Columns

શિક્ષણમાં ક્રાંતિ તો આવી પણ શિક્ષણનો મર્મ હજુ સમજાયો હોય તેમ લાગતું નથી?

આજે શિક્ષણવિદ્ અને રાજનેતા સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે અને આપણા દેશમાં આ દિવસ ‘શિક્ષક દિવસ’ તરીકે ઉજવાય છે. સર્વપલ્લી રાધાકૃષ્ણન દેશના પ્રથમ ઉપ રાષ્ટ્રપતિ અને તે પછી રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે. ભારતરત્ન સહિત  દુનિયાના અતિપ્રતિષ્ઠિત ‘ઑર્ડર ઑફ મેરિટ’ જેવાં સન્માન તેમના નામ આગળ શોભે છે. આશ્ચર્ય થાય પણ તેઓનું સાહિત્ય અને શાંતિ સ્થાપવાની કેટેગરીમાં 27 વાર નોબલ પ્રાઇઝ માટે નોમિનેશન થયું હતું. આ અપ્રતિમ વ્યક્તિત્વનું સાહિત્યિક યોગદાન ઘણું છે. તેમણે ધર્મ, શિક્ષણ, સંસ્કૃતિ, વિજ્ઞાન, ફિલસૂફી અને જીવનલક્ષી સાહિત્યનું સર્જન કર્યુ. આ મહામૂલો વારસો આજેય આપણી પાસે ઉપલબ્ધ છે. આ વિચારો પ્રસ્તુતેય છે. જેમ કે, તેમણે ‘માનવીય વિકાસનો અર્થ’ એ મથાળેથી મોસ્કો યુનિવર્સિટીમાં 18 જૂન 1956ના રોજ એક વક્તવ્ય આપ્યું હતું.

આ વક્તવ્યમાં તેમણે શિક્ષણનો પાયાનો ખ્યાલ સમજાવ્યો છે. અહીં તેઓ રશિયામાં 1917ની ક્રાંતિ પછી શિક્ષણમાં આવેલાં પરિવર્તન પછીની સ્થિતિ વિશે કહે છે, “તે પછી અહીંયા[રશિયામાં] બાળકોની દેખરેખ, યુવાનોનું શિક્ષણ તથા કલાકાર, બુદ્ધિજીવી અને યુનિવર્સિટીઓનું વિશેષ રીતે ધ્યાન આપવામાં આવ્યું. અહીંના વિશાળ અને વૈજ્ઞાનિક સંસાધનોથી સમૃદ્ધ ઇમારતો સમાજના બૌદ્ધિક જીવનમાં રૂચિનો એક ખ્યાલ રજૂ કરે છે પરંતુ ખરેખર ઇમારતોથી યુનિવર્સિટીઓ નિર્માણ પામતી નથી. યુનિવર્સિટીઓનો આત્મા ત્યાંના અધ્યાપક, વિદ્યાર્થી અને તેમનો અભ્યાસ છે.

યુનિવર્સિટીઓ કોઈ પણ દેશના બૌદ્ધિક જીવનનું આશ્રયસ્થાન હોય છે.રાષ્ટ્રીય જીવનના સ્વસ્થ મૂળિયાં તમે પ્રજામાં જોઈ શકો છો. પ્રજા જ રાષ્ટ્રીય જાગ્રતિનો સ્ત્રોત છે. પ્રજા જ સમાજના ક્રાંતિકારી આંદોલનોની પૃષ્ઠભૂમિમાં રહેનારો આત્મા છે. તેથી જ્યારે શિક્ષણ આપવામાં આવે છે ત્યારે આપણે મૂળભૂત સિદ્ધાંતોને પ્રોત્સાહન આપીએ છીએ. શિક્ષણ મેળવેલા યુવાનો પોતાના વિચારોનો પ્રચાર કરશે અને પ્રચલિત બાબતોની ટીકા કરશે. આ યુનિવર્સિટીઓમાંથી ન માત્ર ડૉક્ટરો અને એન્જિનિયરો આવશે, બલકે એવાં પુરુષો-મહિલાઓ આવશે જેઓ સ્વતંત્ર રીતે વિચાર કરતાં હોય.

આવાં લોકો દરેક વાત પક્ષની દૃષ્ટિથી નહીં જુએ અને જો આ લોકોની કાર્ય કરવાની આઝાદીને ખતમ કરી દેવામાં આવશે તો આપણા માટે જ જોખમ ઊભું થશે. જો લોકોના બૌદ્ધિક ઉત્સાહમાં કમી આવે છે તો આપણી જ સભ્યતાનું ભાવિ અંધકારમય ભાસે છે.” સર્વપલ્લી રાધાકૃષ્ણનની આ વાતને આજના આપણા દેશમાં વ્યાપી રહેલા શિક્ષણ સાથે સરખાવીએ તો ખ્યાલ આવશે કે આપણે બિલકુલ વિપરીત દિશામાં જઈ રહ્યા છીએ. માત્ર ગુજરાતમાં યુનિવર્સિટીઓની સંખ્યા જોઈએ તો તે 50ની ઉપર થઈ ચૂકી છે પણ શિક્ષણનો મર્મ હજુ સમજાયો હોય તેમ લાગતું નથી.

ઉપર દર્શાવેલાં તેમના આ વિચારો ‘ભારત અને વિશ્વ’ નામના ગ્રંથમાં રજૂ થયા છે. આ ગ્રંથમાં ભારતના પરિપ્રેક્ષ્યમાં તેમણે અતિ મહત્ત્વની ચર્ચા કરી છે. જેમ કે, ‘ભારતીય ધાર્મિક વિચારધારા અને આધુનિક સભ્યતા’, ‘નવા ભારતની આકાંક્ષાઓ’, ‘લેખક અને વર્તમાન ગતિરોધ’, ‘સહઅસ્તિત્વ’, ‘વિશ્વસમાજની રચના’ જેવા અનેક વિષયોની ઊંડાણથી રજૂઆત તેમણે કરી છે. ‘માનવીય વિકાસનો અર્થ’ વક્તવ્યમાં તેઓ આગળ કહે છે : “ટેક્નિકલ કુશળતા અથવા તો જ્ઞાનવૃદ્ધિ તે માનવીય વિકાસથી તદન વેગળી બાબત છે.

માનવીય વિકાસનો અર્થ છે કે વ્યક્તિનો આંતરિક વિકાસ. આજનો માનવી સમૂહમાં ખોવાઈ ગયો છે. સમાજ જે કંઈ કહે છે અને સિનેમા, રેડિયો, ટેલિવિઝન, અખબારો વગેરેમાં પોતાના પ્રચાર સાધનો દ્વારા જે કંઈ કહેવામાં આવે છે તે જ તે માને છે. આપણી વિચારવાની પદ્ધતિ ઘણે અંશે યાંત્રિક થઈ ચૂકી છે. બૌદ્ધિકતા જોખમમાં છે અને સત્યને ગળે ટૂંપો દેવાઈ રહ્યો છે. મહાન પુસ્તકોથી, ગંભીર અધ્યયનથી સ્વતંત્ર વિચારનો વિકાસ થાય છે. મહાન વિચારો આપનારા મહાન ગ્રંથોના અભ્યાસથી આપણા અંતરાત્માનો વિકાસ થાય છે. આપણું શરીર આ દેશ અને આ યુગનું છે છતાં યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ તરીકે આપણે સૌ દેશોના અને તમામ યુગના છીએ.” શિક્ષણ સાથે સમાજની માનસિકતા કેવી રીતે ઘડાય છે અને તેમાં મીડિયાની ભૂમિકા કેટલી જવાબદારીભરી છે તે પણ અહીં રાધાકૃષ્ણને કહ્યું છે.

ધર્મ વિશે અહીં વક્તવ્યમાં જણાવેલા વિચારો પણ જાણવા યોગ્ય છે. જેમાં તેઓ કહે છે : “જે લોકો આધ્યાત્મિક કલ્યાણાર્થે ખૂબ ઉત્સાહિત થઈને ધર્મના પ્રચારનો આશ્રય લે છે તેઓ ધાર્મિક વાદવિવાદની અયોગ્ય રીત અપનાવે છે. ધર્મપરિવર્તન કરાવનારાઓ જે આત્માના ઉદ્ધારની વાત કરે છે તે ખરા ધર્મની ભાવના સાથે અનુકૂળ નથી. સોવિયત સંઘના લોકો ધાર્મિક કટ્ટરતાની વાત જાણે છે, જેનાથી યુરોપમાં ધર્મયુદ્ધો થયા અને તેમાં તે બરબાદ થયું. જે લોકો વિજ્ઞાનના વાતાવરણમાં ઉછર્યા છે અને આલોચનાત્મક દૃષ્ટિ રાખે છે તેઓ ધાર્મિક કટ્ટરતાને હંમેશાં આધ્યાત્મિક નબળાઈનું લક્ષણ ગણે છે.”

ધાર્મિક કટ્ટરતાની વાતો તેમણે અહીં ઉદાહરણ સાથે રજૂ કરી છે. તેઓએ કહ્યું છે : “આપણે ધર્માંધતાની બીમારીથી બચવું જોઈએ અને સાથે જ એક બુદ્ધિગમ્ય ધર્મની આવશ્યકતા સામે રાખવી જોઈએ. વર્તમાન મનુષ્ય આત્મનિર્ભર બની ચૂક્યો છે અને તે બુદ્ધિગમ્ય ધર્મની શક્તિને વિસરી ચૂક્યો છે. તેના પરિણામે માનવીમાં વિચારની ખામી જન્મી છે. આ માટે તેને બુદ્ધિપરક ધર્મની આવશ્યકતા છે. એવો ધર્મ વિજ્ઞાનની ભાવનાથી પ્રતિકૂળ નથી. ‘ધ વર્લ્ડ એઝ આઈ સી ઇટ’ નામના પુસ્તકમાં આઇનસ્ટાઇનને લખ્યું છે : ‘ધાર્મિક ભાવનાનું સ્વરૂપ એવું હોય છે કે તે પ્રાકૃતિક નિયમોનું એકત્વ જોઈને આશ્ચર્ય પામે છે અને તેના આનંદમાં મગ્ન થાય છે, તેને જ તે બુદ્ધિનું ઉચ્ચતમ શિખર માને છે. જેની સરખામણીએ વ્યક્તિના સમષ્ટ વિચાર અને વ્યવહાર બિલકુલ તુચ્છ લાગે છે. જ્યાં સુધી તે પોતાની જાતને સ્વાર્થી ઇચ્છાઓથી વેગળી રાખવામાં સમર્થ હોય છે ત્યાં સુધી તેને એ ભાવના જીવનના ખરા માર્ગે દોરી લઈ જાય છે. આ ધાર્મિક ભાવના અવ્યાખ્યિત છે.’’

આગળ તેમણે યુનિવર્સિટીઓમાં કેવા પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ તે વિશે કહ્યું છે. આ રજૂઆત કંઈ આવી છે : “યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને અજ્ઞાન, અન્યાય, ઉત્પીડન અને ભયના વિરુદ્ધ સંઘર્ષ કરવાનું શિક્ષણ મળવું જોઈએ. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા અને રશિયામાં જે મહાન ક્રાંતિ થઈ તે પ્રગતિના માર્ગે જવાનું એક મુખ્ય સીમાચિહ્ન આવું શિક્ષણ છે. તમામ અન્યાયો વિરુદ્ધ પોકારેલા આ બંડનો અવાજ દુનિયાભરમાં સંભળાયો અને તેનાથી લોકોના મસ્તિષ્કમાં હલચલ જન્મી.

આ બધી બાબતનો આધાર એ છે કે વ્યક્તિ સર્વોપરી છે અને તેના વિશ્વાસ મુજબ તેને વિચારવાની અને બોલવાની આઝાદી હોવી જોઈએ. કાયદાની દૃષ્ટિએ સૌ એકસરીખા હોવા જોઈએ. દુનિયામાં અને ખાસ કરીને એશિયા, આફ્રિકામાં એવા વિશાળ પ્રદેશ છે જ્યાં આ સમાનતાવાદી સિદ્ધાંતોને માનવામાં નથી આવતા.” આજનું આપણું શિક્ષણ આપણને અન્યાય, અજ્ઞાન કે ઉત્પીડન સામે સંઘર્ષ કરાવતા નથી શીખવતું. જ્યાં સુધી કોઈ બાબત-ઘટનાનું સમગ્ર ચિત્ર ન મળે ત્યાં સુધી વ્યક્તિ સંઘર્ષ કરવા અર્થે તૈયાર થઈ શકતો નથી, જેમ કે હાલમાં બન્યું છે જેમાં ‘NCERT’ના પુસ્તકોમાંથી કેટલાંક પ્રકરણો કાઢી નાંખવામાં આવ્યા છે. શિક્ષણ આપવામાં જો આટલી સંકુચિત દૃષ્ટિ શાસકો રાખે તો તેનું પરિણામ ભવિષ્યમાં ભોગવવું જ રહ્યું.

સર્વપલ્લી રાધાકૃષ્ણન અંતે જે કહે છે તે : “જ્યાં જાતીય સહિષ્ણુતા પુનર્જીવિત કરવાની હશે તો શિક્ષણ સંસ્થાઓને નવી રીતે શિક્ષણ આપવાનું કાર્ય કરવું પડશે. સાથે રહીને, કામ કરીને જ આપણે એકબીજાને સમજી શકીએ અને એ રીતે જ આપણી ભાવના અને કલ્પનાની ખાઈને મિટાવી શકીએ. એકબીજાને ન જાણીને એકબીજાથી આપણે ડરીએ છીએ. આ દેશ માટે ઔદ્યોગિક વિકાસ અને સામાજિક પ્રગતિ માટે એન્જિનિયરો, ડૉક્ટરો અને અધ્યાપકોની જેમ જરૂરિયાત છે તેમ એવા લોકોની પણ આવશ્યકતા છે.

જેઓ સ્વતંત્ર રીતે વિચાર કરવા સમર્થ હોય….દુર્ભાગ્યવશ આપણી શિક્ષણ સંસ્થાઓ વ્યક્તિની અંદર રહેલા પશુને પોષે છે, તેની બુદ્ધિને શિક્ષિત કરીએ છીએ પણ તેના આત્મા પર ધ્યાન આપતા નથી. આપણે રેડિયો સાંભળીએ, સિનેમા જોઈએ, ટેલિવિઝન જોઈએ, અખબાર વાંચીએ અને તેને જ ગ્રહણ કરીને તેના એવાં પ્રતિબિંબિત દર્પણ જેવાં બની ગયા છીએ. આપણે અંદરથી નબળા થઈ ચૂક્યા છીએ અને નકામી વાતોને, ઓટોમોડ પર હોય તેવી ક્રિયાઓના વહેણમાં વહી જઈએ છીએ. જીવનનો કોઈ ઉદ્દેશ કે સાર્થકતા આપણને નથી દેખાતી.” આવી અનેક વાતો સર્વપલ્લી રાધાકૃષ્ણને કહી છે જે તેમના જન્મદિવસની ઉજવણીમાં વિસરાવી ન જોઈએ.

Most Popular

To Top