Business

ભાગેડુ છોકરી.. સાહેબ અમારે ઇધર લગન ઔર વડાંપાઉ મેં જ્યાદા ફરક નહિ હૈ..

પણ તું છેક અહીં આવી જ કેમક ગેઇ ?’ કોઈએ ક્રોધ ભર્યા અવાજમાં પૂછ્યું. એટલે ચા બનાવતા બનાવતા મારું ધ્યાન એ અવાજ તરફ ગયું. મારા ચાના બાંકડાની સામે નોવેલ્ટી ગૃહ વસ્તુ ભંડાર દુકાનના કમ્પાઉન્ડમાં વડાંપાઉંનો સ્ટોલ ચલાવતી રૂપાના બાંકડે ગ્રાહકોની ભીસ હતી. ત્યાં ક્યારની કોઈ હુંસાતુંસી ચાલી રહી હતી. અગાઉ પણ બે ત્રણ વાર ઉંચા અવાજે દલીલનો અવાજ આવ્યો હતો. રસ્તા પર ધંધો કરવામાં આ એક ત્રાસ રહે છે. ગ્રાહકો ક્યારે લડાઈ કરે એ નક્કી નહિ. ધ્યાન રાખવું પડે નહીંતર ઝગડો ગંભીર થઇ જાય તો આપણા બાંકડે ઘટના ઘટે તો વાંકમાં આવી આપણે પોલીસના હાથમાં ભેરવાઈ જઈએ. એક ફૂટપાથ ચાપ જ્યોતિષી મારો નિયમિત ગ્રાહક હતો. એને ચા આપતા મેં કહ્યું ‘અરે જ્યોતિષ મહારાજ – કભી અપના ભી હાથ દેખો- સાલા પૈસા ટીકતા હિ નહિ..’ જ્યોતિષીએ મારો હાથ ઝાલી જોતાં કહ્યું ‘એક લડકી આ રહી હૈ તુમ્હારે જીવન મેં’ ‘ક્યા આપ ભી !’ મેં કહ્યું ‘મૈ કડકી કા પૂછ રહા હું ઔર આપ લડકી કાં બતા રહે હો !’

જ્યોતિષીએ હસતાં હસતાં કહ્યું ‘જો હૈ વો બોલા…’ એટલા ફરી રૂપાના બાંકડેથી અવાજ સંભળાયા- મને થયું કે મામલો બીચકી રહ્યો છે અને રૂપા કંટ્રોલ નહિ કરી શકે. જે દુકાનમાં કમ્પાઉન્ડમાં રૂપાનો બાંકડો હતો એ દુકાનના શેઠ માલિક દામજી છેડાએ આજે હજી દુકાન ખોલી નહોતી. નહીતર એ દુકાનના લોકો વચ્ચે પડ્યા હોત. પણ રૂપાની મદદે કોઈ નહોતું. એટલે મેં રૂપાના બાંકડા નજીક જઈ મોટેથી કહ્યું ‘ક્યા ગડબડ હૈ યહાં ?’

રૂપાના બાંકડે જે પાંચ છ ગ્રાહક હતાં એ ચમકીને મને જોવા માંડ્યા. એક આધેડ વયનો, એક એકદમ વૃદ્ધ અને એક યુવાન એમ ત્રણ જણા ક્યારના દલીલ કરી રહ્યાં હતાં. મને જોઈ રૂપાએ કહ્યું ‘સારું થયું તમે આવી ગયા…આ લોકો તો મારું માથું ખાઈ ગયા…’

ત્રણમાંથી એક યુવાને ઘવાયેલા અહમ સાથે રૂપાને પૂછ્યું ‘આ વરી કોણ તોપ છે અમને પુછવાવારો !’ રૂપા જવાબ આપે એ પહેલા ત્રણેમાંના વૃદ્ધ માણસે મક્કમ અવાજે કહ્યું ‘એ ભાઈ કોઈ બી ઓય –આ આપણો આપસનો મામલો છે’ અને મને કહ્યું ‘ભાઈ તમારે તકલીફ લેવાની જરૂર નથી…’ તરત રૂપા બોલી ‘મને એકલી જાણીને ઘેરે તે ની ચાલહે… હમજ પડી ?’ જવાબમાં હજી સુધી શાંત હતો તે આધેડ વયનો માણસ સહુને શાંત કરવા માંડ્યો. પેલો વૃદ્ધ રૂપાને કહી રહ્યો હતો ‘એ બધી વાત જવા દે –તું પાછી અમારી સાથે ચાલ, જીદ છોડી દે..’

ઓત્તારી – આ લોકો કોઈ ગ્રાહક નહોતા બલકે રૂપાના ઓળખીતા હતાં ! રૂપાને લઇ જવા આવ્યાં હતાં. મેં રૂપાને પૂછ્યું ‘આ લોકો તમારા ઘરેથી આવ્યાં છે?’ રૂપા બોલી ‘હા..’ પણ એની વાત કાપી પેલા યુવાને ચિઢાઈને મને પડકાર્યો ‘અરે ભાઈ તમે કેમ વચ્ચે ડબકા મુઈકા કરતાં છે? છે કોણ તમે?’ રૂપાએ હુંકાર કરી પેલા યુવાનને કહ્યું ‘એ કોઈ બી હોય –પૂછવા વારો તું કોણ છે?’ આધેડ વયના માણસે રૂપાને કહ્યું ‘એ તારો ભાઈ છે રૂપલી –કોણ છે એટલે?’ મેં કહ્યું ‘શાંત પડો આ ધંધાના ટાઈમે તમે લોકો અહીં લડાઈ ન કરો’ વૃદ્ધે મને પૂછ્યું ‘તું છે કોણ પણ?’ મેં કહ્યું હું ચાનો બાંકડો ચલાવું છું….અહીં બાજુમાં-’ આધેડ વયના માણસે મને સમજાવટના સૂરમાં કહ્યું ‘જુઓ બાજુ ભાઈ..’

રૂપાએ એને કાપીને કહ્યું ‘કાકા, બાજુભાઈ નહી રાજુભાઈ-‘ કાકાએ કહ્યું ‘હા, જુઓ રાજુભાઈ- વાત જાણે એમ છે કે’ એટલામાં યુવાને ભડકીને કહ્યું ‘અરે રાજુ હોય કે બાજુ હોય આપણી વાતમાં હાનો માથું મારે ?’ ફરી ચારે જણા ઉશ્કેરાઈને આપસમાં દલીલ કરવા માંડ્યા અને શોર બકોર વધી ગયો અને અચાનક એક ઉંચો અવાજ સંભળાયો ‘કાય ચાલલય ઈથ…?’ સહુએ ચમકીને જોયું તો હવાલદાર શિંદે !પોલીસને જોઈ સહુ શાંત થઇ ગયા. આ સહુમાં શિંદે મને જ ઓળખતો હતો એટલે મને પૂછ્યું ‘કાય આહે હે બોંબાબોંબ?’રૂપાના આધેડ વયના કાકાએ કહ્યું ‘અરે સાહેબ, કંઈ નહિ હૈ…યે પોરી મેરી ભત્રીજી હૈ –ઘેરથી નાસ કે અહીં આવી ગેઇ હૈ…અમે ચિંતા કરતાં કરતાં ઇસકુ શોધતા શોધતા અયેં આવ કે જોતાં હૈ તો આ તો વડાંપાઉં વેચતી હૈ!’ આ ભાંગ્યા તૂટ્યા હિન્દીમાંથી સાર તારવી શિંદેએ રૂપાને પૂછ્યું ‘ઘરસે ભાગ કર આઈ હૈ યહાં?’

‘ઘેર વાળા જુલમ કરે તો ભાગના જ પડતા હૈ ના!’ રૂપાએ જવાબ આપ્યો. ‘હું જુલમ !’ રૂપાના ભાઈએ ઉશ્કેરાઈને કહ્યું ‘લગન જોડેલા તારા, કંઈ કુવામાં ની લાખતા ઉતા!’ ‘લગન !’ શિંદેએ આશ્ચર્યથી પૂછ્યું . રૂપાના કાકાએ કહ્યું ‘હાં સાહેબ, ઇસકા લગ્ન જોડેલા થા તે યે તોડ કર અહી આવી ગેઇ…’ શિંદેએ રૂપાને કહ્યું ‘શાદી છોડ કે ઇધર આ કે વડાંપાઉં બેચતી હૈ !’ ‘સાહેબ અમારે ઇધર લગન ઔર વડાંપાઉં મેં જ્યાદા ફરક નહિ હૈ..’ સહુ આશ્ચર્યથી રૂપાને તાકી રહ્યાં. શિંદેએ પૂછ્યું ‘મતલબ?’ રૂપાએ જવાબ આપ્યો ‘લગન કરકે જો મરદ લે જાતા હૈ વો ઘરકા વડા બનકે વટ મારતા રહેતા હૈ ઔર વહુ કો પાઉં દબાને બોલતાં હૈ –ઇસસે તો અચ્છા હૈ મૈ અપના ખુદ વડાંપાઉ બના કર બેચું…’

આ સાંભળી રૂપાના કાકા ‘બોલવાનું ભાન છે કે કંઈ’ એમ ગુસ્સામાં બોલી શરૂ થઇ ગયા અને ફરી દલીલો થવા માંડી આખરે શિંદેએ ત્રાડ પાડી સહુને શાંત કરી ફેંસલો સંભળાવ્યો ‘યે લડકી કો કોઈ જબરદસ્તી નહિ કર સકતા હૈ, બચ્ચી નહિ હૈ વો – ઉસ કો વાપસ નહિ આના હૈ તો છોડો બાત -સબ વાપસ ગાંવ જાવ…’  શિંદેની આ વાતથી સોપો પડી ગયો. શિંદે પરસેવો લૂછતાં બબડ્યો ‘કાય ઉગાચ મચમચ ચાલલી આહે..!’ અને મને કહ્યું ‘ચાય પીલા રે બાબા…’ અને રૂપાને કહ્યું ‘મેડમ. ઇધર આઓ જરા – મેરે સાથ…’

રૂપાના ઘરવાળા રૂપાના બાંકડે સ્તબ્ધ થઇ બેસી ગયા. હું મારા ચાના બાંકડે આવી શિંદે માટે ચા બનાવવા માંડ્યો અને શિંદે તથા રૂપા મારા બાંકડે બેસી વાત કરવા માંડ્યા. શિંદેએ રૂપાને પૂછ્યું ‘તું ભાગ કર કયો આઈ? કુછ ચક્કર હૈ તેરા ?’ ‘હાં ચક્કર હૈ..’ રૂપાએ સ્મિત કરી કહ્યું એ સાંભળી શિંદે અને હું બન્ને ચમક્યા. ચા બનાવતા હું સાંભળતો રહ્યો. રૂપાએ કહ્યું ‘એક છોકરા કે સાથ મેરે કો શાદી કરના હૈ, મેરે ગાંવ કા હૈ- ઉસ કો શોધને કે લિયે હું મુંબઈ આવી હૈ…’ ‘ક્યાં નામ વો છોકરે કા? ક્યા કામ કરતા હૈ? મુંબઈ મેં કિધર હૈ?’

‘મુંબઈ મેં કિધર હૈ વો પાકા ખબર નથી…’ રૂપાએ કહ્યું ‘ઇતના ખબર હૈ કી ઉસ કા ગોરેગાંવ મેં ચાય કા લારી હૈ…’ ‘નામ ?’ શિંદેએ પૂછ્યું. ‘રાજુ…’ શિંદેએ ચમકીને મારી સામે જોયું. મને પણ આંચકો લાગ્યો. શિંદેએ મારા તરફ હાથ કરીને પૂછ્યું ‘યે હૈ ક્યા વો છોકરા ?’ રૂપાએ મારી તરફ જોઈ હસીને કહ્યું ‘નહિ નહિ…’ મને શાંતિ થઇ. શિંદેએ ચિઢાઈને કહ્યું ‘ગોરેગાંવમે ચાય કા લારી ઔર રાજુ નામ ! યે હિ તો હૈ વો – ઔર કૌન !’

રૂપાએ કહ્યું ‘ઇનકો તો મેં ઇધર મુંબઈ આ કર પેલી વાર દેખા સાહેબ – વો રાજુ મેરે ગાંવ સે છે મહિના પહેલા ભાગ કર ઇધર આ ગયા હૈ…મેં ક્યાર કી શોધતી હૈ…કોઈ બોલા કી ગોરેગાંવ મેં ચાય કા દુકાન ચલાતા હૈ તો મેં ઇધર આ ગઈ….અબ વો મિલેગા તબ તક વડાંપાઉં બના કે બેચુગી પણ વાપસ સુરત નહિ જાઉંગી…’ મારી નજર પેલા જ્યોતિષી પર પડી જે હજી બેઠો હતો અને મારી સામે જોઈ સ્મિત કરી રહ્યો હતો..

Most Popular

To Top