Columns

માઇક ટાઇસન સામે લડનાર વિજયની ફિલ્મ બોક્સ ઓફિસ પર હારી !

તેલુગુના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની પહેલી હિન્દી ફિલ્મ ‘લાઇગર’ જ નહીં તેની આ સતત ત્રીજી તેલુગુ ફિલ્મ પણ નિષ્ફળ રહી છે. વિજય દેવરકોંડાએ ‘લાઇગર’ માં કામ કરીને પોતાની બોલિવૂડ કારકિર્દીને પ્રવેશ સાથે જ જોખમમાં મૂકી દીધી છે. રૂ.150 કરોડની ‘લાઇગર’ને પહેલા દિવસે રૂ.17 કરોડનું ઓપનિંગ મળ્યા પછી એ બકવાસ ફિલ્મ હોવાનો દર્શકોને ખ્યાલ આવતાં બીજા દિવસે આવક ઘટીને રૂ. 4 કરોડ થઇ ગઇ હતી. તેલુગુ વર્સનમાં જ સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. સ્ટારના નામ પર દર્શકો ફિલ્મ જોવા જરૂર જાય છે પણ એ વિષય અને રજૂઆતને ધ્યાનમાં રાખીને નક્કી કરે છે કે સારી છે કે નહીં?

નવાઇની વાત એ છે કે વિજયે બે દિવસમાં ફ્લોપ જાહેર કરાયેલી આ ફિલ્મમાં બોક્સર જેવી બોડી બનાવવા 2 વર્ષ આપ્યા હતા. માઇક ટાઇસન સાથેની ફાઇટના દ્રશ્યો માટે કોચ કુલદીપ શેઠીએ તેને ઘણી મહેનત કરાવી હતી. 2 વર્ષ પહેલાં નિર્દેશક જગન્નાથ પુરીએ કુલદીપને વિજયના પાત્ર વિશે માહિતી આપી તૈયારી કરાવવાનું કામ સોંપ્યું હતું. માઇક ટાઇસન સામે લડનાર વિજયની ફિલ્મ બોક્સ ઓફિસ પર હારી રહી છે. ફિલ્મ વિશે ઘણી નકારાત્મક વાતો આવી એ કારણે દર્શકોએ મોં ફેરવી લીધું છે એમાં સચ્ચાઇ છે.

આવી ફિલ્મો કોઇ કલાકારના નામ પર નહીં એ ખરાબ હોવાથી બોયકોટ થાય તો ખોટું ના કહેવાય. ફિલ્મને IMDB પર સૌથી ઓછું 10 માંથી 1.6 રેટિંગ મળ્યું છે. કેટલાક સમીક્ષકોએ તો ‘લાઇગર’ ને 5માંથી 1 પણ સ્ટાર આપ્યો નથી. સૌથી મોટો પ્રશ્ન એ થાય કે ‘અર્જુન રેડ્ડી’ જેવી સુપરહિટ ફિલ્મ આપનાર વિજય દેવરકોંડાએ બોલિવૂડમાં પ્રવેશ માટે સ્ક્રીપ્ટ બરાબર કેમ પસંદ કરી નહીં હોય? ઘીસીપીટી અને અજીબોગરીબ વાર્તાને કારણે વિજય દર્શકોને પ્રભાવિત કરી શક્યો નથી. વિજય પાસે સારી અભિનય પ્રતિભા છે ત્યારે એણે બોલિવૂડમાં પ્રવેશ માટે યોગ્ય ફિલ્મ પસંદ કરવાની જરૂર હતી. જગન્નાથ પુરીએ વિજય જેવા સુપરસ્ટારનો દુરુપયોગ કર્યો છે.

ફિલ્મ નવું કંઇ જ આપતી નથી. પહેલો ભાગ જોયા પછી બીજો ભાગ સારો હશે એવી આશા રાખનાર દર્શકને ખ્યાલ આવે છે કે ઇન્ટરવલ પહેલાંનો ભાગ જ એના કરતાં સારો હતો. બીજો ભાગ એટલો સામાન્ય અને ધીમી ગતિએ ચાલે છે કે કંટાળાજનક બની જાય છે. વિજય રાષ્ટ્રીય સ્પર્ધા જીતીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં લડવા માટે જાય છે એને વિશ્વસનીય રીતે રજૂ કરવામાં આવ્યું નથી. વિજયને હકલાતો બતાવ્યો છે એ પણ કોઇ ઠોસ કારણ વગર નકલી લાગે છે. એક મહત્ત્વાકાંક્ષી પુત્ર તરીકે જરૂરી અભિનય એ કરી શક્યો નથી. નિર્દેશકે રમ્યા ક્રિષ્નનને તેની માતાની ભૂમિકામાં હજુ ‘બાહુબલી’ ના પ્રભાવમાં જ રાખી છે. તે ઓવર એક્ટિંગનો શિકાર થઇ છે.

ચીસો પાડવાનું અને મોટી આંખો કરવા સિવાય કોઇ કામ કર્યું નથી. ઇમોશનનું ક્યાંય નામોનિશાન દેખાતું નથી. લાઇગર અને એની માતાને બનારસી બતાવવા છતાં નિર્દેશક બનારસપણું એમાં લાવી શક્યા નથી. પેન ઇન્ડિયા ફિલ્મ તરીકે ‘લાઇગર’ ને ઓળખાવવા જ બનારસ શહેરનું નામ જબરદસ્તી નાખવામાં આવ્યું હોય એવું લાગે છે. પુરી જગન્નાથની અગાઉની પોતાની જ તેલુગુ ફિલ્મની હિન્દી રીમેક ‘શર્ત : ધ ચેલેન્જ’ પછી અમિતાભ સાથેની ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ પણ નિરાશ કરી ગઇ હતી. હવે મોટા ઉપાડે નિર્દેશિત કરેલી ‘લાઇગર’ ના એક પણ દ્રશ્યમાં તે પ્રભાવિત કરી શકતા નથી. સમીક્ષકોએ એટલા નકારાત્મક પ્રતિભાવ આપ્યા છે કે નિર્દેશક માટે શરમની વાત ગણી શકાય.

વાર્તા પર વારંવાર ગીતોનો તડકો લગાવવાથી અસર ઊભી થતી નથી. નિર્માતા કરણ જોહરે ગીતોમાં ચમકાવવા જ અનન્યા પાંડેને પસંદ કરી હતી. તે સુંદરતામાં પણ હીરોઇન તરીકે શોભતી નથી પછી તેની પાસે અભિનયની શું અપેક્ષા રાખી શકાય? ગીતો સિવાયના બીજા દ્રશ્યોમાં એ જરા પણ છાપ છોડી શકતી નથી. તેને ફિલ્મની સૌથી નબળી કડી તરીકે ઓળખવામાં આવી છે. ‘વાટ લગા દેંગે’ જેવું ગીત કરનાર અનન્યાએ જ ફિલ્મની વાટ લગાવી દીધી છે. તેનું કામ વટ પડે એવું નથી અને આ પછી જો અનન્યાને નવી કોઇ ફિલ્મ મળશે તો એ નિર્માતાએ નુકસાન સહન કરવાની તૈયારી રાખવી પડશે. એના બોયકોટને કારણે નહીં નબળા અભિનયને જ કારણે એને લેવામાં જોખમ રહેશે. કૉચ તરીકે રોનિત રૉય પ્રભાવિત કરે છે. ફિલ્મના સંવાદ દમ વગરના જ નહીં ઊતરતી કક્ષાના છે. ગીતો વાર્તાનો ભાગ લાગતા નથી. માઇક ટાઇસનની હાજરી કોઇ અસર ઊભી કરી શકતી નથી. ફિલ્મનો કોઇ પણ તર્ક વગરનો બાલીશ અંત અચાનક જ લાવી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top