ચૂંટણીમાં મફતમાં અંગ્રેજી શિક્ષણનું વચન આપવું જોઈએ

ચૂંટણીના આ વાતાવરણમાં મફત ફાળવણીના વચનોની હરિફાઈ જામી છે. કોઈ સાડી વહેંચે છે તો કોઈ સાયકલ તો કોઈ લેપટોપ અને કોઈ મફત બસની મુસાફરી. અહીં સુધી કોઈ જગ્યાએ તો દારૂ પણ મફત વહેંચવાની વાત કરાઈ રહી છે. દારૂને છોડીને આ મફત વહેંચણીનું હું સ્વાગત કરું છું કારણ કે જનતાને ઓછામાં ઓછા 5 વર્ષોમાં 1 વખત કંઈકતો મળે. સરકારે નોટબંધી અને જીેસટી જેવી નીતિઓ લાગુ કરી જનતાના કામ-ધંધા નષ્ટ કર્યા છે એટલે મફતમાં જે મળી જાય તેનું સ્વાગ છે. પણ વિચાર કરવા જેવો છે કે મફતમાં શું વહેંચવામાં આવે? સાડી અને દારૂ કે હું એવું સૂચન કરું છું કે સાચું અંગ્રેજી શિક્ષણ જ મફતમાં વહેંચો તો જનતા પણ ખુશ થશે અને પાર્ટી પણ જીતી શકશે? એક કહેવત છે કે વ્યક્તિને માછલી આપવા કરતાં માછલી પકડવાનું શીખવવું વધુ સારું છે કારણ કે જો તે માછલી પકડવાનું શીખી જાય તો તે જીવનભર તેની આવક મેળવી શકે છે. એ જ રીતે યુવાનોને મફતમાં સાયકલ અને લેપટોપનું વિતરણ કરવાને બદલે જો આપણે મફત અંગ્રેજી શિક્ષણનું વિતરણ કરીશું તો તેઓ પોતે સાયકલ અને લેપટોપ ખરીદશે અને જીવનભર પોતાની આજીવિકા કમાઈ શકશે.

લોકોમાં અંગ્રેજી શિક્ષણની માગ છે. શહેરોમાં ઘરોમાં કામ કરતા નોકરો પણ દર મહિને 1,500 થી 2,000 રૂપિયાની ફી ચૂકવીને સારા અંગ્રેજી માટે તેમના બાળકોને ખાનગી શાળાઓમાં મોકલવાનો પ્રયાસ કરે છે. તેઓ તેમની આવકનો લગભગ ત્રીજા ભાગનો હિસ્સો બાળકોની ફી ભરવામાં ખર્ચે છે. આનાથી સાબિત થાય છે કે શિક્ષણની માગ છે પરંતુ તેમની પાસે સારું શિક્ષણ ખરીદવાની ક્ષમતા નથી. દિલ્હીની ‘આપ’ સરકારે સરકારી શિક્ષણમાં નોંધપાત્ર સુધારા કર્યા છે પરંતુ તેમ છતાં 72% વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં હાઈ સ્કુલમાં પાસ થયા છે જ્યારે 93% વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં પાસ થયા છે. અન્ય રાજ્યોમાં સરકારી શાળાઓની હાલત ખૂબ જ ખરાબ છે જ્યારે સરકાર તેમના પર ભારે ખર્ચ કરી રહી છે. હું આ વિષય પર ઉત્તર પ્રદેશનું ઉદાહરણ તમારી સામે રાખવા માંગુ છું.

વર્ષ 2016-17માં ઉત્તર પ્રદેશ સરકાર સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પ્રતિ વર્ષ 25,000 રૂપિયા પ્રતિ વિદ્યાર્થી ખર્ચ કરતી હતી. વર્તમાન વર્ષ 2021-22માં આ રકમ વધીને લગભગ 30,000 રૂપિયા થઈ જશે. આમાં પણ સરકારી શાળાઓમાં તમામ એડમિશન બનાવટી બનાવવામાં આવી રહ્યા છે. બિહારના અભ્યાસમાં 9 જિલ્લાની સરકારી શાળાઓમાં 4.3 લાખ નકલી વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. આ નકલી એડમિશન બતાવીને શાળાનો સ્ટાફ મિડ-ડે મીલ અને યુનિફોર્મ વગેરેનો જથ્થો પડાવી લે છે. અન્ય કોઈપણ આકારણીની ગેરહાજરીમાં અમે ધારી શકીએ છીએ કે 20 ટકા વિદ્યાર્થીઓ નકલી પ્રવેશ દ્વારા દર્શાવવામાં આવ્યા હશે. જો આપણે આને કાપી નાખીએ તો ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દરેક સાચા વિદ્યાર્થી પર દર વર્ષે 37,000 રૂપિયા ખર્ચવામાં આવે છે. નેશનલ સેમ્પલ સર્વે મુજબ હાલમાં લગભગ 60 ટકા બાળકો સરકારી શાળાઓમાં ભણે છે. તેથી જો સાચા વિદ્યાર્થી દીઠ રૂ. 37,000ની આ રકમ રાજ્યના તમામ વિદ્યાર્થીઓ એટલે કે સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વહેંચવામાં આવે તો ઉત્તર પ્રદેશ સરકાર પ્રત્યેક વિદ્યાર્થી પાછળ દર વર્ષે આશરે રૂ. 20,000નો ખર્ચ કરે છે.

એવી સલાહ છે કે ચૂંટણીના આ સમયે પક્ષો વચન આપી શકે છે કે આ 20,000 રૂપિયાની રકમમાંથી, 12,000 રૂપિયા રાજ્યના તમામ વિદ્યાર્થીઓને મફત વાઉચરના રૂપમાં આપવામાં આવશે. આ વાઉચર દ્વારા તેઓ તેમની ઇચ્છિત શાળામાં ફી ભરી શકશે. સરકારી શિક્ષકોના પગારમાંથી પ્રતિ વર્ષ 12,000 રૂપિયા પ્રતિ વિદ્યાર્થી સીધું કાપીને આ કરી શકાય છે. પરંતુ આનો અર્થ એ નથી કે ખરેખર સરકારી શિક્ષકોના પગારમાં ઘટાડો થશે. જો તેઓ તેમની શાળાને આકર્ષક બનાવે છે અને પૂરતી સંખ્યામાં વિદ્યાર્થીઓને આકર્ષે છે તો તેઓ વાઉચરમાંથી મળેલી રકમ વડે તેમના પગારમાં આ ઘટાડા માટે ભરપાઈ કરી શકે છે. જેમ કે હાલમાં તમામ યુનિવર્સિટીઓમાં સેલ્ફ ફાઇનાન્સ કોર્સ ચલાવવામાં આવે છે. આ અભ્યાસક્રમોમાં, વિદ્યાર્થી દ્વારા ભારે ફી ચૂકવવામાં આવે છે, જેના કારણે શિક્ષકોનો પગાર ચૂકવવામાં આવે છે. તે જ તર્જ પર સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓને આકર્ષી શકે છે અને તેમના વાઉચર મેળવી શકે છે અને તેમના પગારની ભરપાઈ કરી શકે છે.

આમ કરવાથી સરકારી અને ખાનગી શાળાઓને ફાયદો થશે. સરકારી શાળાઓ માટે તેમના શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવો ફરજિયાત બનશે જેથી તેઓ પૂરતી સંખ્યામાં વિદ્યાર્થીઓને આકર્ષી શકે તેમના વાઉચર મેળવી શકે અને તેમના પગારમાં થયેલા કાપની ભરપાઈ કરી શકે. તે ખાનગી શાળાઓ માટે પણ લાભદાયક રહેશે કારણ કે તેમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ આ વાઉચર્સ દ્વારા દર મહિને રૂ. 1,000 ફી ચૂકવી શકે છે અને બાકીની ફી તેમની આવકમાંથી ચૂકવી શકાય છે. જે હેલ્પર હાલમાં અંગ્રેજી શાળામાં બાળકની ફી ભરવા માટે તેના માસિક રૂ. 6,000ના પગારમાંથી રૂ. 1,500 ચૂકવે છે, તેને તેની કમાણીમાંથી માત્ર રૂ. 500 ચૂકવવા પડે છે. જે ખાનગી શાળાઓ આજે દર મહિને 600 રૂપિયા ફી વસૂલવામાં આવી રહી છે, તેને વાઉચર દ્વારા 1,000 રૂપિયા મળશે અને કુલ 1,600 રૂપિયાની રકમ સાથે તેઓ સારા શિક્ષકની નિમણૂક કરી શકશે. ખાનગી શાળાઓની ગુણવત્તા પણ સુધરશે.

આપણે સમજવું જોઈએ કે હાલમાં રોબોટ અને મોટી કંપનીઓ દ્વારા સસ્તા માલના ઉત્પાદનને કારણે સામાન્ય માણસની રોજગારીનું મોટું નુકસાન થઈ રહ્યું છે અને તે સતત ચાલુ રહેવાની અપેક્ષા છે. આથી આવનારા સમયમાં સામાન્ય માણસની આજીવિકા જાળવવા માટે જરૂરી છે કે તેણે અંગ્રેજી શિક્ષણ મેળવવું જોઈએ જેથી તે ઈન્ટરનેટ વગેરે દ્વારા સોફ્ટવેર, સંગીત, અનુવાદ વગેરે સેવાઓ વેચી શકે અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે. વર્તમાન ચૂંટણીના માહોલમાં પક્ષોએ સાડી, સાઈકલ અને લેપટોપના વિતરણના વાયદાઓને બદલે સાચું શિક્ષણ મફતમાં વહેંચવાનું વિચારવું જોઈએ જેથી કરીને તેઓ ચૂંટણી જીતી શકે અને સરકાર અને જનતા પર આર્થિક બોજ પણ ન નાખે. આવનાર સમયમાં જનતાને રોજગાર પણ ઉપલબ્ધ થાય.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top