Gujarat

દેશમાં લોકતંત્ર ખતરામાં છે, દેશ કઈ દિશામાં જાય છે કોઈને ખબર નથી – કોંગ્રેસ

અમદાવાદ: દેશમાં લોકતંત્ર (Democracy) ખતરામાં છે. દેશ કઈ દિશામાં જાય છે કોઈને ખબર નથી. જે દેશવાસીઓ માટે ચિંતાનો વિષય છે. સરકારની આલોચના કરતા લોકોને દેશદ્રોહી (traitor) બતાવવામાં આવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ લંડનમાં જે બોલ્યા એ અહીં ઘણી વખત બોલ્યા છે. આજે દેશમાં સરકારની ટીકા કરનારા જેલમાં જઈ રહ્યા છે. મોદી સરકાર અને ભાજપે લોકતંત્ર અને કાયદો અને વ્યવસ્થાની ધજ્જિયાં ઉડાવી દીધી છે. દેશના ઇતિહાસમાં આ પહેલી એવી સરકાર આવી છે કે, જેણે ગૃહમંત્રાલય, ઇડી, સીબીઆઇ, ઇન્કમટેક્સ, ચૂંટણી પંચ સહિત તમામ એજન્સીઓનો દૂરપયોગ કરી લોકતંત્ર ખતમ કરી નાંખ્યું છે. ભાજપે લોકતંત્રની હત્યા કરી નાંખી છે, તેથી હવે પ્રજાને જનઆંદોલનમાં જોડવાનો સમય આવી ગયો છે, તેવું કોગ્રેસના સિનીયર નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતએ જણાવ્યું હતુ.

અમદાવાદ પ્રદેશ કોગ્રેસ કાર્યાલય ખાતે અશોક ગેહલોતએ વધુમાં કહ્યું હતુ કે રાહુલ ગાંધીને કેમ નિશાન બનાવાયા કારણ કે, તેમણે સંસદમાં અદાણી વિશે પ્રશ્નો પૂછયા અને જવાબ માંગ્યો કે, મોદી અને અદાણી વચ્ચે શું સંબધો છે..? અદાણીમાં રોકાણ થયેલા રૂ.૨૦ હજાર કરોડ કોના છે…? જો વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર સાચા હોય તો તેમણે સંસદમાં જવાબ આપવો જોઇને ને.. કેમ જવાબ આપ્યો નથી. હજુ સુધી દેશની આઝાદી બાદના ઇતિહાસની પરંપરા ખુદ શાસક પક્ષ દ્વારા જ તોડવામાં આવી રહી છે અને સત્તાધારી પક્ષ પોતે જ સંસદની કાર્યવાહી ચાલવા નથી દેતો અને આરોપ વિપક્ષ પર મૂકે છે. સંસદમાં મોદી સરકારે રાહુલ ગાંધીને બોલવા પણ નથી દીધા, તેમનું માઇક મ્યુટ કરી દેવાતુ હતુ. તેમનું સંસદસભ્ય પદ છીનવી મોદી સરકાર કે ભાજપ રાહુલ ગાંધીને ડરાવી શકવાના નથી.

મોદી સરકારના શાસનમાં વિપક્ષને પ્રશ્નો પૂછવાનો પણ અધિકાર નથી. બેરોજગારી, મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ પર વિપક્ષ બોલે કે કોઇ અવાજ ઉઠાવે તો તેને જેલમાં બંધ કરાય છે. દેશના ઇતિહાસમાં આ પહેલી એવી સરકાર આવી છે કે, જેણે ગૃહમંત્રાલય, ઇડી, સીબીઆઇ, ઇન્કમટેક્સ, ચૂંટણી પંચ સહિત તમામ એજન્સીઓનો દૂરપયોગ કરી લોકતંત્ર ખતમ કરી નાંખ્યું છે.

અશોક ગેહલોતએ વધુમાં કહ્યું હતુ કે ભાજપ દેશને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. ભાજપ ઓબીસીનું અપમાન કરે છે, હું ઓબીસી સમાજમાંથી આવું છું, મારા સમાજમાંથી હું એક જ ધારાસભ્ય છું, હું ત્રણ વાર મુખ્યમંત્રી બન્યો છું આ જ દર્શાવે છે કે કોંગ્રેસ પક્ષે ઓબીસી સમાજનું માન-સન્માન જાળવ્યુ છે.પ્રધાનમંત્રી પોતે ઓબીસીનું અપમાન કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ સાથે દેશની ૧૯ પાર્ટીઓએ મળીને કહ્યું કે ભાજપ જે રીતે સંવૈધાનિક સંસ્થાઓને ખતમ કરી રહી છે તે દેશ માટે સંકટ છે. આ દેશ સામે મોટો પડકાર છે. તમામ ધર્મ, કોમ, પ્રાંતના લોકો પ્રેમ-ભાઈચારાથી આ દેશનું સિંચન કર્યું છે. ભારતને સાચા અર્થમાં આગળ વધારવા માટે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી એક મહિના સુધી ‘સંકલ્પ સત્યાગ્રહ’ થકી દેશના તમામ જિલ્લા, તાલુકા, બ્લોક સુધી લોકતંત્રને બચાવવા, ભાજપના તાનાશાહી- ભ્રષ્ટાચારી નીતિ અને અદાણી સ્કેમને લોકો વચ્ચે ઉજાગર કરવા માટે જનસંપર્ક-જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કર્યું છે.

અદાણી અને મોદી સરકાર વિરૃધ્ધના ગંભીર આક્ષેપો અને વિપક્ષની ઉગ્ર માંગ છતાં સરકાર કેમ આ મામલે જેપીસી ગઠન કરતી નથી અને તપાસ સોંપતી નથી..? કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો ઉઠાવી રહી છે તો પણ ઉલ્ટાનું ચોર કોટવાળને દંડે એ રીતે ભાજપ અને મોદી સરકાર ખોટા નિવેદનો અને ભ્રામક જાહેરાતો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે પરંતુ દેશની જનતા બહુ સમજું છે. તે બધુ સારી રીતે જાણે છે.

Most Popular

To Top