Dakshin Gujarat

મેકડોનાલ્ડ્સની ફ્રેન્યાઈઝી લેવાના ચક્કરમાં બારડોલીના બિલ્ડર કફોડી સ્થિતિમાં મુકાયા

બારડોલી: બારડોલીના બિલ્ડરને મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઈઝી લેવાનું ચક્કર મોંઘુ પડ્યું છે. આ બિલ્ડરે અજાણ્યા પર વિશ્વાસ કરીને ફ્રેન્ચાઈઝી લેવાની પ્રોસેસ કરી રૂપિયા ટ્રાન્સફર કર્યા પરંતુ બાદમાં એવું થયું કે બિલ્ડર કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા. ખરેખર વાત એમ છે કે મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઈઝી અપાવવાના નામે બારડોલીના બિલ્ડર પાસેથી ઠગ ટોળકીએ 47.20 લાખ રૂપિયા પડાવી લીધા છે. બિલ્ડરે બેન્કના ખાતાધારક સહિત બે જણા સામે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધાતાં ચકચાર મચી ગઈ છે.

  • મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝી અપાવવાના નામે બારડોલીના બિલ્ડર સાથે 47.20 લાખની છેતરપિંડી
  • તરુણ જૈસ્વાલ અને પંજાબ નેશનલ બેન્કના ખાતાધારક વિરુદ્ધ ફરિયાદ

પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીની સૌરભ સોસાયટીમાં રહેતા હિરેનભાઈ છગનલાલ રોહિત બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત ફેબ્રુઆરી માસમાં તરુણ જૈસ્વાલ નામના શખ્સે ફોન પર મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝીની લોભામણી જાહેરાતો કરી હતી. જેના પર વિશ્વાસ કરી હિરેનભાઈએ મેકડોનાલ્ડસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની ફ્રેન્ચાઇઝી લેવામાં રસ દાખવ્યો હતો.

તરુણે હિરેનભાઈને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી ઇ-મેઇલ મારફતે વિવિધ પ્રકારના દસ્તાવેજો મંગાવ્યા હતા અને રજિસ્ટ્રેશન તેમજ અન્ય પ્રોસેસિંગ ફી પેટે એનઇએફટી મારફતે અલગ અલગ સમયે પંજાબ નેશનલ બેન્કના ખાતામાં રકમ જમા કરાવડાવી હતી. કુલ 47 લાખ 20 હજાર રૂપિયા જેટલી જંગી રકમ જમા કરાવ્યા બાદ તરુણનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો.

પોતે છેતરાયા હોવાની જાણ થતાં હિરેનભાઇએ તાત્કાલિક સાઇબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, પોલીસે હિરેનભાઈની ફરિયાદના આધારે તરુણ જૈસ્વાલ અને પંજાબ નેશનલ બેન્કના ખાતાધારક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને તાપી જિલ્લાના વ્યારામાં પણ એક યુવક પાસે મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝી અપાવવાના નામે રૂ. 61 લાખ રૂપિયા ઠગ ટોળકીએ પડાવી લીધા હતા. જે અંગે પણ સાઇબર પોલીસમાં ગુનો નોંધાયો હતો.

તિથલ રોડની મોટી બ્રાન્ડની દુકાનો લાયસન્સ લેતી નથી
વલસાડ : વલસાડની મોટી બ્રાન્ડની દુકાનો પણ લાયસન્સ રિન્યુ નહીં કરાવી વેરો ભરતી જ નહીં હોવાનું બહાર આવ્યું છે. જેમાં વલસાડની તિથલ રોડની જેડ બ્લ્યુ, લેન્સ કાર્ટ, સ્કેચર્સ, ફસ્ટ ક્રાય તેમજ સ્પાયકર જેવા બ્રાન્ડની દુકાનદારોએ લાયસન્સ રિન્યુ કરાવ્યું નહીં હોવાનું પાલિકાના ચેકિંગમાં બહાર આવ્યું હતુ. જેના પગલે પાલિકાએ તમામ દુકાનોને તાળા મારી દીધા હતા. તેમજ બાકીદારો પાસેથી રૂ. 16 લાખના વેરાની વસૂલાત પણ કરી હતી.

વલસાડ નગરપાલિકાના ઇન્ટરનલ ઓડિટર કમલેશભાઇ ભંડારી, ટેક્સ સુપ્રિટેન્ડન્ટ રમણભાઇ રાઠોડ અને હાઉસ ટેક્સ વિભાગના પ્રવિણભાઇ ચાસિયાએ આજરોજ તિથલ રોડ પર ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં તેમણે લાયસન્સ રિન્યુ નહીં કરાવી વેરો નહી ભરનારી કેમ્પસ, જેડ બ્લ્યુ, સ્પાયકર્સ, વુડલેન્ડ, સ્કેચર્સ, બ્લ્યુ બુઢ્ઢા, ફસ્ટ ક્રાય,બડીઝ વડાપાઉ, હેલો મોબાઇલ, રાજા વડાપાઉ, રાજેશ નોવેલ્ટીઝ, હનિફા કલેક્શન, હાડિયા કલેક્શન, લેન્સ કાર્ટ, સોના, શિવ શક્તિ ચાઇનીઝ, રાધિકા પાનની દુકાનનોને તાળા માર્યા હતા. જેના પગલે દુકાનદારોમાં ચહલ પહલ મચી ગઇ હતી. આ સાથે પાલિકાની ટીમે હાથ ધરેલી વેરા વસુલાતમાં તેમણે રૂ. 16 લાખના વેરાની રિકવરી પણ કરી હતી.

Most Popular

To Top