મિત્રતા ન તોડો

બે મિત્રો હતા રાજ અને રોહન. શાળાજીવનથી કોલેજ સુધી ૧૩ વર્ષથી તેમની પાકી દોસ્તી હતી. ક્યારેય ઝઘડા થતા નહિ.કોલેજમાં પહોંચ્યા બાદ નવા દોસ્તો બન્યા પણ રાજ અને રોહનની દોસ્તી એવી જ હતી.એક દિવસ ન બનવાનું થયું.રાજ અને રોહન વચ્ચે ઝઘડો થયો.કારણ રોહને અમુક નવા દોસ્તો બનાવ્યા હતા અને તેઓ શરાબ સિગરેટના રવાડે ચઢેલા હતા અને એવી વાત પણ ઊડતી હતી કે તે ટોળકી ડ્રગ્સ પાર્ટી પણ કરતી હતી.રાજે રોહનને આ લોકોની દોસ્તી છોડી દેવા કહ્યું.રોહન ન માન્યો.રાજે બહુ સમજાવ્યો.રોહન ન સમજ્યો. અંતે રાજે છેલ્લું હથિયાર કાઢ્યું કે જો તું એ લોકો જોડે દોસ્તી રાખીશ તો આપણી દોસ્તી પૂરી! રોહન ન માન્યો અને ઉલટું રાજે દોસ્તી તોડવાની વાત કરી એનું ખરાબ લગાડી ઝઘડો કર્યો અને બંને વચ્ચે અબોલા થઇ ગયા.

દિવસો વીત્યા.રાજે રોહનને ઘરે જઈ ફરી સમજાવ્યો, પણ રોહન સમજતો જ ન હતો.રાજ અને રોહનની વાત રોહનની મમ્મીએ સાંભળી. રાત્રે તેમણે જાણી જોઈને રોહનના ચહેરા પર કાળી મેશનો ડાઘ કર્યો અને સવારે રોહન ઊઠ્યો ત્યારે તેની મમ્મી રૂમમાં તેના ઊઠવાની રાહ જોતી હાજર જ હતી.સવારે ઊઠીને રોહને પોતાના મુખ પર આ ડાઘ જોયો. મોઢું ધોયું. ડાઘ નીકળ્યો નહિ.તેણે મમ્મીને કહ્યું ,”મમ્મી આ જો મારા મોઢા પર ડાઘ છે.જતો નથી.”તેની મમ્મીએ પૂછ્યું ,”તને કેવી રીતે ખબર પડી કે મુખ પર ડાઘ છે?”રોહને કહ્યું ,”અરે અરીસામાં દેખાય છે “રોહન આટલું બોલ્યો ને તરત તેની મમ્મીએ અરીસો તોડી નાખ્યો.

રોહન ડઘાઈ ગયો.પછી બોલ્યો, મમ્મી, તેં અરીસો શું કામ તોડી નાખ્યો?” મમ્મીએ કહ્યું,”અરીસાએ તારા મોઢા પર ડાઘ બતાવ્યો તે માટે.” રોહને કહ્યું,”મમ્મી અરીસો ડાઘ દેખાડે તે તેનું કામ છે એમાં અરીસો ન તોડવાનો હોય. ઉલટું અરીસામાં જોઈ ડાઘ સાફ કરવાનો હોય.”રોહનની વાત સાંભળી મમ્મીએ દાઢમાંથી  કહ્યું ,”અરે વાહ! આ જ્ઞાન તું આપે છે.”અને રૂમની બહાર ઊભેલાં દાદા-દાદી ,પપ્પા હસવા લાગ્યાં. રોહનને કંઈ સમજાયું નહિ.મમ્મીએ કહ્યું,”ભાઈ, અરીસો ડાઘ દેખાડે તો અરીસો ન તોડાય.ડાઘ સાફ કરાય, તેમ જો આપણી કોઈ ભૂલ મિત્ર દેખાડે તો ગુસ્સો કરી મિત્રતા ન તોડાય. ભૂલ સુધારી લેવાય.” રોહન સમજી ગયો. રાજના ઘરે માફી માગવા દોડ્યો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top