Dakshin Gujarat

હત્યારો તકિયાથી મોંઢું દબાવી વહુની હત્યા કરતો હતો ત્યારે સસરાએ પગ પકડી રાખ્યા, વ્યારાની ઘટના

સુરત: વ્યારામાં આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કરનાર દીકરાનાં માતા-પિતાએ પોતાનાં સંબંધી પાસે ૨ લાખની સોપારી આપી પુત્રવધૂની હત્યા કરાવી હતી. આંતરજ્ઞાતિય લગ્ન, ઘરકંકાસ અને સાસુ-સસરા-પુત્રવધૂ વચ્ચે વારંવાર થતો ઝઘડો હત્યાનો મૂળ કારણ બન્યો હતો. પુત્રવધૂની હત્યા સાસુ-સસરાનાં સંબંધીએ તકિયાથી મોં દબાવીને કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

  • વ્યારામાં સાસુ-સસરાએ ૨ લાખની સોપારી આપી પુત્રવધૂની સંબંધી પાસે હત્યા કરાવી હતી
  • સંબંધીએ તકિયાથી મોં દબાવીને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું

સમગ્ર ચકચારી હત્યાના પ્રકરણમાં અંજલિનાં સાસુ સુનંદા કોળી અને સસરા સંભાજી કોળી તેમજ સંબંધી હીરાલાલ ઉર્ફે અન્ના અભિમન્યુ જાદવનું નામ ખૂલતાં આ ત્રિપુટીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાંથી રિમાંડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

વ્યારાની અંજલિ ગોવિંદ કોળીનાં હીચકારી હત્યાના બનાવમાં સાસુ સુનંદાએ પાડોશીના ઘરે ઉપરના માળે રહેતી હોય ઉપર કોઇ જાય નહીં તેની નીચે બેસીને દેખરેખ રાખવાનું કામ કર્યુ હતું. જ્યારે સંબંધી હીરાલાલ ઉર્ફે અન્ના અભિમન્યુ જાદવે અંજલિનું મોં દબાવી રાખ્યું હતું. જેથી અંજલિનું મોત નીપજ્યું હતું. સસરા સંભાજી કોળીએ પુત્રવધૂના પગ પકડી રાખ્યા હતા. આમ સાસુ- સસરા અને સંબંધીની ત્રિપુટીએ પુત્રવધૂના ખૂનના ગુનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

હત્યાના આરોપી સાસુ સસરા અને સંબંધી.

શું છે સમગ્ર મામલો?
ગત તા.૨૪/૦૩/૨૦૨૩ના રોજ રાત્રિના ૮ વાગ્યાના અરસામાં અંજલિ હોસ્પિટલ હોવાની માહિતી મળતાં યુવતીના પિતા રામઅવતાર વ્યારા જનરલ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધી અંજલિ મોતને ભેટી ચૂકી હતી. મૃત અંજલિના ડાબા ગાલ, ગળાના ભાગે ઇજાનાં નિશાન તેમજ મોંમાંથી ફીણ નીકળેલ અને હાથની આંગળીઓ વળી ગયેલી જાણવા મળતાં યુવતીના પિતાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી.

અંજલિના મૃતદેહનું તા.૨૫/૦૩/૨૦૨૩ના રોજ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં અંજલિનું મોત મોં દબાવવાના કારણે થયાનું ખૂલ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ અંજલિએ લવ મેરેજ કર્યા હોવાથી સાસુ સુનંદા તેની સાથે અવરનવર ઝઘડો કરતી હતી.

અંજલિના પિતા રામઅવતારે અંજલિના પતિ રોહિત શંભાજી કોળી (રહે., વૃંદાવન ધામ સોસાયટી, વ્યારા) તથા તેની સાસુ સુનંદાબેન શંભાજી કોળી (હાલ રહે., સર્વોદયનગર, સોનગઢ) ઉપર હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ સમગ્ર હત્યાનાં પ્રકરણમાં અંજલિનાં સાસુ સુનંદા અને સસરા શંભાજી સહિત અન્ય એકનું નામ ખૂલતાં પોલીસે મંગળવારે તેમની ધરપકડ કરી હતી.

Most Popular

To Top