Vadodara

ધ્વસ્ત મંદિરોના પુન: નિર્માણ કરાતાં હિન્દુ સંગઠનોને પોલીસે ઝડપી પાડ્યા

વડોદરા : વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ ઉપર સૌથી લાંબા નિર્માણધીન ઓવરબ્રિજમાં નડતરરૂપ મંદિરો પર મધરાતે બુલડોઝર ફેરવી દેવાતા લોકોની લાગણી દુભાઈ છે.ત્યારે રાજકીય પક્ષો અને અનેક સંસ્થાઓ મેદાનમાં ઉતરી આવ્યા છે.અને પાલિકા દ્વારા દૂર કરાયેલા ધાર્મિક સ્થળના નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જ્યારે ગોત્રી પોલીસે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસની અટકાયત કરી હતી.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેંડા સર્કલથી અક્ષર ચોક સુધી અંદાજિત 300 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ બ્રિજના નિર્માણમાં અવરોધરૂપ બનતા અન્ય દબાણો પર પાલિકા બુલડોઝર ફેરવી દબાણોનો સફાયો બોલાવી રહી છે. ત્યારે ધાર્મિક સ્થાનોને પણ બાકાત રખાયા નથી.જાડી ચામડીના તંત્રએ રાતોરાત દિવાળીપુરા ચાર રસ્તા પાસેના ભાથુજી મહારાજ અને બળિયાદેવના મંદિર પર બુલડોઝર ફેરવી પાલિકાએ બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું.આ ધાર્મિક સ્થળ તોડી પાડવામાં આવતા લોકોની ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ હતી. જેની શહેરીજનોની સાથે સાથે રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

દૂર કરાયેલા આ ધાર્મિક સ્થળ પાસે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી ની આગેવાની હેઠળ વિપક્ષી નેતા અમીબેન રાવત ,સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના કાઉન્સીલરો અને કાર્યકરો તેમજ ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે સ્થળ પર આવી પહોંચી પાલિકા વિરૂધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી દૂર કરાયેલા ધાર્મિક સ્થાનના પુનઃ નિર્માણનું બીડું ઝડપ્યું છે. આ નિર્માણ કરવામાં આવેલ સ્થળને ટેમ્પલ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું છે.કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે મંદિરના પુનઃ નિર્માણની પ્રક્રિયા હાથ ધરતા ગોત્રી પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી.

નોંધનીય છે કે વડોદરા મહાનગર પાલિકાના ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ રાત્રિના અંધારામાં ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધીના ઓવરબ્રિજ નીચે આવેલ મંદિરો તોડી પાડ્યા હતા.બ્રિજમાં નડતરરૂપ હોવાનું તેમજ ટ્રાફિકના બહાના હેઠળ મંદિરોને ધ્વંસ કરતા ભક્તોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે આ પહેલા પણ હિન્દુત્વવાદી ભાજપના શાસકોએ બ્રિજની કામગીરી ની આડમાં જીઈબી પાસે આવેલા હનુમાનજી મંદિરના હટાવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે તેનો વિરોધ થતાં કામગીરી મુલત્વી રાખવાની ફરજ પડી હતી.

ભાજપાના કાર્યકરો હિંદુ નથી એ તો માત્ર પક્ષના છે
ભારતીય જનતા પાર્ટીના 10 જેટલા કોર્પોરેટરો અને હોદ્દેદારો સાથે ફોન પર વાત થઈ હતી.મંદિર બાબત મોટાભાગના દરેકનું કહેવુ એવું હતું કે આ વિષય ખોટો છે,આ ખોટું થયું છે. ત્યારે મેં કીધું કે તમે કેમ બોલતા નથી. ત્યારે તેઓએ જણાવ્યું કે અમે ભાજપમાં છે,અમારાથી કેવી રીતે બોલાય ફરી પછી મેં કીધું કે શું તમે હિંદુ નથી.તો તેઓએ કીધું કે ગુરુજી તમે સમજો અમે ભાજપમાં છે એટલે એના પરથી એવું સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો હિંદુ નથી એ લોકો ભાજપના છે.આ રાષ્ટ્ર માટે કે દેશ માટે કે ધર્મ માટે આ ખોટી વાત છે કારણ કે પક્ષ કરતા ધર્મ મોટો છે અને ધર્મ કરતાં રાષ્ટ્ર મોટું છે. – પ.પૂ.1008 શ્રી ડો.જ્યોતીનાર્થજી

ત્રણે મૂર્તિઓને જે તે મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે
બળીયાદેવની મુર્તિ હતી તે સલાટવાડા માં આવેલ બળિયાદેવના મંદિર માં અને હનુમાનજીની મુર્તિ હતી.તે ગોરવા ગામ ગેટ ની સામે હનુમાનજીના મંદિરમાં આપવામાં આવી છે.અને ભાથીજી મહારાજની મુર્તિ હતી તે અકોટા મેહુલ સોસાયટીની બાજુમાં આવેલા ભાથીજી મહારાજનું મંદિર છે.તેમાં આપવામાં આવી છે.ત્યાં પૂજા અર્ચના થશે અને લોકો દર્શન પણ કરી શકશે અને નાગરિકોની લાગણી દુભાઈ નહીં તે માટે મેયરની સૂચના અનુસાર આ કામગીરી કરવામાં આવી છે. કોઈ મૂર્તિ ખંડિત થઈ નથી તમામ મૂર્તિઓ વ્યવસ્થિત છે અને જે તે મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. – સુરેશ તુવેર, એ.એમ.સી.

મેયર અને મ્યુ.કમિ.ના ઈશારે મંદિર તોડવામાં આવ્યું છે
ભારતીય જનતા પાર્ટી દ્વારા હિંદુઓની ધાર્મિક લાગણી સાથે જે ચેડાં કરવામાં આવ્યા છે એને વડોદરા કોંગ્રેસ સખત શબ્દો માં વખોડે છે.મુહ મેં રામ બગલમે છૂરી,ભાજપકી હૈ નિયત બુરી એમ અત્યારે વડોદરાની પ્રજા અનુભવી રહી છે.જયારે ચૂંટણી આવે ત્યારે હિન્દુત્વની વાતો કરવાની, ભગવાન રામની વાતો કરવાની,પરંતુ એજ ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીની મૂર્તિ તોડતી વખતે ભાજપના વડોદરાના મેયર તથા કોર્પોરેશનના કમિશનરના હાથ કેમ ના ધ્રુજયા ? કેમ આ ઘટના રોકી ના શકાઈ ? મેયર અને મ્યુ.કમિ.ના ઈશારે જ આ મંદિર તોડવામાં આવ્યું છે.આ તમામ તોડફોડની ઘટના મંદિરના વર્ષો જુના સેવા આપતા પૂજારીની કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર અથવા જાણ કાર્ય વગર હાથ ધરવામાં આવી હતી.આ મંદિર અડધી રાત્રે તોડવામાં કેમ આવ્યું એ એક મોટો સવાલ છે.અડધી રાત્રે તો ગુનેગારો નીકળે,ચોર ચોરી કરવા નીકળે,ત્યારે આવા સમય પાર કોર્પોરેશન કેમ મંદિર તોડવા નીકળ્યું? આ તમામ ઘટનાને સાખીના લેવાય અને કોંગ્રેસ એનો સખત શબ્દોમાં વખોડે છે. – ઋત્વિજ જોશી, પ્રમુખ,કોંગ્રેસ

કરણી સેના દ્વારા ઈ-મેઈલથી પોલીસ કમિશનરને ફરિયાદ
કરણી સેનાના ગુજરાત પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા મેયર તેમજ જવાબદાર અધિકારીઓ ઉપર ધર્મ સંબંધી ગુના હેઠળ કાયદેસરના પગલાં લેવામાં આવે તેમજ કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવી સમાજ રાજ્ય તેમજ રાષ્ટ્રિની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હોવાથી રાષ્ટ્રદ્રોહની કલમ ઉમેરી કાયદેસરના પગલાં લેવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનરને ઈ-મેલના માધ્યમથી કાયદેસરની ફરિયાદ કરાઇ છે.

દેશમાં મંદિર તોડી પડાય તો રાજકીય સ્ટંટ બનાવાય છે
ભારતીય જનતા પાર્ટી એક બાજુ મંદિરના નામે વોટ માંગે,મંદિરના નામે હિન્દુત્વના નામે રાજનીતિ કરે અને વર્ષોથી હિન્દુત્વના નામે સરકાર માં આવે છે.એમની સરકાર આવ્યા પછી રાતોરાત તમામ મંદિરો તોડવાની વાત તેના પરથી દેખાય છે.જ્યારે કોઈ અન્ય રાજ્યમાં મંદિર તોડવામાં આવે તો આખા દેશમાં એની વાતો કરીને વખોડવામાં આવે અને જ્યારે વડોદરામાં આ રીતનું કૃત્ય કરે તો અડધી રાત્રે ચોરી છૂપી રીતે આવી રીતે મંદિર તોડવામાં આવે.જ્યાં હજારો લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે એમને વિશ્વાસમાં લીધા વગર મૂર્તિઓની અન્ય જગ્યાએ પ્રાણપ્રતિષ્ઠા કર્યા વગર મૂર્તિ કાઢી લેવામાં આવી છે.ખંડિત પણ કરી છે. જેથી મેયર તમામ ભક્તોની માફી માંગે અને આ મંદિરોને ફરી કોર્પોરેશન સ્વખર્ચે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી ભક્તો ને ન્યાય આપે. – અમીબેન રાવત, વિપક્ષી નેતા

મૂર્તિઓ અજ્ઞાત સ્થળે મૂકી દેવાઈ
મંદિરમાં હનુમાનજી ભાથુજી મહારાજની મૂર્તિ સાથે સાથે ભગવાન શ્રી રામ, સીતામાતા, લક્ષ્મણજી અને ભગવાન ગણેશજી ની પણ મૂર્તિ હતી, જે તમામ ખંડિત થઇ હતી અને મૂર્તિ કોર્પોરેશન ના અધિકારીઓ હિન્દુ વિધિ અનુસરી અન્ય મંદિરમાં સ્થાપિત કરવાની જગ્યાએ કોઈ અજ્ઞાત જગ્યા એ મુકેલ છે.           – મહારાજ ભીખાભાઇ બારીયા

અધર્મીઓને ધર્મની દિશા બતાવવા લડત ચલાવવામાં આવશે
સત્તાના નશામાં શાસકો ભૂલી ગયા છે કે જે સત્તા આપી શકે છે તે છીનવી પણ શકે છે.ભાજપના શાસનમાં માત્ર ગરીબ પ્રજાને પરેશાન કરવામાં આવે છે.જ્યારે માલેતુજારો સામે આંખ આડા કાન કરે છે.અધર્મીઓને ધર્મની દિશા બતાવવા લડત ચલાવાશે. –  ચંદ્રકાંત શ્રીવાસ્ત, પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર

માત્ર વોટબેંક માટે કહેવાતી હિન્દુવાદી પાર્ટી બીજેપી આજે હિન્દુ સમાજની વચ્ચે ખુલ્લી પડી છે
રાતોરાત અંધારાનો લાભ લઇ વડોદરા મહાનગર પાલિકા દ્વારા મંદિરો તોડી નાખવામાં આવ્યા છે.જેનાથી હિન્દુ સમાજ, સનાતની હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી ભભૂકી ઉઠી છે. જ્યારે હિન્દુત્વની વાતો કરીને કહેવાતી હિન્દુવાદી પાર્ટી બીજેપી હિન્દુઓને વોટબેંક સમજી ગઈ છે.ત્યારે માત્ર વોટબેંક માટે કહેવાતી હિન્દુવાદી પાર્ટી બીજેપી આજે હિન્દુ સમાજની વચ્ચે ખુલ્લી પડી છે.શહેરમાં પહેલાં પણ અનેક હિન્દુ મંદિરો તોડવામાં આવ્યા. અખિલ ભારત હિન્દુ મહાસભા પૂછી રહી છે.કે હિન્દુ ધર્મના મંદિર સિવાય અન્ય ધર્મના ધાર્મિક સ્થળોને તોડવાની હિંમત ભાજપાના શાસકોમાં કેમ નથી જે મંદિરો તોડવામાં આવ્યા છે.તેને હિન્દુ સમાજ વખોડી નાખે છે.આ મંદિરોને ફરીથી નિર્માણ કરી આપવામાં આવે તેવી અમારી માંગ છે.
– સન્નીકુમાર કનોજીયા, અખિલ ભારત હિન્દુ મહાસભા

Most Popular

To Top