Dakshin Gujarat

દમણની આ હોટલનું લાયસન્સ પર્યટન વિભાગે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું, આ છે કારણ

દમણ: (Daman) સંઘપ્રદેશ દમણની નાનાઝ હોટલ (Hotel) (ન્યૂ નટરાજ ગેસ્ટ હાઉસ)નું લાયસન્સ (License) પર્યટન વિભાગે (Department of Tourism) તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. આ હોટલના બાથરૂમમાં નડિયાદથી આવેલા પરિવારના પિતા અને પુત્રનું બાથરૂમમાં કરંટ લાગ્યા બાદ મોત નિપજવાની ઘટના બાદ હોટલ સંચાલકોએ ગંભીર બેદરકારી દાખવતા પ્રશાસને લાયસન્સને રદ્દ કરવાની કાર્યવાહી કરતા અન્ય હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

  • નડીયાદના પિતા-પુત્રનું બાથરૂમમાં મોત બાદ દમણની હોટલનું લાયસન્સ સસ્પેન્ડ
  • હોટલના ન્યૂ નટરાજ ગેસ્ટ હાઉસમાં બેના મોત બાદ પ્રશાસને કડક વલણ અપનાવ્યું
  • પ્રશાસને લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી કરતા અન્ય હોટલ સંચાલકોમાં ફફડાટ

30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના નડિયાદ શહેરના મિશન રોડ, રામ તલાવડીના અક્ષર હાઇટ્સમાં રહેતા શ્રીકાંત મુકેશ વાઘેલા પત્ની અને 2 નાના બાળકો સાથે દમણ ફરવા આવ્યા હતા. અને નાની દમણની હોટલ નાનાઝ પેલેસ રેસ્ટોરન્ટ નટરાજ હોટલમાં રૂમ નંબર 301 માં રોકાયા હતા. જ્યાં સાંજે શ્રીકાંત વાઘેલાનો 6 વર્ષીય પુત્ર શીનોન બાથરૂમમાં જતા ત્યાં તેને કરંટ લાગ્યો હતો. આ બનાવને લઈ શ્રીકાંત પણ બાળક અને પત્નીને બચાવવા બાથરૂમમાં જતાં તેને પણ કરંટ લાગતા પિતા અને પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે પત્ની કિંજલને ઇજા થઈ હતી.

ઘટનાને પગલે પ્રશાસને હોટલને ખાલી કરવાનો આદેશ કરાયો હતો. આ મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, રવિવારે પ્રદેશના કલેકટર સૌરભ મિશ્રા દ્વારા હોટલ ખાતે આવી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી હોટલને બંધ કરવાનો આદેશ કર્યો હતો. હોટલ સંચાલકોએ દાખવેલી ગંભીર બેદરકારીને કારણે પિતા અને પુત્રનું મોત નિપજતા દમણ પર્યટન વિભાગના ડાયરેક્ટર અરુણ ગુપ્તાએ બીજો આદેશ ન થાય ત્યાં સુધી હોટલ નાનાઝ પેલેસ (ન્યૂ નટરાજ ગેસ્ટ હાઉસ)ના લાયસન્સને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર જારી કર્યો છે. આ હોટલનું લાયસન્સ સસ્પેન્ડ થતા પ્રદેશની અન્ય હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Most Popular

To Top