Vadodara

આટલું ખસીકરણ થયું છતાં પણ કુતરાંની વસ્તી હજુ વધે છે : કોંગ્રેસ

વડોદરા: હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ/ઇન્ડિયા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે મળીને શહેરના કૂતરાઓની ૮૬ ટકા વસ્તીને ખસીકરણ કર્યું છે. વડોદરા કોર્પોરેશનનો સ્ટ્રીટ ડોગ મેનેજમેન્ટ પ્રોગ્રામ આ સંસ્થાને કોર્પોરેશને આપ્યો છે. વર્, ૨૦૧૭થી સમગ્ર શહેરમાં અંદાજે ૪૪,૦૦૦ શેરી કૂતરાઓને ખસીકરણ અને હડકવાની રસી આપવા સાથે મળીને કામગીરી કરાઇ છે. અંદાજિત ૭૫ મિલિયન કૂતરા સમગ્ર ભારતમાં શેરીઓમાં રહે છે, જેમાં મોટાભાગના ગલુડિયાઓ ૧૨ મહિનાની ઉંમરે પહોંચતા પહેલા જ મૃત્યુ પામે છે. પશુચિકિત્સા સંભાળના અભાવથી, શ્વાન હડકવા અને અન્ય રોગોથી પણ કૂતરાના મરણ થાય છે.

૨૦૧૪માં એક અંદાજ મુજબ વડોદરામાં ૧૭ ટકા શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. એ પછી ૨૩,૬૯૬ કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. જો કે વડોદરામાં કૂતરાઓના ખસીકરણમાં ૮૬ ટકાની પ્રાપ્તિ કરી છે, પરંતુ કૂતરા કરડવાના બનાવોમાં સતત વધારો થવાથી લોકો પણ ભયભીત રહે છે, એમ જણાવી વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે જો આટલુ ખસીકરણ થઇ ગયું હોય તો પણ કૂતરાઓની વસ્તી શહેરમાં વધતી જ રહી છે. કૂતરા કરડવાનું પ્રમાણ વધી ગયું છે. શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ જરા પણ ઓછો થયો નથી. રાત્રે રોડ પર પસાર થતા ટુવ્હીલરના ચાલકો પાછળ કૂતરા દોટ મૂકે છે અને વાહનચાલકો ગભરાઇને નીચે પટકાય છે.

Most Popular

To Top