National

બિહાર: ઘઉંનો પાક ઉતાર્યા બાદ ખેતરમાં દારૂ પાર્ટી કરી રહેલા 16 લોકોના ઝેરી દારૂ પીવાને કારણે મોત

બિહાર: (Bihar) બિહારના મોતિહારીના તુર્કૌલિયા, હરસિદ્ધિ અને પહાડપુર વિસ્તારમાં ઝેરી દારૂ (Alcohol) પીવાને કારણે 16 લોકોના મોત થયા છે. અહીં શુક્રવારે બે લોકોના મોત (Death) થયા હતા. આ મામલે પહેલા વહીવટીતંત્ર ઝાડા-ઊલટીના કેસ હોવાનું કહેતું રહ્યું હતું. ત્યારબાદ શનિવાર બપોર સુધી કુલ 16 લોકોના મોત થયા હોવાનું સામે આવતા પ્રશાસન દોડતું થયું હતું.

મોતિહારીમાં ઝેરી દારૂના કારણે મૃત્યુ પામેલા લોકોની ઉંમર 19 થી 48 વર્ષની વચ્ચે છે. તેમાંથી સૌથી વધુ 11 લોકો તુર્કૌલિયામાં, 3 હરસિદ્ધિમાં અને 2 લોકો પહાડપુરમાં મૃત્યુ પામ્યા છે. મૃત્યુ પામેલા લોકોના સંબંધીઓનું કહેવું છે કે ગુરુવારે સાંજે ઘઉંનો પાક લણ્યા બાદ ખેતરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. રાત્રે ઘરે આવીને સૂઈ ગયા બાદ સવાર પડતાં જ અનેક લોકોની તબિયત લથડવા લાગી હતી. પ્રથમ પિતા-પુત્રનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ પછી પ્રશાસને ગામમાં મેડિકલ ટીમ મોકલી હતી. જોકે શરૂઆતમાં ઝેરી દારૂ પીને મૃત્યુનો ઇનકાર કરાયો હતો. શનિવાર સવાર સુધી વહીવટીતંત્ર ઝાડા અને ફૂડ પોઈઝનિંગ મામલે મક્કમ હતું.

ઝેરી દારૂને કારણે આ વિસ્તારોમાં લોકો મરી રહ્યા છે ત્યારે 7 મૃતદેહોને પોસ્ટમોર્ટમ વિના પરિવારના સભ્યો દ્વારા સળગાવી દેવામાં આવ્યા હતા. 12 લોકો હજી પણ ગંભીર છે તેમના વિશે કોઈ માહિતી ખુલીને સામે આવી રહી નથી. તેમના સ્વજનોની સ્થિતિ ખરાબ છે. જોકે જે લોકો હોસ્પિટલમાં છે તે લોકો દ્વારા દારૂ પીવાની બાબત પણ સામે આવી રહી છે. અહીં મામલો ગંભીર બનતો જોઈને પોલીસ હેડક્વાર્ટરના મોતિહારી એસપીને તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પટનાથી નશાબંધી વિભાગની વિશેષ ટીમ મોતિહારી જવા રવાના થઈ છે.

જણાવી દઈએ કે મૃતકોએ ઘંઉનો પાક લણ્યા બાદ દારૂની પાર્ટી કરી હતી. મૃતક છોટુ કુમારની બહેન પ્રતિમા કુમારીએ જણાવ્યું કે ગુરુવારે તે કામ માટે બાલગંગા ગામમાં ગઈ હતી. ઘઉંના પાકની લણણી કર્યા બાદ ધ્રુપ પાસવાન પણ તેની સાથે કામ કરવા ગયો હતો. સાંજે ધ્રુપ પાસવાને દારુ પીધો હતો. અહીં કુલ 6 લોકોએ દારૂની મહેફિલ જમાવી હતી. જેમાંથી 4ના મોત થયા હતા. આમાં ધ્રુપ પાસવાન પણ સામેલ હતા.

બીજી તરફ મૃતક અશોક કુમારની પુત્રી શોભાએ જણાવ્યું કે પિતાએ શુક્રવારે સાંજે પણ દારૂ પીધો હતો. ઘરે આવીને રાત્રે રોટલી ખાઈને સૂઈ ગયા હતા. તેને ગંભીર માથાનો દુખાવો થયો હતો. શુક્રવારે સવારે તેમની તબિયત લથડી હતી. જ્યારે તેમને સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે ત્યાંથી તેમને મુઝફ્ફરપુર રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાઓ બાદ પ્રશાસન દોડતું થયું છે. 16 લોકોના મોત થયા છે જ્યારે અનેક ગંભીર હાલતમાં છે.

Most Popular

To Top