Business

પ્રિય સન્નારી

કેમ છો?
નવા વર્ષની શરૂઆત કેવી રહી? કોરોના ધીમા પરંતુ મક્કમ પગલે વધી રહ્યો છે પરંતુ આપણે સહુ બેફિકર અને મસ્તમૌલા બની ફરી રહ્યા છીએ. પહેલી લહેરમાં થયેલું નુકસાન આપણા હાથમાં નહોતું પરંતુ બીજી લહેરમાં પ્રજાની બેદરકારીનો ફાળો નાનો નહોતો જ. આપણા હાથના કર્યા જ આપણને હૈયે વાગ્યા હતા પરંતુ ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ નહીં લેવાનો એ આપણી જૂની અને ખરાબ આદત છે. હા, ડરીને ઘરમાં જ ભરાઈ રહેવાની વાત નથી પરંતુ માસ્ક, સેનિટાઈઝર અને વેકસિનેશનથી દૂર ન જ ભાગી શકાય. ટ્રાવેલ હીસ્ટ્રીવાળાને કવોરોન્ટાઈન રાખવા જ પડે. શરદી, ખાંસી કે તાવ સામાન્ય હોય તો પણ એક વાર ડૉકટર પાસે જઇ આવવામાં શું વાંધો? વળી, કમૂરતા ઊતરતાં જ લગ્નની સીઝન આવશે.

રાજકીય સમારંભો તો બંધ થવાના જ નથી. ધર્મગુરુઓને લાગે છે કે ભીડ ભેગી નહીં કરીશું તો ભગવાન નારાજ થઇ જશે. વાત એટલી જ છે કે નોકરીએ જવું પડે… જાવ. મંદિરે ચૂપચાપ દર્શન કરીને આવી જાવ, ભીડવાળા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો ટાળો. શિયાળો છે તો જંકફૂડને બદલે હેલ્ધી ફુડ ખાઈને ઇમ્યુનીટી બુસ્ટ કરો, કસરત કરો. યોગા કરો. ફીટનેસ વધારો. ન કરે નારાયણ ને કોરોના ડસ્યો તો મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેન્થ જ તમને બચાવશે અને હા, નેતાઓ અને ગુરુઓની ભીડનો હિસ્સો બનવું તમારા માટે ન તો જરૂરી છે કે ન તો ફરજીયાત. ખુદ જાગો અને ખતરાને ભગાડો… આઠ મહિના જલસા કરી જ લીધા છે હવે ફરી સેલ્ફ કંટ્રોલના પંથ પર ચાલીએ અને પૈસા તથા હેલ્થ બંનેને સાચવીએ. બીજી ખાસ વાત, મેડીકલેમ ન હોય તો લઇ લેજો અને હોય તો ભૂલ્યા વિના રીન્યુ કરાવી લેજો. પાણી આવતાં પહેલાં પાળ બાંધવી એ ડાહ્યા માણસનું કામ છે અને આઈ થીંક, આપણે ડાહ્યા તો છીએ જ.

સન્નારીઓ, આવતા સપ્તાહે મકરસંક્રાંતિ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પતંગ ઉડાવવાનો ક્રેઝ ઘટયો છે પરંતુ પતંગની ફિલોસોફી આપણી લાઈફ સાથે ખૂબ સરસ રીતે જોડાયેલી છે. આકાશ, વાદળો, પતંગ, પેચ, પવન, દોરી, કાઈપોના અવાજો અને એને ઊંચે ને ઊંચે ઉડાવીને સ્થિર રાખવા મથનાર ફીરકી પકડીને જમીન પર ઉભેલો માણસ… એ પતંગ માણસની મદદથી ઊડે છે અને માણસની બેલેન્સ રાખવાની આવડતથી આકાશમાં સ્થિર રહે છે કે અણઆવડતથી અથવા તો બીજાના હુમલાથી જાતને બચાવવાની અશક્તિને કારણે કપાઈને ધરતી પર પડે છે. શું માણસની પોતાના જીવનમાં પણ આ જ ભૂમિકા નથી? પતંગને ઊડવા માટે એક એન્કર યાને દિશા બતાવનાર સપોર્ટરની જરૂર પડે છે જે પવન પ્રમાણે પતંગને સારી રીતે ઊડવાની દિશા તરફ લઇ જાય છે. એ જ રીતે આપણા જીવનને સ્થિર રાખવા માટે ફેમિલીના સપોર્ટની જરૂર પડે છે જે આપણું હિત-અહિત વિચારીને આપણને મૂલ્યો-સંસ્કાર અને લાગણીની દોરીથી બાંધી રાખે છે. અગર આ દોર આપણી પાસે ન હોય તો ખબર નહીં આપણે સમસ્યાઓના પવનથી ફેંકાઈને કયાંય પણ એકલા પડી જઈએ…

બીજું, પતંગ આકાશમાં ઊડે છે પરંતુ એનાં મૂળ ધરતી પર જડાયેલાં છે. ધરતીથી એનો છેડો ફાટે એટલે એનું અસ્તિત્વ ખોવાઈ જાય. એમ માણસ ભલે આકાશમાં ઊડે, ચંદ્ર પર જાય કે મંગળ પર… પણ એનું મૂળ ધરતી છે એ વાત વિસરાવી ન જોઈએ. અહીં ધરતીનો અર્થ વાસ્તવિકતા પણ કરી શકાય. એનું મૂળ કે મૂલ્યો પણ કરી શકાય. એનાથી છેડો ફાડીને માણસ ઊડવાનો પ્રયત્ન કરે તો એનો વિનાશ અવશ્ય થાય.

ત્રીજી વાત, પતંગ કેવો ઊડશે  એ એને ઉડાવનારનાં બેલેન્સ પર આધારિત છે એમ આપણે જીવનમાં કેવી અને કેટલી ઉડાન ભરીશું એનો આધાર આપણી બેલેન્સ રાખવાની ક્ષમતા પર છે. ઘર અને જોબ, ફેમિલી અને ફ્રેન્ડઝ, પ્રેમ અને ફરજ, સપનાં અને વાસ્તવિકતા તથા મહત્ત્વાકાંક્ષા અને મૂલ્યો વચ્ચે હંમેશાં બેલેન્સ રાખીને ચાલવું પડે છે. એક બાજુ વધારે નમવાથી પડવાની શકયતા રહે છે અથવા તો કોઇ બીજાની લપેટમાં આવીને કપાઈને નીચે પડવું પડે છે. બેલેન્સનો ટાસ્ક એ સૌથી અઘરો ટાસ્ક છે. એમાં હાથપગ અને આંખ બધાંનો સુમેળ અને સાયુજ્ય જોઈએ.

ચોથી વાત છે પસંદગીની. આપણે આપણો પતંગ અને દોરી પસંદ કરીએ છીએ, પતંગ કોણ ઉડાવશે, કયારે ઉડાવશે અને કયાંથી ઉડાવશે એ આપણે જ નક્કી કરીએ છીએ. જેમની પસંદગી અનુભવ આધારિત છે તેમનો પતંગ ઊડે છે લાઈફનું પણ સેમ જ છે. આપણા જીવનનાં સુખદુ:ખ આપણે જ પસંદ કરીએ છીએ. એનાથી છકવા કે હારવાને બદલે અનુભવ દ્વારા એમાંથી આગળ વધવાનો રસ્તો શોધવાનો છે. પસંદગી આપણી છે તો એનો અનુભવ પણ આપણે જ કરવાનો છે. એમાં પલાયનવાદ નહીં ચાલે.

અને છેલ્લી વાત, આપણે એકલા ઊડી શકતા નથી. પતંગને દોરી અને બે હાથનો સહારો જોઈએ છે અને આપણને પણ ઊડવા માટે કોઇ ને કોઇ સ્વરૂપે દોરી અને હાથ જોઈએ છે તેથી Who Care’sના વહેમમાંથી જેટલા ઝડપી મુકત થઇએ એટલું સારું. સન્નારીઓ આપણા ઉત્સવો  માત્ર આનંદનો સ્ત્રોત નથી પરંતુ જીવનદર્શનનું પણ પ્રતીક છે. બસ, નજર શાર્પ જોઈએ. ફરી એક વાર હેપ્પી ઉત્તરાયણ ચીકી- ઊંધિયું, બોર, સંતરાં ખાઈને મજા કરો.

– સંપાદક

Most Popular

To Top