Dakshin Gujarat

બાઈક ઝાડ સાથે અથડાતાં ધરમપુરના યુવાનનું મોત, સંજાણમાં ટેમ્પો અડફેટે બાઈક ચાલકે જીવ ગુમાવ્યો

ધરમપુર: (Dharampur) ધરમપુર તાલુકામાં બોપી ગામના બરડા ફળીયાના વાપી કંપનીમાં નોકરી કરતા અજય બેંડુભાઇ દુંદા રવિવારે તેના મિત્રને મળવા માટે તેની મો.નં GJ-15-DG-3081 લઇને આવધા ગયો હતો. અને ત્યાંથી પરત ઘરે બોપી ગામે આવી રહ્યો હતો. તે સમયે રાત્રે હનમત માળ મોહપાડા ફળીયા પાસે સ્ટિયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડની બાજુમાં આવેલા એક ઝાડ (Tree) સાથે મોટરસાયકલ (Motorcycle) અથડાતા અજયને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. આ બાબતે રાજેશભાઇ બેંડુભાઇ દુંદાએ ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સંજાણમાં ટેમ્પો અડફેટે બાઈક ચાલક યુવાનનું મોત
ઉમરગામ : સંજાણમાં ટેમ્પો અડફેટે બાઈક ચાલક યુવાનનું કરુણ મોત નિપજવાનો બનાવ બનતા પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે. પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ બપોરના સમયે સંજાણ બંદર પ્રાઇમરી સ્કૂલ પાસે રોડ ઉપર એક આઈસર ટેમ્પોના ચાલકે મોટર સાયકલને અડફેટે લેતા થયેલા અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ભાવેશ વારલી (ઉંમર વર્ષ ૨૭ રહે પુનાટ ગામ ઉમરગામ)નું કરૂણ મોત નીપજવા પામ્યું હતું. આ બનાવની ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ગણદેવી એંધલ ગામ પાસે રસ્તો ક્રોસ કરતા શ્રમજીવીનું કાર અડફેટે મોત
ગણદેવી : ગણદેવી તાલુકાના એંધલ ગામની સીમમાં ફોરેસ્ટ ઓફીસ સામે ને.હા. નં. 48 પર બેફામ દોડતી ઇકો કાર અડફેટમાં રસ્તો ક્રોસ કરતા શ્રમજીવીનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતુ. ગણદેવી તાલુકાના એંધલ ગામે પહાડ ફળિયામાં રહેતા ભાણાભાઈ બાલુભાઈ હળપતિ (ઉ.વ. 38) ત્રણ સંતાનોના પિતા હતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા.

ગતરોજ રાત્રે તેઓ એંધલ ગામના પાટિયા પાસે ને.હા. નં. 48 પર ફોરેસ્ટ ઓફીસ સામે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે એક મારૂતિ ઇકો કાર (નં. જીજે-23-સીઈ-5101) ના ડ્રાઈવર તુષાર કાંતિભાઈ પટેલ (રહે, ગાર્ડન વેલી ઓમ નગર ડિંડોલી સુરત) એ પોતાની કાર પુરપાટ ઝડપે બેફામ હંકારી લાવી રસ્તો ક્રોસ કરતા ભાણાભાઈને અડફેટમાં લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે ગણદેવી પોલીસમાં સુનિલ ઠાકોરભાઈ હળપતિએ પોતાના બનેવીના મોત અંગે અકસ્માત સર્જનાર તુષાર પટેલ વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઈ. એસ.વી. આહીર કરી રહ્યા છે.

Most Popular

To Top