Business

ફિર વો ભૂલી સી યાદ આઇ હૈ…

હમણાં લખવાનું ખાસ સુઝતુ નહોતું તો થયું કે લાવ ને પચાસ વરસથી પડતર પડેલું એક કામને ઉકેલું. એ કામ કાંઇ એક રાતમાં, કે અઠવાડિયામાં ઉકેલાય એવું નથી. કામ છે તો ગંજાવર. પણ કમસે કમ શરૂ તો કરું – ભલે મહિનો લાગે પછી તો નિરાંત! આમ બાકી કામનો ભાર કયાં સુધી લઇને ફર્યા કરવાનું? કોઇ કામ પાછળ પડી જવું ને પુરું કર્યે જ જંપવું એવો સ્વભાવ જ નથી. રોજેરોજ થોડું થોડું કામ કરી ઉકેલું તેવો સ્વભાવ.

એ કામ છે છેલ્લા પચાસ વર્ષો દરમ્યાન આવેલા સંઘરેલા પત્રોને વ્યવસ્થિત કરી તારીખ પ્રમાણે ગોઠવી ફાઇલ કરવાનું અને સાવ ઔપચારિક પત્રો કે દિવાળી ગ્રીટીંગ્ઝ જેવાનો નાશ કરવાનું. વરસોથી નહીં પણ પાંચ પાંચ દસકાઓથી એ કામ ચડતું જ રહ્યું. મારા પિતાએ દાદાએ લખેલાં પત્રો અને દાદાએ મારા પિતાએ લખેલાં પત્રો વરસો સુધી સાચવ્યા’તા – કેટલાંક તો હજીય મારી પાસે સચવાયા છે. મતલબ એ કે ઘરમાં ડોકયુમેન્ટેશનનું- દસ્તાવેજી કરણનું ચલણ. તેમણે તો એ સમયના આર્થિક સામાજિક દસ્તાવેજરૂપ હિસાબની ડાયરીઓ પણ સાચવી રખાવેલી કે જે છેક ઓગણિસોના બીજા દશકાથી શરૂ કરેલી હતી.

પત્રોની સંખ્યા સેંકડોમાં – એય પાછા પોસ્ટકાર્ડ અને કવરમાં આવેલા કાગળના રૂપમાં. દરેકને તેના ભૌતિક આકાર પ્રમાણે જુદા પાડવા તે પહેલું કામ. બીજું કામ તે વડીલોના અને મિત્રોના પત્રોને જુદા પાડવાના. એમાંના મોટાભાગના તો દિગ્વંત થયા તેથી તેમને સરખી રીતે સાચવવા જરૂરી. કેટકેટલાં વડીલો! ઉમાશંકર જોશી, સુરેશ જોશી, ભોગીલાલ ગાંધી, મધુસુદન ઢાંકા, અશ્વિન મહેતા, રાધેશ્યામ શર્મા, ભોળાભાઇ પટેલ, લાભશંકર ઠાકર, ચંદ્રકાંત શેઠ, ટોપીવાલા સાહેબ, ગુલામ મોહમ્મદ શેખ, શિરિષ પંચાલ, મહેન્દ્ર મેઘાણી અને જયંત મેઘાણી વગેરે જેવા. બીજા ભારતીય લેખકોમાં કોંકણી કવિ મનોહર રાવ સરદેસાઇ, ઉડિયા કવિ જયંત મહાપાત્ર અને હિંદીના વિખ્યાત કવિ કળા મર્મજ્ઞ અશોક વાજપેયીજીના પણ થોડા પત્રો ખરાં.

સમવયસ્ક મિત્રોમાં જયદેવ શુકલ, રાજેશ પંડયા, અનામિક શાહ, ઉષા ઉપાધ્યાય, નિખિલ ભટ્ટ, મુકેશ વૈદ્ય, મનોજ રાવલ અને ડો. રાજેશ સોલંકીના તો ઘણાં પત્રો. સાડત્રીસ વર્ષથી જેની સાથે અખંડ મિત્રતા છે તેવો મારો ડચ મિત્ર યાપ સ્લ્યુરિંક પણ કેમ ભૂલાય. તે યુરોપિયન છતાં ઇમેઇલમાં કે ફોનમાં ન માને. તેને તો હાથે લખેલા પત્રોથી જ સંતોષ થાય. આકાશવાણીના સંદર્ભે બાબુભાઇ જશભાઇ પટેલ, મનુભાઇ પંચોળી, તખ્તસિંહ પરમાર અને નરોત્તમ પલાણ જેવા વડીલોના પત્રો પણ મળ્યાં. સહુથી વધારે સમય ચાલેલો પત્ર વ્યવહાર તે મિત્ર મહેન્દ્ર (મહેન્દ્રસિંહ પરમાર) સાથેનો. એક મોટી ફાઇલ થાય તેટલાં પત્રોની આપ-લે કરી હશે. ઓફિસના પોલીટીકસને લીધે મારી બદલી ડાંગ-આહવા થયેલી. એ બે વરસના વનવાસ દરમ્યાન દૂર રહી રહીને જો કોઇએ સધિયારો પુરો પાડયો હોય તો તે મિત્ર મહેન્દ્ર પરમારના નિયમિત આવતા પત્રોએ.

આ પત્રોએ માત્ર કાગળ પર પાડેલાં અક્ષરો નથી. એ તો દસ્તાવેજ છે એક સમયનો. મૈત્રિનો, મૈત્રિમાં આવતા ઉતાર ચડાવ અને હુંફનો. જે રૂબરૂ કહી ન શકાય તે પત્રોમાં ખળખળ વહી આવે. એ પત્રો વાંચતાં જ શલ્યા બની સુતેલી અનેક સ્મૃતિઓ અહલ્યા બની જીવતી થાય. કેવો એ જમાનો હતો! રોજ ટપાલીની રાહ રહેતી. એમ મનમાં થતું કોઇનો પત્ર તો આવશે જ. કોઇ સહૃદય મિત્રનો પત્ર આવે ત્યારે તો જાણે પત્રમાં નવું જોમ આવે અને સાતેય કોઠે દિવા થઇ જાય. એ પત્ર વંચાય પછી ય અનેકવાર વંચાય. થોડો સમય તો તે હુંફાળા ખિસ્સામાં છાતી સરસો જ રહે. પછી તેની ગડી ફાટવા લાગે ત્યારે સાચવીને મુકી દેવાનો થાય. કયારેક કોઇનો કાગળ આવવાની આશા ઉમેદ હોય અને ન આવે ત્યારે થાય.

  • ‘મૈંને ઉસકી તરફ સે ખત લિખા
  • ઔર અપને પતે પે ભેજ દિયા’
  • -ફહમી બદાયુંની

તો કયારેક પત્ર લાવનાર ટપાલી કાસીમ નામા-બરને એમ પણ પૂછવાનું મન થાય જેનો જવાબ મળે એ પત્રો કેવા હોવા જોઇએ એ કહે તો હું એવા પત્રો લખું.

  • ‘નામા-બર તૂ હી બના તૂ  ન તો દેખે હોંગે
  • કૈસે હોતે હૈ વો ખત જિન કે જવાબ આતે હૈ.
  • – કમર બદાયુંની

આજે ટપાલીની કોઇ રાહ નથી. રોજ સાંજે ટપાલ પેટી ખોલું છું – ટેવવશ. કારણ કે કાગળની રાહ જોવાની ટેવો હજી છુટી નથી. હવે કાગળ ન હોય તો નિરાશ નથી થવાતું, કારણ કે ખબર છે આ જમાનામાં કોણ નવરું છે મને કાગળ લખવા! હવે તો પોસ્ટબોકસ ખુલતાં જ દેખાય છે લાઇટબિલ, ગેસ બિલ કે રડયાં ખડયાં મેગેઝિન.

એક સમય હતો જયારે પત્રલેખન એક અનુષ્ઠાન હતું. સારો કાગળ લઇ અક્ષરો કેવા થાય છે તેની ચિંતા કર્યા વગર મનમાં દિલમાં જે કાંઇ ચાલતું, ઊભરાતું, મુંઝવતું હોય તેને કાગળ પર ઉતારવું એ જ એક ઉદ્દેશ હોય. પછી કાગળને પરબીડીયામાં – કવરમાં મુકી યાદ રાખી પોસ્ટ કરવાનો અને પછી બાકી રહે તે જવાબની રાહ જોવાની. જેટલી મૈત્રી ગાઢ એટલી પ્રતિક્ષા વધુ. તરત જવાબ ન આવે તો શંકા કુશંકાઓ અને ચિંતાઓ. પત્રનો જવાબ આવે તો ઉતાવળમાં એવી રીતે કવર ફાટી જાય કે સાથેનો પત્ર પણ ફાટી જાય.

(અપૂર્ણ)

Most Popular

To Top