Columns

વિપક્ષોના ઇન્ડિયા ગઠબંધન માટે દિલ્હી હજુ બહુ દૂર જણાય છે

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ વિપક્ષોના ઇન્ડિયા ગઠબંધનની ફોલ્ટલાઈનો પણ બહાર આવી રહી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનાં અધ્યક્ષ અને મુખ્ય પ્રધાન મમતા બેનરજી એકલાં લડી લેવાના મૂડમાં છે તો પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાન ભગવંતસિંહ માન કોંગ્રેસને એક પણ બેઠક આપવા તૈયાર નથી. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા પશ્ચિમ બંગાળમાં પ્રવેશી રહી છે ત્યારે જ મમતા બેનરજીએ કોંગ્રેસને ડિંગો બતાવ્યો છે. મમતા બેનરજીએ સ્પષ્ટ કર્યું હતું કે બેઠકોની વહેંચણીને લઈને વાતચીતના દરવાજા હવે કોંગ્રેસ માટે બંધ છે અને જ્યાં સુધી રાષ્ટ્રીય ગઠબંધનની વાત છે, તેનો નિર્ણય ચૂંટણી પછી જ લેવામાં આવશે.

ભાજપ પશ્ચિમ બંગાળમાં ધીમે ધીમે પોતાનો પગદંડો જમાવી રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના ઘણા નેતાઓ સામે ભ્રષ્ટાચારના ગંભીર કેસો ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્યમાં તેમનું વર્ચસ્વ ગુમાવવું એ મમતા બેનરજી માટે જોખમી છે. પશ્ચિમ બંગાળમાં લોકસભાની ૪૨ બેઠકો છે, જેમાંની ૨૩ તૃણમૂલ કોંગ્રેસ પાસે છે. અહીંથી ભાજપના ૧૭ સાંસદો છે. આવી સ્થિતિમાં તૃણમૂલ કોંગ્રેસ માટે કોંગ્રેસને બેથી વધુ બેઠકો આપવી મુશ્કેલ છે. પશ્ચિમ બંગાળમાં એવી પાંચ લોકસભાની બેઠકો છે, જ્યાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં હોવાનું માનવામાં આવે છે.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બે (માલદા અને મુર્શિદાબાદ) બેઠકો જીતી હતી, જ્યારે ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સમગ્ર રાજ્યમાં એક પણ બેઠક જીતી શકી ન હતી. તૃણમૂલ કોંગ્રેસે માલદામાં વિધાનસભાની ૧૨ માંથી ૮ અને મુર્શિદાબાદમાં ૨૨ માંથી ૨૧ બેઠકો જીતી હતી. માલદામાં ચાર અને મુર્શિદાબાદમાં એક બેઠક ભાજપે જીતી હતી. ભાજપ સામે તૃણમૂલ કોંગ્રેસની જીતની શક્યતાઓ વધારે છે. કોંગ્રેસ માટે વધુ બેઠકો છોડવાથી ભાજપને ફાયદો થઈ શકે છે. જો રાષ્ટ્રીય સ્તરે ભાજપ લોકસભાની ચૂંટણી જીતે અને કોંગ્રેસની હાર થાય તો તૃણમૂલ કોંગ્રેસ પાસે મજબૂત વિપક્ષ બનાવવા માટે સાંસદોની વધુ સંખ્યા હોવી જરૂરી છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે ‘‘મારી કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ નથી. મેં હંમેશા કહ્યું છે કે બંગાળમાં અમે એકલાં લડીશું. દેશમાં શું થશે તેની મને ચિંતા નથી, પરંતુ અમે સેક્યુલર પાર્ટી છીએ અને બંગાળમાં છીએ. અમે એકલા હાથે ભાજપને હરાવીશું. હું ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છું. રાહુલ ગાંધીની ન્યાયયાત્રા અમારા રાજ્યમાંથી પસાર થઈ રહી છે, પરંતુ અમને તેની જાણ કરવામાં આવી નથી.’’મમતા બેનરજી એક બાજુ બંગાળમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કરે છે તો બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનને ટકાવી રાખવાની વાત કરે છે, જે પરસ્પર વિરોધાભાસ પેદા કરે છે. જો મમતા બેનરજી બંગાળમાં કોંગ્રેસને એક પણ બેઠક ફાળવવા તૈયાર ન હોય તો કોંગ્રેસ કેવી રીતે દેશમાં તેમના પક્ષ સાથે ગઠબંધન કરી શકે?

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મમતા બેનરજી પછી તેમની પાર્ટીમાં બીજા નંબરના ગણાતા અભિષેક બેનરજીએ કહ્યું હતું કે ‘‘તેમનો ધર્મ દ્વેષ, હિંસા અને નિર્દોષોના મૃતદેહો પર બનેલ એવા પૂજાસ્થળને સ્વીકારી શકતો નથી.’’તે દિવસે મમતા બેનરજીએ પોતે સર્વધર્મ રેલી કાઢી હતી અને અનેક ધર્મસ્થળોની મુલાકાત લીધી હતી. મુસ્લિમોમાં પોતાની પહોંચ વધારવાનો પ્રયાસ કરી રહેલી મમતા બેનરજીની પાર્ટીએ તાજેતરના દિવસોમાં ભાજપ વિશે કડક નિવેદનો આપ્યાં છે. મમતા બેનરજી સામે ડાબેરી પક્ષો પણ મોટો પડકાર બની શકે છે, જેની સામે મમતાએ રાજ્યમાં લાંબી રાજકીય લડાઈ લડી છે. એવું માનવામાં આવે છે કે મમતા બેનરજી તેમના મતદારોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની સીપીઆઈ (એમ) સાથેની નિકટતાથી નારાજ છે. ઈન્ડિયા એલાયન્સની તાજેતરની બેઠકોમાં તેમણે ડાબેરી પક્ષો વિશે ફરિયાદ કરી હતી. ડાબેરી પક્ષોએ પણ તેમના રાજકીય પ્રતિસ્પર્ધી તૃણમૂલ કોંગ્રેસ સાથે હાથ મિલાવવામાં વધુ રસ દાખવ્યો નથી.

લઘુમતી સમુદાયના મતો પણ મમતા બેનરજીની મોટી તાકાત રહી છે, પરંતુ હવે તેને પણ પડકારવામાં આવી રહ્યા છે. પોતાના વિસ્તારમાં પ્રભાવશાળી ગણાતા મૌલાના નૌશાદ સિદ્દીકીના નેતૃત્વમાં ભારતીય સેક્યુલર મોરચો મમતા માટે એક નવા પડકાર તરીકે ઉભરી આવ્યો છે. ૨૦૨૧માં સીપીઆઈ (એમ) અને કોંગ્રેસે આ મોરચા સાથે હાથ મિલાવ્યા હતા. આ ગઠબંધનને વિધાનસભાની ચૂંટણીમાં એક બેઠક મળી હતી; પરંતુ ગયા વર્ષે યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં આ મોરચાનો દેખાવ સારો રહ્યો હતો. મુર્શિદાબાદના લઘુમતી પ્રભુત્વવાળા સાગરદિઘીમાં યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામોએ પણ તૃણમૂલ કોંગ્રેસને આશ્ચર્યચકિત કરી દીધી હતી. અહીં કોંગ્રેસનો ઉમેદવાર જીત્યો હતો. જો કે આ ધારાસભ્ય પાછળથી ટીએમસીમાં જોડાઈ ગયો હતો. બંગાળમાં મમતા બેનરજી તેમની લઘુમતી વોટબેન્ક ગુમાવવા કોઈ સંયોગોમાં તૈયાર નથી.

પંજાબના મુખ્ય મંત્રી ભગવંતસિંહ માને પણ પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનની શક્યતાને નકારી કાઢી છે. આ બંને પક્ષો વિપક્ષી ઇન્ડિયા જૂથમાં સહયોગી છે. આટલું જ નહીં, મુખ્ય મંત્રી ભગવંત માને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમની પાર્ટી એકલા હાથે રાજ્યની તમામ ૧૩ લોકસભા બેઠકો જીતશે. ભગવંત સિંહ માનની જાહેરાત પહેલાં જ આમ આદમી પાર્ટી પંજાબની તમામ ૧૩ લોકસભા સીટો પર પોતાના દમ પર ચૂંટણી લડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે રાજ્યમાં સામાન્ય ચૂંટણી એકલા હાથે લડવાના પંજાબ યુનિટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

એવું માનવામાં આવે છે કે કોંગ્રેસે બેઠકોની વહેંચણીમાં જિદ્દી વલણ અપનાવ્યા બાદ પંજાબમાં લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ એકલા હાથે લડવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને અનેક રાઉન્ડની વાતચીત નિષ્ફળ પુરવાર થઈ છે. દરેક વખતે મુખ્ય મંત્રી ભગવંતસિંહ માન પંજાબમાં પોતાના દમ પર ચૂંટણી લડવાની વાત કરતા હતા.

ભગવંતસિંહ માને થોડા દિવસો પહેલાં એમ પણ કહ્યું હતું કે વર્ષ ૨૦૨૨માં પણ આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ૧૧૭માંથી ૯૨ બેઠકો એકલા હાથે જીતી હતી. આમ આદમી પાર્ટી દિલ્હીમાં પણ ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી જીતી છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને પાછળ છોડીને એકલા હાથે ૧૩ ટકા મતો મેળવ્યા હતા. દિલ્હીમાં લોકસભાની ૬ બેઠકો છે. તેના પર કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીનો પણ દાવો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી કરી શકે તેવી સંભાવના પાંખી છે.

દર વખતે લોકસભાની ચૂંટણી નજીક આવે ત્યારે વિપક્ષોની એકતાનું ભૂત ધૂણવા લાગે છે. આખા દેશમાં ભાજપના એક ઉમેદવાર સાથે વિપક્ષના એક ઉમેદવારનો વિચાર કાગળ ઉપર બહુ આકર્ષક જણાય છે, પણ તેનું વાસ્તવિકતાની ધરતી પર અવતરણ થતું નથી. દરેક રાજ્યમાં પ્રાદેશિક પક્ષો મતદારો પર વગ ધરાવે છે. તેઓ પોતાની વોટબેન્ક કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષને ચરણે ધરવા તૈયાર નથી; કારણ કે તેમને ડર છે કે કોંગ્રેસ તેમને ખતમ કરી નાખશે. કોંગ્રેસ આખા ભારતમાં મોટા ભાઈની ભૂમિકા ભજવવા માગે છે, પણ તેની પાસે કરિશ્મા ધરાવતો કોઈ નેતા નથી. વળી કોંગ્રેસનું સંગઠન માળખું પણ નબળું પડી ગયું છે. બીજી બાજુ રામ મંદિર અને હિન્દુત્વનાં મોજાંને કારણે ભાજપ ફુલ ફોર્મમાં છે. તેમનું હુકમનું પાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બેહદ લોકપ્રિયતા છે, જેનો કોઈ વિકલ્પ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પાસે નથી.

Most Popular

To Top