાંવ, પનવેલ, સુરત અને નિઝામુદ્દીનમાં થોભશે. ગુજરાતમાં આ ટ્રેન માત્ર સુરત ખાતે જ ઉભી રહેશે.

દેશના ઉત્તરથી દક્ષિણ છેડાને જોડતી ટ્રેેન સતત 44 કલાક દોડે છે

એર્નાકુલમ –દુરોન્ટો એ વીકલી ટ્રેન છે, જે કોચીથી દેશની રાજધાની દિલ્હી વચ્ચે દોડે છે. આ ભારતની સૌથી લાંબુ અંતર કાપતી ટ્રેન છે. ઉત્તરમાં દેશની રાજધાની દિલ્હીથી છેક દક્ષિણમાં કેરળને જોડતી આ ટ્રેન છે. આ કોંકણ રેલવે રૂટ પરથી પસાર થાય છે. દેશના મહત્ત્વના રાજ્યો દિલ્હી, ગોવા, કર્ણાટકને જોડતી આ ટ્રેન હવે સુરતમાં ઉભી રહેનારી હોય ગુજરાતને પણ આવરી લેશે. લક્ઝુરીયસ આ ટ્રેનમાં 7 નોન AC, 4 AC થ્રી-ટાયર કોચીસ, 1 AC ટુ-ટાયર કોચ, 1 AC ફર્સ્ટ ક્લાસ, 1 પેન્ટ્રી કાર અને 2 EOG કાર્સ છે. કુલ 16 કોચ છે. આ ટ્રેન એક તરફનું અંતર કાપવામાં અંદાજે 44 કલાકનો સમય લે છે.

લાંબા સમયથી કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દેશની રાજધાની દિલ્હીના રહીશો ફાસ્ટ કનેક્ટિવીટી માટે માંગણી કરી રહ્યાં હતાં. રેલવે મંત્રાલય પણ દેશના નાગરિકોને એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે ઝડપી કનેક્ટિવીટી મળે તે માટે વિચારી રહી છે, તેના ભાગરૂપે હાલમાં દુરન્ટો એક્સપ્રેસને સુરતનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

Most Popular

To Top