Sports

બોલરોએ દિલ્હીને સનરાઇઝર્સ સામે 7 રને જીતાડ્યું

હૈદરાબાદ : આઇપીએલમાં (IPL) આજે સોમવારે અહીં રમાયેલી 34મી મેચમાં ટોપ ઓર્ડરની નિષ્ફળતા પછી અક્ષર પટેલ અને મનીષ પાંડેની ટૂંકી પણ મહત્વની ઇનિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે (DC) 9 વિકેટે 144 રન બનાવીને મૂકેલા 145 રનના લક્ષ્યાંક સામે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) 7 વિકટે 137 રન સુધી જ પહોંચતા દિલ્હી કેપિટલ્સનો 7 રને જીત મેળવી હતી.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલા સનરાઇઝર્સ પર દિલ્હીના બોલરોએ શરૂઆતથી જ સકંજો કસ્યો હતો અને તેના કારણે તેઓ ખુલીને રમી શક્યા નહોતા. મયંક અગ્રવાલે 49 અને અંતિમ ઓવરોમાં હેનરિક ક્લાસેને 34 રનની ઝડપી ઇનિંગ રમી હતી. આ સિવાય કોઇ દિલ્હીના બોલરોનો યોગ્ય રીતે સામનો કરી શક્યા નહોતા. આ પહેલા ટોસ જીતીને દાવ લેવાનો નિર્ણય કરનાર દિલ્હી કેપિટલ્સની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને પહેલી ઓવરમાં જ ઓપનર ફિલીપ સોલ્ટ શૂન્ય રને આઉટ થયો હતો. ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે 38 રનની ઝડપી ભાગીદારી કરી હતી. માર્શને નટરાજને આઉટ કર્યા પછી વોશિંગ્ટન સુંદરે વોર્નર, સરફરાઝ ખાન અને અમાન ખાનની વિકેટ 5 રનના ગાળામાં ખેરવતા દિલ્હીને મોટો ફટકો પડ્યો હતો. અક્ષર અને પાંડેએ મળીને તે પછી 69 રનની ભાગીદારી કરી હતી. અક્ષર અને પાંડે 34-34 રન કરીને આઉટ થયા હતા.

Most Popular

To Top