Columns

સુખની વ્યાખ્યા

એક સંત હતા.નિરંતર અતિ આનંદમાં રહે. હંમેશા ખુશખુશાલ હોય અને મોઢા પર હરિનામ હોય અને આંખોમાં  માત્ર પરપ્રેમ છલકાતો હોય.આ સંત પાસે કંઈ જ ન હતું.નદી કાંઠે ઘાસ અને પાનમાંથી નાનકડી કુટિયા હતી અને તે કુટિરમાં પણ એક દીવો.એક ચટાઈ.એક માટલું  અને બે જોડી કપડાં હતાં.બહુ જ ઓછાં સાધનો અને છતાં સંત ભિક્ષા માંગી પેટપૂરતું ખાય, બાકી બધું બીજાને આપી દે.અન્યને જાતથી બને એટલા ઉપયોગી થાય.આજુબાજુ  રહેતાં પશુ અને પંખીઓનો પણ ખ્યાલ રાખે અને નિરંતર આનંદમાં રહે.

એક દિવસ નદી કાંઠે, યુવાનીમાં ગુરુકુળમાં સંત સાથે વિદ્યા શીખતા બીજા મહાત્મા આવ્યા. તેમણે સંતને ઝાડ નીચે પંખીઓને ચણ ખવડાવતાં જોયા અને ઓળખી લીધા અને પાસે જઈ પોતાની ઓળખાણ આપી અને પૂછ્યું, ‘મહાત્મા, તમારો આશ્રમ કયાં છે? તમે આટલા ખુશ અને આનંદમાં છો. નક્કી તમે ઘણું મેળવ્યું હશે.’ સંત હસ્યા અને હકારમાં ડોક હલાવી બોલ્યા, ‘પેલી મારી કુટીર છે અને આ મારી દુનિયા છે.’ સંતનો જવાબ સાંભળી મહાત્માને નવાઈ લાગી કે ‘બસ એક નાનકડી ઘાસફૂસની કુટીર છે અને છતાં આ સંત તો એકદમ આનંદમાં દેખાય છે. આવું કઈ રીતે શક્ય બને?’ તે પોતાની જાતને રોકી ન શક્યા અને બોલ્યા, ‘મહાત્માજી, આપણે સાથે ભણ્યા છીએ, બાજુના નગરમાં મારો ભવ્ય આશ્રમ છે.શિષ્યો છે છતાં મને સુખ અને આનંદની અનુભૂતિ થતી નથી. એમ જ લાગે છે કે કૈંક ખૂટે છે.કૈંક ખૂટે છે.’

સંત બોલ્યા, ‘તમે એક વાત ભૂલી ગયા છો કે સુખ કંઈ આશ્રમની ભવ્યતા અને શિષ્યોની સંખ્યામાં સમાયેલું નથી.’ મહાત્માજીએ પૂછ્યું, ‘ શું વાત કરો છો, જેટલો આશ્રમ ભવ્ય.જેટલા મોટા મોટા માણસો અનુયાયી એટલો મહાત્મા મોટો જ ગણાય ને.’ સંત હસ્યા અને બોલ્યા, ‘હા કદાચ શક્ય છે કે એમ મહાત્મા મોટો ગણાતો હશે, સુખી નહિ.સુખ કંઈ હવાઈ વસ્તુ નથી એટલે કે સુખ હવામાંથી નહિ મળી શકે કે સુખ નહિ મળી શકે ભવ્ય આશ્રમમાંથી.સુખનો તો અનુભવ કરવો પડે અને તે અનુભવ થાય સ્વસ્થ,સરળ જીવન સાથે ..તમે તમારી જવાબદારીઓ અદા કરો.બીજા માટે ત્યાગ કરી જીવી જાણો.મેળવવા માટે અહીં આપવા માટે જીવો તો તમને સુખનો સ્પર્શ થશે.’ સંતે સુખની એકદમ સાચી વ્યાખ્યા સમજાવી.મહાત્માને પોતાની ભૂલ સમજાઈ ગઈ.        
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top