National

દિલ્હીમાં જે આગને ફાયર બ્રિગેડ ન ઓલવી શક્યું તેને નાનકડાં રોબોટે કાબુમાં કરી લીધી

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) તાપમાન વધવાની સાથે આગ (Fire) લાગવાના બનાવો પણ વધ્યા છે. રવિવારે, દિલ્હીમાં પ્રથમ ટીકરી કલાનના પીવીસી માર્કેટમાં આગ ફાટી નીકળી હતી. આ આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડની 20 ગાડીઓ મોકલવામાં આવી હતી, પરંતુ બે કલાકની કોશિશ બાદ પણ તેઓ આગને કાબુમાં લઈ શક્યા ન હતા. બાદમાં આ કામમાં વિદેશથી આયાત કરાયેલા રોબોટનો (Robot) ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રોબોટે માત્ર અડધા કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.

  • આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડની 20 ગાડીઓ મોકલવામાં આવી હતી
  • બે કલાકની કોશિશ બાદ પણ તેઓ આગને કાબુમાં લઈ શક્યા ન હતા
  • રોબોટે માત્ર અડધા કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો

આ રોબોટની ખાસ વાત એ છે કે તેને રિમોટથી કંટ્રોલ કરી શકાય છે. તેથી તેને રિમોટ કંટ્રોલ ફાયર ફાઈટીંગ મશીન કહેવામાં આવે છે. આ રોબોટને ઓસ્ટ્રિયા દ્વારા બનાવવામાં આવ્યો હતો. દિલ્હી સરકારે 2018 માં તેનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ કોરોનાના રોગચાળાને કારણે તેની ડિલિવરીમાં વિલંબ થઈ ગયો હતો. અંતે આ રોબોટ આ વર્ષે દિલ્હીના ફાયર વિભાગમાં જોડાયો છે. દિલ્હી સરકારે ઓસ્ટ્રિયાથી આવા બે રોબોટ મંગાવ્યા હતા.

ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર આ રોબોટ જ્યાં માનવીને પહોંચવું મુશ્કેલ છે ત્યાં તે જઈને આગ ઓલવવામાં મદદ કરે છે. આ રોબોટને 30 મીટર દૂર ઊભા રહીને રિમોટથી ઓપરેટ કરી શકાય છે. તેનું જેટ 60 મીટર સુધી જાય છે. આવી સ્થિતિમાં આગ ઓલવતી વખતે જો કોઈ અકસ્માત થાય તો પણ તેના કારણે કોઈ જાનહાની થતી નથી.

આ મશીનની ડિઝાઇન પણ ખાસ છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જો તેની સામે કોઈ બોક્સ અથવા કોઈ અવરોધ આવે તો તે તેને પણ ઉડાવી શકે છે અને તેને દૂર કરી શકે છે. આ રોબોટિક ફાયર ફાઈટિંગ સિસ્ટમમાં વ્હીલ્સને ટેન્કની જેમ બનાવવામાં આવ્યા છે, જેથી તે સીડી પર પણ ચઢી શકે. જો કોઈ મોટી ઈમારતમાં આગ લાગે તો તેને ઉપરના માળે પણ મોકલી શકાય છે. ઓફિસરના કહ્યા અનુસાર આ રોબોટમાંથી પાણી સિવાય ફીણ પણ નીકળી શકાય છે. આ રોબોટ કેમિકલથી લાગેલી આગને બુઝાવવા માટે પણ તેની મદદ લઈ શકાય છે.

Most Popular

To Top