Business

‘લગાન’ થી જ આમિર ખાન લગનથી ફિલ્મ બનાવે છે!

આમિર ખાન પાસેથી દર્શકોએ વધારે ફિલ્મોની અપેક્ષા રાખવાની નથી. આમિરે કહ્યું છે કે તે ગુણવત્તાવાળી ફિલ્મો બનાવતો રહેવાનો છે. ‘આમિર ખાન પ્રોડક્શન’ ની પહેલી ફિલ્મ ‘લગાન’ ને વીસ વર્ષ પૂરા થયા છે ત્યારે એવો પ્રશ્ન થઇ રહ્યો છે કે બીજા પ્રોડક્શન એક વર્ષમાં ત્રણથી ચાર ફિલ્મો બનાવે છે ત્યારે આમિરે આંગળીના વેઢે ગણાય એટલી જ ફિલ્મો કેમ બનાવી છે. આમિર પોતાની પ્રોડકશન કંપનીને યશરાજ સ્ટુડિયો કે કરણ જોહરના પ્રોડક્શન સાથે સરખાવતો નથી. ઘણી કંપનીઓએ વીસ વર્ષમાં એંશી જેટલી ફિલ્મો બનાવી છે ત્યારે આમિરે આઠ પણ બનાવી નથી. ફિલ્મો ઓછી બનાવવાનું કારણ એ છે કે દરેક ફિલ્મ પાછળ તે મહેનત કરે છે.

અત્યારે ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ બનાવી રહ્યો છે અને એના લુક પર ઘણી મહેનત કરી છે. એટલું જ નહીં ફિલ્મ પર ધ્યાન આપવા તેણે સોશ્યલ મિડીયાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. ‘લગાન’ થી જ તે પોતાની દરેક ફિલ્મ લગનથી બનાવતો આવ્યો છે. ‘લગાન’ ની વાર્તા પસંદ આવ્યા પછી એ જમાનામાં તેણે ‘ધોતી-બંડી’ વાળા હીરો બનવાનું મોટું જોખમ લીધું હતું. ફિલ્મના નિર્માણ દરમ્યાન પણ અનેક પડકારોનો સામનો કર્યો હતો. કોઇપણ ફિલ્મને બોક્સ ઓફિસ પર સફળતા મળશે કે નહીં એમ વિચારીને નહીં પણ વાર્તા પસંદ આવે તો જ ફિલ્મ બનાવે છે. આમિરને એ વાતની ખુશી છે કે તેની દરેક ફિલ્મને વ્યવસાયિક સફળતા મળી છે.

ફિલ્મ ‘પીપલી લાઇવ’ જ નહીં ‘રૂબરૂ રોશની’ જેવી ડોક્યુમેન્ટ્રી ફિલ્મથી પણ તેને કમાણી થઇ હતી. આમિર કહે છે કે તેની કોઇ ફિલ્મ ખોટમાં ગઇ નથી. એક વખતમાં એક જ ફિલ્મ પર ધ્યાન આપવાથી સારું પરિણામ મળી શકે છે. આમિરે ‘લગાન’ ના વીસ વર્ષની ઉજવણી નિમિત્તે ‘લાલસિંહ ચઢ્ઢા’ ના પાત્રનો સેનાના અધિકારીનો લુક જાહેર કર્યો છે. પણ જ્યાં સુધી ‘લાલસિંહ ચઢ્ઢા’ રજૂ નહીં થાય ત્યાં સુધી બીજી કોઇ ફિલ્મ શરૂ કરવાનો નથી. અલબત્ત તેણે ચેસ માસ્ટર વિશ્વનાથ આનંદની બાયોપિકમાં કામ કરવાની સંમતિ આપી દીધી છે. આ ફિલ્મ માટે તે વિશ્વનાથના મનને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એ માટે તેની સાથે ઘણો સમય વીતાવવાનો છે. એટલું જ નહીં વિશ્વનાથનું મગજ કેવી રીતે કામ કરે છે એ જાણવા તેની પત્ની અને પરિવારને મળશે. એ સ્વીકારવું પડશે કે આમિર જેટલી મહેનત કોઇ અભિનેતા પોતાના પાત્ર માટે કરતો નહીં હોય.

બે સિરિયલમાં એકસરખી વાર્તા છતાં લોકપ્રિય કેમ છે?!

વી પર ટોપ ટેનમાં રહેતી બે સિરિયલોમાં એક સરખી વાર્તા આવતી હોવા છતાં લોકપ્રિય હોવાનું કારણ કલાકારોનો અભિનય પણ કહી શકાય. છેલ્લા કેટલાક સમયથી ‘અનુપમા’ અને ‘યે રિશ્તા કયા કહલાતા હૈ’ ની વાર્તામાં સમાનતા જોવા મળી રહી છે. બંનેમાં જોડીઓ અલગ થઇ ગઇ છે. ‘અનુપમા’ માં અનુપમા-કાવ્યા જ્યારે ‘યે રિશ્તા’ માં કાર્તિક-સીરત અલગ થઇ ગયા એટલું જ નહીં આ તરફ વનરાજે કાવ્યા સાથે લગ્ન કર્યા અને બીજી તરફ સીરતે રણવીર સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી વનરાજ પહેલી રાત્રે કાવ્યાને છોડીને જતો રહે છે. કેમ કે તે અનુપમા માટે ચિંતા કરતો હોય છે. ‘યે રિશ્તા’ માં પણ એવું જ કંઇક થયું. સીરતે કાર્તિકની ચિંતામાં પહેલી રાત્રે રણવીરને છોડી દીધો.

બંને સિરિયલોની વાર્તામાં સમાનતાનું એક જ કારણ નિર્દેશક રાજન શાહી છે. એમના નિર્દેશન અને કલાકારોના શાનદાર અભિનયનો જ ચમત્કાર કહેવાય કે બંને સિરિયલો ટીઆરપીમાં ટોપ પર રહે છે. કેમ કે વાર્તાપ્રવાહ ઝડપથી આગળ વધે છે. ‘અનુપમા’ માં કાવ્યા શાહ હાઉસ પર કબ્જો જમાવવા માગે છે પણ અનુપમા તેની યોજના પર પાણી ફેરવી દેશે. કાવ્યાએ ઘર છોડવા મજબૂર થવું પડશે. અનુપમા-કાવ્યાની કેટફાઇટ મજેદાર હશે. ‘યે રિશ્તા’ માં જબરદસ્ત વળાંક લાવવામાં આવી રહ્યો છે.

સીરતની વારંવાર કાર્તિક સાથે ટક્કર થશે અને તેને એવો અહેસાસ થશે કે તે પ્રેમ કરવા લાગી છે. આ વાતની ખબર રણવીરને થશે ત્યારે શું થશે એ જાણવાની ઉત્સુક્તા વધી જશે. બંનેમાં દરેક કલાકાર પોતાના પાત્રને સાકાર કરે છે. ‘કાર્તિક’ તરીકે મોહસીન ખાન પ્રભાવિત કરે છે. જ્યારે ‘કાવ્યા’ તરીકે કામ કરતી મદાલસા શર્મા સોશ્યલ મીડિયામાં ગ્લેમરસ તસવીરો મૂકતી રહેતી હોવા છતાં તેને અભિનયને કારણે પસંદ કરવામાં આવી રહી છે. રુપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે સાથે ‘અનુપમા’ માં ટૂંક સમય માટે ‘ડૉકટર અદ્વેત’ ના પાત્રમાં આવેલા અપૂર્વ અગ્નિહોત્રીએ પણ ઘણી પ્રશંસા મેળવી લીધી. કોરોનાને કારણે વાર્તામાં કામચલાઉ ફેરફાર થયો એમાં નંબર વન સિરિયલમાં અપૂર્વનો નંબર લાગી ગયો હતો. હવે ફરીથી અસલ ટ્રેક પર વાર્તા જઇ રહી હોવાથી અપૂર્વની ભૂમિકા પૂરી થઇ ગઇ છે. અપૂર્વની પસંદગી એટલા માટે થઇ હતી કે તેણે રાજન સાથે અગાઉ ‘જસ્સી જૈસી કોઇ નહીં’ અને ‘બિદાઇ’ માં કામ કર્યું હતું. તેની ભૂમિકાને પસંદ કરવામાં આવી હોવાથી તેને પાછો લાવવાની શક્યતા રાખવામાં આવી રહી છે.

Most Popular

To Top