Madhya Gujarat

એક માસના પુત્રની હત્યામાં માતાને આજીવન કેદ

નડિયાદ: કઠલાલ પંથકમાં ચારેક વર્ષ અગાઉ નિષ્ઠુર માતાએ પોતાના પતિ સાથેની તકરારને પગલે પોતાના જ કુખે જન્મેલાં એક મહિનાના બાળકને ગરનાળાના પાણીમાં ફેંકી, હત્યા કરી હતી. આ કેસમાં કપડવંજ કોર્ટે નિષ્ઠુર માતાને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂપિયા 6 હજારનો દંડ ફટકાર્યો છે. કઠલાલ તાલુકાના લાડવેલ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલની સીમે આવેલ જુના ગરનાળા નીચે પાણીમાંથી ચારેક વર્ષ અગાઉ એક નવજાત બાળકની લાશ ફોગાયેલી હાલતમાં મળી આવી હતી.

આ મામલે કઠલાલ પોલીસે બાળકની અજાણી માતા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. જે બાદ બાળકની માતાની ભાળ મેળવવા માટે પોલીસે વિવિધ નગરપાલિકા, ગ્રામપંચાયતોમાં બાળકોની જન્મ નોંધણીની તપાસ કરી હતી. જેમાં આશાબેન પ્રતાપભાઈ રાઠોડ (રહે.નવા મુવાડા તાબે ફાગવેલ, તા.કઠલાલ) એ તા.23-5-2019 ના રોજ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં જે બાળકને જન્મ આપ્યો હતો તે જ આ બાળક હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેથી પોલીસે આશાબેન અને તેના પતિની અટકાયત કરી પુછપરછ કરી હતી.

જેમાં તેઓ બંને વચ્ચે મનમેળ ન હોવાથી કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલતો હતો તે સમયગાળામાં જ તેઓને સંતાનમાં એક બાળકનો જન્મ થયો હોવાનું આશાબેનના પતિએ જણાવ્યું હતું અને આ મામલે તેઓએ ડી.એન.એ ટેસ્ટ કરાવવાની પણ માંગ કરી હતી. જેના આધારે પોલીસે મૃતક બાળક તેમજ આશાબેનના ડી.એન.એ રિપોર્ટનું પરીક્ષણ કરાવ્યું. જેમાં આશાબેન જ આ બાળકની માતા હોવાનું સ્પષ્ટ થયું હતું. જે બાદ પોલીસે આ મામલાની તપાસ પૂર્ણ કર્યાં બાદ, ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં મુકી હતી. આ કેસ કપડવંજના સેસન્સ ન્યાયાધીશ વી.પી.અગ્રવાલની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ મિનેષ.આર.પટેલ તરફથી 12 મૌખિક પુરાવા, 60 થી વધુ દસ્તાવેજી પુરાવા તેમજ ધારદાર દલીલો રજુ કરી હતી. જેને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશે આરોપી આશાબેન પ્રતાપભાઈ રાઠોડને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. તેમજ રૂપિયા 6 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
ક્યાં ગુનામાં કેટલી સજા
ઈ.પી.કો કલમ 302 ના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ.5000 નો દંડ, જો દંડ ન ભરે તો વધુ 3 માસની સજા
ઈ.પી.કો કલમ 201 ના ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા અને રૂ.1000 નો દંડ, જો દંડ ન ભરે તો વધુ 3 માસની સજા

Most Popular

To Top