Dakshin Gujarat

દમણમાં એક યુવતીને ઓનલાઇન ગેમ રમવા દરમ્યાન અજાણ્યા યુવાન સાથે દોસ્તી કરવાનું ભારે પડ્યું

દમણ: (Daman) સંઘપ્રદેશ દમણની એક યુવતીને ઓનલાઇન ગેમ (Online Game) રમવા દરમ્યાન અજાણ્યા યુવાન સાથે દોસ્તી કરવાનું ભારે પડ્યું હતું. અજાણ્યા યુવાને યુવતીનો ફોન નંબર મેળવી તેને ફોન પર બીભત્સ મેસેજ મોકલવા અને તેણીને વારંવાર ફોન (Phone) કરી હેરાન પરેશાન કરવાને લઈને દમણ પોલીસે આ મામલે રાજસ્થાનના એક છેલબટાઉ યુવાનની ધરપકડ કરી દમણ લાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

  • દમણમાં એક યુવતીને ઓનલાઇન ગેમ રમવા દરમ્યાન અજાણ્યા યુવાન સાથે દોસ્તી કરવાનું ભારે પડ્યું
  • દોસ્તી કર્યા બાદ યુવાન યુવતીને ફોન પર બીભત્સ મેસેજ અને કોલ કરી કરતો હતો હેરાન પરેશાન
  • દમણ પોલીસે આ મામલે રાજસ્થાનના એક યુવાનની કરી ધરપકડ

મળી રહેલી માહિતી પ્રમાણે દમણના વરકુંડ વિસ્તારમાં રહેતી એક યુવતી છેલ્લા ઘણા સમયથી મોબાઈલ પર ઓનલાઇન ગેમ રમી રહી હતી. આ દરમ્યાન રાજસ્થાનના એક યુવાન જોડે યુવતીની વર્ચ્યુલ દોસ્તી થઈ હતી. જે બાદ યુવાને કોઈ રીતે યુવતી પાસેથી તેનો મોબાઈલ નંબર મેળવી તેને ગંદા અને અશ્લિલ મેસેજ તથા કોલ કરવા લાગ્યો હતો. જે લાંબા સમય સુધી ચાલતા આખરે યુવતી હેરાન પરેશાન થઈ જતાં આ અંગે તેણે તેની માતાને સમગ્ર હકીકતથી વાકેફ કરી હતી.

જે બાદ યુવતીની માતાએ આ બાબતે દમણ પોલીસને સમગ્ર બાબતની જાણકારી આપતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જ્યાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરતા આ યુવાન રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું હતું. જ્યાં પોલીસની એક ટીમે રાજસ્થાન જઈ આરોપી યુવાન વિનોદકુમારને પકડી દમણ લાવી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. જ્યાં તેને કોર્ટમાં હાજર કરતા કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે

Most Popular

To Top