ભાગલા પાડો ને રાજ કરો કે ભાગલા છે માટે રાજ કરો?

પ્રગતિ એની થાય છે જે પોતાની મર્યાદાઓ માટે પોતે જ ચિંતન કરે! પોતાની મર્યાદાઓનો સ્વીકાર કરે! આધુનિક ભારતમાં ઉચ્ચ મધ્યમ વર્ગીય માનસિકતામાં એક મોટી નબળાઈ જોવા મળે છે તે એ છે કે આપણે આપણી નિષ્ફળતાઓ, અપલક્ષણો માટે બીજાને દોષ દઈએ છીએ! આજના રોજિંદા સમાજજીવન, જાહેર જીવનમાં આપણે એકતા બતાવી શકતા નથી અને દોષનો ટોપલો ઢોળી દઈએ છીએ અંગ્રેજો ઉપર! આપણને વારંવાર સાંભળવા મળે છે કે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ અપનાવી અને આજના રાજકારણીઓ પણ આ જ નીતિ આગળ વધારી રહ્યા છે! શું આ સાચું છે! અંગ્રેજો હોય કે આજના રાજનેતાઓ, તે આપણી વચ્ચે ભાગલા પડાવીને પોતાનું ધાર્યું કરાવે છે! કે પછી ભાગલા આપણી વચ્ચે છે જ! તેઓ તો માત્ર લાભ લે છે!

જો આપણે એમ કહેતા હોઈએ કે ભાગલા પાડો અને રાજ કારો ની નીતિ અંગ્રેજોએ શરૂ કરી તો તેનો મતલબ એ થયો કે અંગ્રજો આવ્યા પહેલાં આપણે બધા એક હતાં, સંપીને રહેતાં હતાં, સમાનતાથી વ્યવહાર કરતાં હતાં! શું આવું હતું ખરું! ના, જ્ઞાતિ-જાતિના ભેદભાવ તો અંગ્રેજો આવ્યા એ પહેલાં જ હતા. હિન્દુ અને મુસ્લિમ રાજાઓના યુધ્ધો અને ધર્માંતરણને કારણે ઊભું થયેલું વૈમનસ્ય તો પહેલાં જ હતું! ભાષા અને પ્રદેશના ભેદ અને તે દ્વારા ઉદ્ભવેલો વ્યવહાર-ભેદ અંગ્રેજો આવ્યા તે પહેલાં જ હતો! અંગ્રેજોએ તો આ ભેદભાવને ઓળખ્યો અને આપણને તે ભેદભાવ તીવ્રપણે પાળવા પ્રોત્સાહિત કર્યા જેથી તેમનું કામ આસાન બને! ભારતમાં સ્વતંત્રતાની માંગણી તીવ્ર બની, આઝાદીનું આંદોલન ચરમસીમાએ પહોચ્યું ત્યારે સાથે સાથે જ હિન્દુ-મુસ્લિમ મતભેદો તીવ્ર બન્યા, સત્તા મળવાની છે એ વાત સ્પષ્ટ થતાં જ સત્તા માટે તલપાપડ નેતાઓ પોત-પોતાના સમાજને ઊકસાવવા લાગ્યા અને પરિણામ ખંડિત ભારત! માની લઈએ કે અંગ્રેજોએ આપણા ભાગલાને તીવ્ર બનાવ્યા. ખાસ તો હિન્દુ-મુસ્લિમ મતભેદમાં તેલ ઉમેરવાનું કામ કર્યું અને કાયમી વેરબીજ વાવ્યાં! પણ આઝાદી પછી રજૂ થઈ! પછી આપણા નેતાઓએ આ ભાગલા આગળ ચલાવ્યા ને!

જરા કઠણ હૈયું કરીને જુઓ. કાશ્મીર ફાઈલમાં કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાંથી કાઢી મુકાયા! તેઓ વિસ્થાપિત થયા. આ વેદનાને વાચા આપતી ફીજા આજે આપણી સમક્ષ આવી માટે આજે આપણને તેમના માટે સંવેદના જાગી. હવે તેમના પુનર્વસનની માંગ વધારે તીવ્ર બની! પણ આ ફિલ્મ આવ્યા પહેલાં અનેક પુસ્તકો આ હત્યાકાંડ, ત્રાસ માટે લખાયાં હતાં, 1990 માં અનેક છાપામાં આ હત્યાકાંડના સમાચાર છપાયા હતા! પણ ત્યારે આપણને કશું જ ન્હોતું થયું! ખેર, પણ આપણે તો આનાથી આગળ વાત કરવી છે અને તે એ કે જો કાશ્મીરી પંડિતોનું પુનર્વસન થવું જોઈએ! તેમને ન્યાય મળવો જોઈએ તો આપણાં ગ્રામ ભારતમાં દરેક નાનાં મોટાં ગામોની બહાર ‘‘મોતીપુરા’’ કેમ છે? કેમ આપણાં જ ભાઈઓ ગામ વચ્ચે રહી શકતા નથી! મોત એ મોત હોય છે! અને મોતની વેદના વેદના હોય છે તો કેમ ગટરમાં ઉતરીને ગુંગળાઈ મરતા કામદાર માટે આપણું મરતા કામદામ માટે આપણું રૂંવાડું ફરકતું નથી! કારણ કે આપણે જૂદા છીએ! આપણામાં જ ભાગલા છે! સ્ત્રી અને પુરુષ માટે નિયમ જુદા છે! આપણે ક્રિકેટ મેચ કે ફિલ્મો પૂરતા કે આંતરાષ્ટ્રિય રમતોત્સવમાં જીત મળે ત્યારે ઉજવણી પૂરતા ભેગા થઈએ છીએ. બાકી આપણા જ ભાઈ-ભાંડુની પીડા માટે આપણાંમાં સંવેદના નથી! અમદાવાદમાં મોટરથી પાણી ખેંચીને ટાંકી ભરતા અને પોળ સોસાયટીમાં બેફામ પાણી છાંટતાં, ઢોળતાં લોકોને દેશના અનેક પ્રદેશોમાં માથે બેગ ઉંચકીને પાણી ભરી લાવતી સ્ત્રીઓ માટે વિચાર સુધ્ધાં નથી આવતો! નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મજા લેતાં શહેરીઓને વીજળીની અછતથી સૂકાતા પાકની ફરિયાદ કરતા ખેડૂતોની ચિંતા નથી. સરકારી કર્મચારીઓ પેન્શન કે પૂરા પગાર માગે છે ત્યારે ધંધા રોજગાર કે અન્ય રીતે કમાતા સૌને ‘‘સરકારી કર્મચારીઓનો મફતનો પગાર ખાય છે’’- એવું કહેતા જ સાંભળ્યા છે. ગુજરાતમાં એક જ્ઞાતિને ઓબીસી અનામત મળે તેનો બીજી જ્ઞાતિને વિરોધ છે. દેશનાં ઘણાં રાજ્યોમાં બીજા રાજ્યના રોજગારી મેળવે તેનો વિરોધ છે! આપણા ઘરમાં જ આપણી બહેનો દીકરીઓ માટે આપણા નિયમો જુદા છે અને પુરુષ વર્ગ માટે જુદા.

આજે રાજકારણમાં છાપા-ચેનલો ખુલ્લેઆમ પાટીદાર પાવર, ઠાકોરોનો અસંતોષ, રાજપૂતોમાં ઉકળતો ચરુ જેવા તદ્દન જ્ઞાતિલક્ષી સમાચારો છાપી શકે છે. ખુલ્લેઆમ ચર્ચી શકે છે! જો આપણે એમ કહેતા હોઈએ કે અંગ્રેજોએ ભાગલા પાડ્યા તો પણ બીજો પ્રશ્ન એ છે કે આઝાદીના અમૃત વર્ષે આ ભાગલા ચાલુ કેમ રાખ્યા? ગુજરાતના વક્તાઓ કહે છે કે ગુજરાતીને કોઈ ન પહોંચે, મહારાષ્ટ્રના દરેક કાર્યક્રમમાં બધા બોલે ‘‘જય મહારાષ્ટ્ર!… રાજ્યમાં ને રાજ્યમાં પણ ‘‘અમારું સૌરાષ્ટ્ર, અમારું કાઠિયાવાડ, અમારું ચરોતર, અમારું… ચાલ્યા કરે! મંત્રીમંડળની રચનાથી માંડીને ગ્રાન્ટની વહેંચણી સુધી.’’ ‘‘અમને અન્યાય થયો!’’- આ વાત જ બતાવે છે કે આપણામાં કેટલા ભાગલા છે! તો ટૂંકમાં, જાતને છેતરવાનું બંધ કરો! બીજાને દોષ દેવાથી આપણું કલ્યાણ થવાનું નથી. મોંઘવારી બધાને નડે છે, બેકારી બધાને હેરાન કરી રહી છે, ભ્રષ્ટાચાર સર્વત્ર છે. સમસ્યાઓ જ આપણને એક રાખે છે. બાકી આપણે તો જૂદા જ છીએ!  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top