Dakshin Gujarat

વલસાડમાં ભારે વરસાદના પગલે 20 માર્ગો બંધ કરાયા

વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં મોસમના છેલ્લા તબક્કામાં ફરી ભારે વરસાદ (Heavy Rain) શરૂ થયો છે. જેને લઇ છેલ્લા 3 દિવસથી આખો જિલ્લો પાણીથી તરબોળ થયો છે. વલસાડમાં ગત રાત્રીએ ફરીથી ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે વલસાડ અને વાપીના શહેરી વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોઝવે પરથી પાણી ફરી વળતાં જિલ્લાના 20 માર્ગો બંધ કરવાની નોબત આવી હતી.

  • વલસાડમાં 2 દિવસથી સતત વરસાદને લીધે નદીઓ છલકાઈ
  • ઉમરગામ,વાપી અને પારડીમાં સૌથી વધુ વરસાદ
  • નાના પુલ અને કોઝવે ડુબી ગયા
  • વાહનવ્યવહાર અટકાવી દેવાયો
  • ધરમપુરમાં વહેલી સવારથી ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ

વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદના કારણે નદીઓ ફરીથી પાણીથી છલકાઇ હતી. જેના કારણે અંતરિયાળ વિસ્તારના અનેક નાના પુલ અને કોઝવે ડૂબી ગયા હતા. મોડી રાત્રે ઉમરગામમાં 30 મિમિ વરસાદ, વાપીમાં 60 મિમિ વરસાદ અને પારડીમાં 43 મિમિ વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઉમરગામ અને પારડી અને વાપી તાલુકાના અનેક માર્ગો સાથે જિલ્લાના કુલ 20 માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા અને અહીં વાહન વ્યવહાર અટકી ગયો હતો. બીજી તરફ વલસાડ અને વાપીના શહેરી વિસ્તારમાં પણ અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. વલસાડના શાકભાજી માર્કેટમાં પણ પાણી ભરાઇ ગયા હતા. તેમજ મોગરાવાડી અને છીપવાડના ગરનાળામાં પણ પાણીનો ભરાવો થઇ ગયો હતો. જેના કારણે વહેલી સવારે સ્કૂલે જઇ રહેલા વિદ્યાર્થીઓને થોડી તકલીફ પડી હતી.

ધરમપુર પંથકમાં આજરોજ વહેલી સવારથી ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ પડતાં ધરમપુર વલસાડ રોડ ઉપર સ્વામી નારાયણ સ્કુલ રામવાડી પાસે અતિ ભારે વરસાદને પગલે એક વિશાળ નિલગીરી નું ઝાડ ધરાશાયી થતાં એક આદિવાસીનું મકાન માંડ બચ્યું હતું.

વલસાડ-વાપી અને દમણમાં ભારે વરસાદને લીધે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાવાના લીધે વલસાડના 20 રસ્તાઓ વાહનચાલકો માટે બંધ કરી દેવાયા છે. વાપીમાં પણ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વાપી જીઆઇડીસી ચાર રસ્તા પાસે ગોવિંદા કોમ્પ્લેક્સ સામેના રસ્તા પર વરસાદથી પાણી પાણી થઈ ગયું હતું.

Most Popular

To Top