શરીરમાંથી બધું જ વીર્ય બહાર આવી જતું હોય છે પ્રશ્ન: અમારા લગ્નને અઢી વર્ષ થયેલ છે. શરૂઆતમાં અમે બાળક ઈચ્છતાં ના હતાં એટલે માટે મારા પતિ નિરોધનો ઉપયોગ કરતા હતા. છેલ્લા ત્રણ મહિનાથી અમારે બાળક જોઈએ છે એટલે અમે હવે કોઈ પ્રોટેકશન વાપરતા નથી. મેં જોયું છે જ્યારે પણ સમાગમ પૂરો થઈ જાય પછી મારા શરીરમાંથી બધું જ વીર્ય બહાર આવી જતું હોય છે અને કદાચ આ જ કારણસર મને પ્રેગ્નન્સી રહેતી નથી. આ તકલીફ માટે મારે કોને બતાવવું જોઈએ? ગાયનેકોલોજિસ્ટ પાસે મારી તપાસ કરાવવી કે સેક્સોલોજિસ્ટ પાસે મારા પતિની તપાસ કરાવવી જોઈએ તેની ખબર પડતી નથી.

જવાબ: શુક્રાણુ વૃષણ કોથળીમાં બનતા હોય છે અને સેમાઈનલ વેસિકલ નામની ગ્રંથિમાં જમા થતા હોય છે. જ્યારે પણ પુરુષ સ્ખલન થતું હોય છે તેમાં ૬૯ ટકા પ્રવાહી આ સેમાઈનલ વેસિકલ નામની ગ્રંથિનું હોય છે. ત્રીસ ટકા સ્ત્રાવ પ્રોસ્ટેટ નામની ગ્રંથિનો હોય છે અને માત્ર એક ટકો જ આ સ્ત્રાવમાં વીર્ય હોય છે જેમાં લાખો અને કરોડો શુક્રાણુ હોય છે. સેક્સ વખતે સામાન્ય રીતે આ સ્ત્રાવ સ્ત્રીના યોનિમાર્ગની અંદર થતો હોય છે.
વીર્ય સિવાયનો 99 % સ્ત્રાવ ધીરે ધીરે યોનિમાર્ગની બહાર આવી જતો હોય છે. તમે કોઈ પણ આસનમાં સેક્સ માણેલું હોય અથવા તમે સેક્સ માણ્યા પછી કોઈ પણ રીતે સૂઈ જશો તો પણ આ સ્ત્રાવ દરેક સ્ત્રીમાં અંદરથી બહાર જ આવી જતો હોય છે અને આ દરેક સ્ત્રીઓમાં અનુભવાતી નોર્મલ પ્રક્રિયા છે પરંતુ બાકી રહેલા એક ટકા શુક્રાણુઓ જે નરી આંખે દેખાતા હોતા નથી એ યોનિમાર્ગની દીવાલ ઉપર ચોંટી જઈ ધીરે ધીરે હલનચલન કરતા ગર્ભાશય સુધી પહોંચી જતા હોય છે અને જો તે વખતે સ્ત્રીનું બીજ ગર્ભાશયમાં હોય અને પુરુષના શુક્રાણુ જોડે મિલન થાય તો બાળક રહેવાની શક્યતા બનતી હોય છે.
આપ જે સેક્સ પછીનો સ્ત્રાવ બહાર આવતો જુઓ છો તે દરેક સ્ત્રીમાં જોવા મળતી નોર્મલ પ્રક્રિયા છે અને એના માટે તમારે બંનેએ કોઈ ડોક્ટરને બતાવવાની જરૂર નથી. બાળક રાખવા માટે તમારા ફર્ટાઈલ દિવસ એટલે કે માસિકના બારમા થી અઢારમા દિવસની વચ્ચે સંબંધ રાખવો જોઈએ. આ દિવસોમાં મોટાભાગની સ્ત્રીઓનું સ્ત્રીબીજ છૂટું પડીને ગર્ભાશયમાં આવતું હોય છે.
વધારે સેક્સ માણવાથી બ્લડપ્રેશર વધી જતું નથી
પ્રશ્ન: મારી ઉંમર છત્રીસ વર્ષની છે. છેલ્લા ત્રણ મહિનાથી મને બ્લડપ્રેશરની બીમારી થયેલ છે અને તેની દવા હું નિયમિત લઉં છું. મને બીજી કોઇ જ તકલીફ નથી અને શરીર એકદમ તંદુરસ્ત છે. અમે અઠવાડિયામાં ત્રણ-ચાર વાર સેકસ માણતા હોઈએ છીએ. મારે જાણવું છે આટલી વાર સેક્સ માણવામાં કોઈ તકલીફ તો નહીં થાય ને? સેક્સ માણતી વખતે આ બ્લડપ્રેશરની તકલીફના કારણે મને હાર્ટએટેક આવવાની શક્યતા ખરી?
જવાબ: બ્લડપ્રેશરના કારણે સેક્સ માણતી વખતે હાર્ટએટેક થવાની શક્યતા બિલકુલ હોતી નથી. દુનિયામાં લાખો લોકોને બ્લડપ્રેશર હોય છે. જો બ્લડપ્રેશર વધી જતું હોય તો મગજમાં સ્ટ્રોક તેમ જ હૃદયરોગ થવાની તકલીફ રહેતી હોય છે. એ માટે બ્લડપ્રેશરની ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલ દવાઓ એકદમ નિયમિત લેવી જોઈએ. સામાન્ય રીતે બ્લડપ્રેશર આપણી ખરાબ લાઇફસ્ટાઇલના કારણે થતું હોય છે. નિયમિત કસરત અને વજનને કાબૂમાં રાખવાથી બ્લડપ્રેશર પણ કાબૂમાં રહેતું હોય છે. સેક્સ પણ એક પ્રકારની કસરત જ છે. વધારે સેક્સ માણવાથી બ્લડપ્રેશર વધી જતું નથી જેથી સેકસ કરતી વખતે એની ચિંતા ના કરશો. આજ સુધી દુનિયામાં એવા એક પણ કેસ જોવા મળેલ નથી કે પોતાની પત્ની જોડે સેક્સ માણતી વખતે તેમનું બ્લડપ્રેશર વધી ગયું હોય કે હાર્ટએટેક આવી ગયેલ હોય.
પ્રશ્ન: મારી ઉંમર છેતાલીસ વર્ષની છે અને છેલ્લાં સાત વર્ષથી ડાયાબિટીસની તકલીફ છે. મારો ડાયાબિટીસ હંમેશાં થોડો ઉપર થોડો નીચે રહેતો હોય છે. મને લાગે છે છેલ્લાં એકાદ વર્ષથી ધીરે ધીરે મને ઇન્દ્રિયમાં ઉત્તેજના ઓછી અનુભવાય છે અને છેલ્લા એકાદબે મહિનાથી તો એમ કહી શકાય કે જ્યારે પણ પ્રયત્ન કરું છું તો શિશ્ન બિલકુલ સાથ આપતું જ નથી અને સેક્સમાં નિષ્ફળતા જ મળે છે. શું મારી આ નપુંસકતાની આ તકલીફ ડાયાબિટીસના કારણે હશે? હવે મારે શું કરવું જોઈએ? મારા જેવા ડાયાબિટીસના દર્દીઓને સેક્સ લાઈફ ન બગડે એ માટે અમારે શું કાળજી લેવી જોઈએ?
જવાબ: સૌથી પહેલું અને વધારે અગત્યની વસ્તુ છે તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરવાની. આ માટે તમારા ડાયાબિટોલોજિસ્ટનો તુરંત સંપર્ક કરી યોગ્ય દવા લેવાની શરૂ કરો. ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે માત્ર ત્રણ જ વસ્તુનું ચુસ્ત પાલન કરવાનું હોય છે. દવા નિયમિત લેવાની, આહારમાં ચરી પાળવાની અને રોજનું પિસ્તાલીસ મિનિટ ચાલવાનું. આટલું કરશો તો તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે અને શરીરમાં કોઈ પણ જગ્યાએ મુશ્કેલી નહીં કરે. ઇન્દ્રિયમાં પણ નપુંસકતા આવવાની શક્યતા ઓછી રહેશે. આપણે ડાયાબિટીસ માટે સિરિયસનેસ બતાવતાં નથી પરંતુ શિશ્નમાં ઉત્તેજના ઓછી આવવાનું શરૂ થતાં જ તરત ચિંતા કરીએ છીએ. ડાયાબિટીસ સેક્સનો સૌથી મોટો દુશ્મન છે અને ઉગતા દુશ્મનને શરૂઆતમાં જ ડામી દેવો ખૂબ જ જરૂરી છે.
ડાયાબિટીસના કારણે સંદેશા લાવતા જ્ઞાનતંતુઓમાં પણ ફેરફાર થતા હોય છે. જેથી મગજમાં આવેલાં સેક્સનાં સેન્ટરો શિશ્ન સુધી પૂરતા સંદેશા મોકલી શકતા નથી. જેના કારણે પણ શિશ્નમાં નપુંસકતા અનુભવાય છે. ડાયાબિટીસના કારણે શિશ્નમાં આવેલી લોહીની નળીઓ સંકોચાઈ જાય છે. જેના કારણે શિશ્નમાં પૂરતા પ્રમાણમાં લોહી આવતું નથી. જેથી ઉત્તેજના ઓછી અનુભવાય છે. નપુંસકતા આવવાનું યોગ્ય નિદાન કરવામાં આવે અને સારવાર કરવામાં આવે તો આજની તારીખમાં ડાયાબિટીસના દર્દીઓ પણ બીજા હેલ્ધી લોકોની જેમ જ શિશ્નમાં ઉત્તેજના અનુભવતા હોય છે અને પોતે અને પોતાના સાથીને જાતીય સંતોષ આપી શકતા હોય છે.
દરેક ડાયાબિટીસના દર્દીઓએ સેક્સ લાઈફ ના બગડે માટે નીચેની વાતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ
- # સેક્સ સૌથી અગત્યનું છે તમારા ડાયાબિટીસને એકદમ કન્ટ્રોલમાં રાખવું.
- # ડાયાબિટીસ એટલે સેક્સ લાઈફ પર પૂર્ણવિરામ આ ખોટી માન્યતા મનમાંથી કાઢી નાખો. ડાયાબિટીસના દર્દીઓ પણ ચોક્કસ સેક્સ માણી શકતા હોય છે.
- # નિયમિત વ્યાયામ કરવાનું રાખો. શક્ય હોય તો રોજ પિસ્તાલીસ મિનિટ ચાલવાનું રાખો.
- # ઘણી વાર વધારે પડતાં વજનના કારણે ડાયાબિટીસને કાબૂમાં રાખવું તકલીફવાળું કામ થઈ જતું હોય છે અને સાથે સાથે શિશ્નમાં પૂરતા પ્રમાણમાં લોહી પણ મળતું હોતું નથી માટે જો તમે પાંચેક કિલો પણ વજન ઉતારશો તો તમારો ડાયાબિટીસ કાબૂમાં રહેશે અને શિશ્નમાં ઉત્તેજના પણ સારી અનુભવાશે.
- # ઘણી બધી વાર ડાયાબિટીસની સાથે બ્લડપ્રેશરની તકલીફ પણ પુરુષોમાં જોવા મળતી હોય છે. બ્લડપ્રેશરને કાબૂમાં લેવા માટે ઘણી બધી વાર ડૉક્ટરો બીટા બ્લોકર ગ્રુપની દવા દર્દીને આપતા હોય છે. આ બીટા બ્લોકર ગ્રુપની દવાના કારણે પણ નપુંસકતા અનુભવાતી હોય છે. જો તમે આ દવાઓ લેતા હો અને શિશ્નમાં ઉત્તેજનાની તકલીફ હોય તો તમારા ડૉક્ટર જોડે વાત કરી શક્ય હોય તો આ દવા બદલાવી દેવી જોઈએ.
- # અનકંટ્રોલ્ડ ડાયાબિટીસના દર્દીઓમાં ઘણી બધી વાર શિશ્નની અગ્ર ત્વચા જાડી થઈ જતી હોય છે. જેથી નીચે ઉતારવામાં તકલીફ પડતી હોય છે અને અગ્રત્વચામાં ચીરા પણ પડી જતા હોય છે. જો આવું વારંવાર થતું હોય તો સુન્નતનું ઓપરેશન કરાવી લેવું જરૂરી છે. હવે આ ઓપરેશન લેઝર દ્વારા થતું હોય છે. જેથી ડાયાબિટીસના દર્દીઓમાં બ્લિડિંગ થવાનું કે ચેપ લાગવાની શક્યતા પણ રહેતી નથી.
- #ડાયાબિટીસના દર્દીઓમાં ચેપ લાગવાની શક્યતાઓ પણ ખૂબ જ વધુ હોય છે. તેથી આ દર્દીઓએ પ્રાઈવેટ પાર્ટની સફાઈ રાખવી પણ ખૂબ જ જરૂરી હોય છે. દરરોજ સ્નાન વખતે શિશ્નની અગ્ર ત્વચા નીચે ઉતારી સફાઈ કરવી જોઈએ. આ ભાગની સફાઇ સાબુ કરતાં નેચરલ ઈન્ટિમેટ વોશ દ્વારા કરવામાં આવે તે બહેતર છે. ‘ઇટ મેટર’ નામનું નેચરલ ઈન્ટિમેટ વોશ ડાયાબિટીસના દર્દીઓ ઉપયોગમાં લઇ શકે છે. આનાથી રોજ સ્નાન કરતી વખતે પ્રાઇવેટ પાર્ટ સાફ કરવાથી ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે. તેમ જ આ ભાગમાં ખંજવાળ અને વાસ આવતી નથી. આ પ્રકારના વોશ હજી આપણે ત્યાં એટલાં બધાં પ્રચલિત નથી. જેથી તે મળવું મુશ્કેલ હોય છે.